Sun Oct 04 2026

Logo

અમદાવાદમાં મંજૂરી વગર ડિમોલિશન કર્યું તો સીધી FIR: AMC લાવશે કડક નિયમો

2026-09-17 11:13:27
Author: Mayur Patel
અમદાવાદમાં મંજૂરી વગર ડિમોલિશન કર્યું તો સીધી FIR: AMC લાવશે કડક નિયમો

અમદાવાદ: સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો દેશભરમાં ચગ્યો હતો. જેમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બોધપાઠ લઈને મોટો નિર્ણય કર્યો હતો. જે મુજબ અમદાવાદમાં મંજૂરી વગર ડિમોલિશન કરવામાં આવશે તો FIR થશે. આ માટે કોર્પોરેશન કડક નિયમો લાવશે.

મળતી વિગત પ્રમાણે, અમદાવાદ શહેરમાં જૂની, જર્જરિત રહેણાંક સોસાયટીઓ અને કોમર્શિયલ મિલકતોના રિડેવલપમેન્ટમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને પર્યાવરણ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા AMCના ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ડ્રાફ્ટ અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી 2026 તૈયાર કરી છે. આ ડ્રાફ્ટ પોલિસી મંજૂરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.

નવી નીતિ મુજબ, મંજૂરી વગર કે નિયમોનું ઉલ્લંઘન કરીને ડિમોલિશન કરનારા મિલકત માલિકો અને કોન્ટ્રાક્ટરો સામે ભારે દંડ અને FIR થશે. ડિમોલિશન દરમિયાન પડોશી મિલકતોને થતા કોઈપણ નુકસાન માટે મિલકત માલિક પોતે જવાબદાર રહેશે.

આ ઉપરાંત 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ (બિલ્ટ-અપ એરિયા) ધરાવતા માળખાના ડિમોલિશન માટે ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં મંજૂરી લેવી પડશે. 15 મીટરથી વધુ ઊંચાઈ અથવા 10,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી ઇમારતો તોડવા માટે અરજદારે સ્ટ્રક્ચરલ એસેસમેન્ટ રિપોર્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન તેમજ એન્વાયર્નમેન્ટલ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ પ્લાન રજૂ કરવો ફરજિયાત રહેશે. પ્રમાણિત નિષ્ણાતના સ્થળ પર સુપરવિઝન વગર કોઈ ડિમોલિશન થઈ શકશે નહીં.

500 ચોરસ મીટરથી નાની મિલકતો માટે પરવાનગી ફરજિયાત નથી, પરંતુ સલામતી અને પર્યાવરણના નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે. 15 મીટરથી ઓછી ઊંચાઈ અને 5000 ચોરસ મીટર સુધીના ક્ષેત્રફળવાળા બાંધકામો માટે ડિમોલિશનની મંજૂરી અઠવાડિયા પહેલા મેળવવાની રહેશે.

અરજદારે ડિમોલિશન શરૂ કરતાં પહેલાં વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી દેવામાં આવ્યા હોવાના દસ્તાવેજી પુરાવા આપવાના રહેશે. ડિમોલિશનની કામગીરીથી ટ્રાફિક વ્યવસ્થા કે રાહદારીઓની સલામતી જોખમાવી ન જોઈએ. સ્થળ પર 'ડિમોલિશનનું કામ ચાલુ છે' અને 'જોખમ' જેવા સાવચેતી દર્શાવતા બોર્ડ લગાવવા પડશે. કામદારોએ હેલ્મેટ, ગ્લોવ્ઝ સહિતના તમામ વ્યક્તિગત સુરક્ષા સાધનો પહેરવા પડશે.

વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સાઇટ પર ડસ્ટ બેરિયર્સ અને વિન્ડ શીલ્ડ્સ લગાવવા પડશે, તેમજ ઇમારતને લીલી નેટથી સંપૂર્ણ રીતે ઢાંકવી પડશે. કામગીરી પહેલાં અને પછી સ્પ્રિંકલર વડે પાણી છાંટવું પડશે અને ડિમોલિશન દરમિયાન સતત મિસ્ટિંગ સિસ્ટમ ચાલુ રાખવી પડશે.

સાઇટ પર ડસ્ટ મોનિટરિંગ સિસ્ટમ લગાવવી પડશે. કટિંગ અને ડ્રિલિંગનું તમામ કામ માત્ર સાઇટની સીમા અંદર જ થવું જોઈએ અને આસપાસના જાહેર રસ્તા સાફ રાખવા પડશે. ડિમોલિશનનો કાટમાળ ઢાંકીને રાખવો પડશે અને મકાન તોડ્યાના 48 કલાકની અંદર સાઇટ પરથી હટાવી લેવો પડશે. કામગીરી પહેલાં અને પછીના ફોટોગ્રાફ્સ પણ જમા કરાવવાના રહેશે.

સૂત્રોએ જણાવ્યું કે,  અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે અને 203ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરી રહ્યું છે, જેના પગલે શહેરમાં જૂની સોસાયટીઓ અને વ્યાપારી એકમોનું મોટા પાયે રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આ તબક્કા દરમિયાન પર્યાવરણનું રક્ષણ અને જાહેર સલામતી કોર્પોરેશનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. AMC-રજિસ્ટર્ડ નિષ્ણાતો અને ખાનગી સ્ટ્રક્ચરલ એન્જિનિયરોના સ્થળ પરના સુપરવિઝન વગર ડિમોલિશન કરી શકાશે નહીં. નિયમોનું કડકાઈથી પાલન ફરજિયાત છે. ઉલ્લંઘન કરનાર સામે ભારે દંડ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.