કુરનૂલઃ આંધ્ર પ્રદેશમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કુરનૂલમાં બે વાહનો વચ્ચે આ અકસ્માત સર્જાયો તેમાં 8 લોકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ સાથે 10થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ દર્દીઓને એમ્મિગાનુર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. આ તમામ મૃતકો કર્ણાટકના હોવાનું પણ જાણવા મળ્યાં છે. કર્ણાટકથી તીર્થયાત્રાએ જઈ રહેલા યાત્રીઓ ચિકમંગલુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પાંચ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો
અકસ્માતની આ ઘટના અંગે વિગતો આપતા કુરનૂલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચિલકાલાડોના પાસે એક બોલેરો અને લોરી વચ્ચે ભયાનક ટક્કપ થઈ હતી, જેમાં 10થી 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8 લોકોનું જ મોત થઈ ગયું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે એક બોલેરો રેડી-મિક્સ લોરી સાથે સામસામે અથડાઈ હતી. જેમાં પાંચ લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ઘાયલોની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે.
પીડિતો કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાના યાત્રાળુઓ હતા
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પીડિતો કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાના યાત્રાળુઓ હતા, જેઓ શ્રી રાઘવેન્દ્ર સ્વામીના આશીર્વાદ મેળવવા માટે મંત્રાલયમ જઈ રહ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ તેની રાહ જોઈને બેઠો હશે! આ અકસ્માત અંગે પરિવહન પ્રધાન મંદીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ઘાયલોને સારામાં સારી સર્વોત્તમ સારવાર આપવામાં આવે તેવો મંદીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો.