અમદાવાદઃ ગુજરાતમાં ઓપરેશન હેલ્ટા હન્ટ દ્વારા ગેરકાયદે રહેતા અનેક બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આણંદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક વ્યક્તિએ તેની પત્નીને બાંગ્લાદેશ ન મોકલવા રાજ્ય સરકારને વિનંતી કરી હતી. લગભગ એક દાયકા પહેલા ભારત આવેલી કાજલે ત્યારથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. તેને ડર છે કે જો તેને તેના મૂળ દેશમાં પાછી મોકલવામાં આવશે તો તેના જીવને જોખમ છે.
મહિલાની બે સપ્તાહ પહેલા દસ્તાવેજો વગર ભારતમાં રહેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ મહિને અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 600થી વધારે બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદે વસવાટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 60 લોકો આણંદ જિલ્લાના હતા.
મળતી વિગત પ્રમાણે, આણંદના એક વ્યક્તિએ પોતાની બાંગ્લાદેશી મૂળની પત્નીને દેશનિકાલ ન કરવા ગુજરાત સરકારને અપીલ કરી હતી. પત્નીએ હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી બાંગ્લાદેશમાં તેની જાનને જોખમ હોવાની અને તેમના બે બાળકોની માતા છૂટી પડી જવાની દલીલ રજૂ કરીને માનવીય ધોરણે રાહત માંગવામાં આવી હતી.
લાંભવેલ ગામના રહેવાસી તરુણ પટેલને 2012-13 માં ફેસબુક દ્વારા બાંગ્લાદેશની કાજલ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. કાજલ કાયદેસર રીતે લગ્ન કરવા માટે પાસપોર્ટ મેળવી ન શકવાના કારણે, પરિવારના દબાણમાં અન્યત્ર લગ્ન ન કરવા પડે માટે અંદાજે 10 વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત આવી હતી.
ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાંચ દ્વારા કાજલની ધરકપડ કરવામાં આવી હતી અને તેને મહિલા આશ્રયગૃહમાં રાખીને ડિપોર્ટેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તરુણ પટેલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરી છે કે તેમની પત્નીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો છે અને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવે તો કટ્ટરપંથી તત્વો દ્વારા તેના જીવનને જોખમ ઊભું થઈ શકે છે. તેમનું તથા તેમના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે ભારતીય નાગરિકત્વ મેળવવાની તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની પણ તેમણે તૈયારી બતાવી છે.
પરિવારજનોએ કહ્યું કે, કાજલને હાલ આગળની કાર્યવાહી માટે એક મહિલા આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે. તેના પતિનું કહેવું છે કે લગભગ બે સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવ્યા બાદ બાળકો તેની માતાને મળી શક્યા નથી. દંપતીના મોટા પુત્રએ પણ અધિકારીઓને તેની માતના મુક્ત કરવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ મામલો ઑપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સામે આવ્યો છે.