અમરેલીઃ અમરેલી પોલીસે SD Pay એપ્લિકેશન દ્વારા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા 635 કરોડના મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો થોડા દિવસ પહેલા પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ઝડપી પાડ્યા હતા. આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ બાદ પણ રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો યથાવત હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજસ્થાનથી વાયરલ થયેલી 10 મિનિટની એક નવી કથિત ઓડિયો ક્લિપમાં કંપનીના સમર્થકો અને ડિરેક્ટરો દ્વારા કાનૂની પ્રક્રિયા સામે શંકા ઉપજાવી લોકોને ભ્રમિત કરવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે.
ધરપકડ સામે ‘સામેથી સરેન્ડર’નું જૂઠાણું
વાયરલ ઓડિયો ક્લિપમાં વાતચીત કરી રહેલા શખ્સો એવો દાવો કરતા સંભળાય છે કે અમરેલી સાયબર સેલમાં ફરિયાદ થયા બાદ કંપનીના ડિરેક્ટરો ધવલ પટેલ અને હિરેન શાહ સામેથી પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા. પોલીસ દ્વારા ઓડિશાથી તેમની ધરપકડ દર્શાવવામાં આવી હોવાની વાતને પણ ઓડિયોમાં નકારવામાં આવી રહી છે. આ ઉપરાંત, ધરપકડ બાદ હિરેન શાહ તમામ જરૂરી સરકારી લાયસન્સ અને દસ્તાવેજો એકત્ર કરવા માટે બહાર નીકળ્યા હોવાનો અને ધવલ પટેલ સામેથી અંદર બેઠા હોવાનો હાસ્યાસ્પદ તર્ક રજૂ કરવામાં આવ્યો છે.
RBI અને હરીફ કંપનીઓ પર ષડયંત્રનો દોષારોપણ
ઓડિયો ક્લિપમાં વહીવટી તંત્ર, પોલીસ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપનીના તમામ દસ્તાવેજો અને લાયસન્સ યોગ્ય હોવા છતાં વિરોધી ગ્લોબલ કંપનીઓ, યુટ્યુબર્સ અને આંતરિક વિરોધીઓના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, રોકાણકારોની અટવાયેલી રકમ માટે સમગ્ર દોષનો ટોપલો RBI પર ઢોળી દેવામાં આવ્યો છે.
IMPS શરૂ થવાની નવી તારીખ આપી ભ્રમ ફેલાવાયો
એક તરફ તપાસ એજન્સીઓ કરોડો રૂપિયાના ગેરવ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ રોકાણકારોમાં આક્રોશ ન ફેલાય તે માટે ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ મહિનાના અંત સુધીમાં તમામ IMPS સેવાઓ ફરી શરૂ થઈ જશે. સાથે જ, કોર ટીમના સભ્યો અને વોટ્સએપ ગ્રૂપમાં લોકોને 'ચિંતા ન કરવા' અને 'દિવાળીની ઉજવણી કરવા' જેવા ભ્રામક સંદેશાઓ ફેલાવી શાંત રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે.
પોલીસ અને સાયબર વિભાગ દ્વારા મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવા છતાં, કંપનીના સમર્થકો સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને કંપનીનું ફ્રી પ્રમોશન ગણાવી રોકાણકારોને હજુ પણ અંધારામાં રાખવાની કોશિશ કરી રહ્યા છે. કાયદાકીય એજન્સીઓ હવે આ પ્રકારની વાયરલ ક્લિપ્સ અને રોકાણકારોને ગેરમાર્ગે દોરતી હિલચાલ પર પણ નજર રાખી રહી છે.