વૈશ્વિક સોનામાં ચાંદીમાં રૂ. 2491નું બાઉન્સબૅક, સોનામાં રૂ. 671ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે તંગ નાણાનીતિ યથાવત્ રાખતાં ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવ લગભગ બે મહિનાની નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે નીચા મથાળેથી બાર્ગેઈન હંટિંગ નીકળતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટાડો આગળ ધપ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, પરંતુ વિશ્વ બજારથી વિપરીત ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. 2491નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 669થી 671નો ઘટાડો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2491ના બાઉન્સબૅક સાથે રૂ. 2,32,364ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે હાજરમાં સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 669 ઘટીને રૂ. 1,46,628 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 671 ઘટીને રૂ. 1,47,218ના મથાળે રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સોનામાં નીચા મથાળેથી રોકાણકારોની તેમ જ રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક રહી હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.6 ટકા વધીને આૈંસદીઠ 4674.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સાથે જ સાપ્તાહિક ધોરણે સતત ત્રીજા સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સપ્તાહમાં અત્યાર સુધીમાં અંદાજે છ ટકા ભાવ ઘટી આવ્યા છે. વધુમાં આજે એપ્રિલ ડિલિવરી વાયદામાં સોનાના ભાવ 1.50 ટકા વધીને 4676.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 72.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આજે નીચા મથાળેથી રોકાણકારોની સોનામાં લેવાલી જોવા મળી છે, પરંતુ નજીકના સમયગાળામાં ખાસ કરીને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતા ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં વધારાથી ફુગાવો વધતાં વૈશ્વિક મુખ્ય કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ લાંબા સમય સુધી જાળવી રાખે તેમ હોવાથી આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં છ ટકા જેટલો અને અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સંયુક્તપણે હુમલો કર્યો ત્યારથી અર્થાત્ ગત 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શોનાના ભાવમાં 10 ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે.
એકંદરે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે બન્ને દેશો રિફાઈનરીઓને લક્ષ્યાંક બનાવી રહ્યા હોવાથી વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉકળી રહ્યા છે અને તેને કારણે ફુગાવો વધી આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ હવે સમગ્ર વર્ષ 2026માં વ્યાજદરમાં કાપ નહીં મૂકે એવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો જોઈ રહ્યા છે. ક્વૉન્ટિટેટિવ કૉમોડિટી રિસર્ચનાં વિશ્લેષક પીટર ફર્ટિગે જણાવ્યું હતું કે મધ્યપૂર્વની ચિંતાને ધ્યાનમાં લેતાં હાલના તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 4500 ડૉલર સુધી ઘટી શકે છે, પરંતુ જો યુદ્ધ લંબાઈ જવાનો ભય સપાટી પર આવે તો ભાવ 5000 ડૉલર સુધી પણ પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.