Sat Sep 05 2026

Logo

Ambernath Station Shocking Video: વોકર સાથે પાટા ઓળંગતા દિવ્યાંગનો ચમત્કારિક બચાવ! વીડિયો થયો વાઈરલ

2026-09-03 17:09:00
Author: Darshana Visaria
Ambernath Station Shocking Video: વોકર સાથે પાટા ઓળંગતા દિવ્યાંગનો ચમત્કારિક બચાવ! વીડિયો થયો વાઈરલ

મુંબઈઃ મધ્ય રેલવેના અંબરનાથ રેલવે સ્ટેશન પરથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દિવ્યાંગ વ્યક્તિ વોકરના સહારે રેલવે ટ્રેક ઓળંગતી જોવા મળે છે. પ્લેટફોર્મ પર લોકલ ટ્રેન પહોંચે તેની થોડી જ સેકન્ડો પહેલાં અન્ય સતર્ક મુસાફરોએ દોડી આવીને દિવ્યાંગ વ્યક્તિને પ્લેટફોર્મ પર ખેંચી લીધો હતો અને એક મોટો અકસ્માત ટળી ગયો હતો. આ ઘટનાએ ઉપનગરીય રેલવે સ્ટેશનો પર દિવ્યાંગ મુસાફરોની સુરક્ષા અને પાયાની સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ટ્રેક પરથી પ્લેટફોર્મ સુધીનો જીવલેણ સંઘર્ષ:
વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને પોતાના વોકરના સહારે બે રેલવે ટ્રેક ઓળંગી સામેના પ્લેટફોર્મ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તે સામેના ઊંચા પ્લેટફોર્મ પર ચઢવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા બેથી ત્રણ મુસાફરોનું ધ્યાન ગયું અને તેમણે તાત્કાલિક નીચે ઝૂકીને તેને પ્લેટફોર્મ પર સુરક્ષિત ખેંચી લીધો. આ બચાવ કામગીરી પૂરી થતાંની સાથે જ પાછળથી પ્લેટફોર્મ પર ઝડપથી લોકલ ટ્રેન પ્રવેશી રહી હતી, જે દર્શાવે છે કે જો મુસાફરોએ સમયસૂચકતા ન વાપરી હોત તો ક્ષણભરમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હોત.

નેટીઝન્સે સુવિધાઓના અભાવ સામે ઉઠાવ્યા સવાલ:
વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ રેલવે પ્રશાસનની ટીકા કરી છે. અનેક યુઝર્સે ધ્યાન દોર્યું કે અંબરનાથ જેવા વ્યસ્ત સ્ટેશનો પર દિવ્યાંગો માટે લિફ્ટ કે એસ્કેલેટરની યોગ્ય સુવિધાઓ ન હોવાથી પીક અવર્સમાં તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને હંમેશા ફૂટ ઓવર બ્રિજ, સબવે કે અધિકૃત માર્ગોનો જ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે.

રેલવે ટ્રેક ઓળંગવો કાયદેસર ગુનો (રેલવે એક્ટ કલમ 147):
રેલવે પ્રશાસનના નિયમ મુજબ, અધિકૃત પુલ સિવાય ટ્રેક ઓળંગવો (ટ્રેસપાસિંગ) એ રેલવે એક્ટ 1989ની કલમ 147 હેઠળ દંડનીય ગુનો છે. આ કલમ હેઠળ ટ્રેક પર ગેરકાયદે પ્રવેશ કરનાર વ્યક્તિ સામે એક હજાર રૂપિયા સુધીનો દંડ, છ મહિના સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે.

સુવિધા કે અસુવિધાનું કારણ? 
રેલવે પ્રશાસન દ્વારા મુંબઈના સબર્બન રેલવે નેટવર્ક્સના મોટાભાગના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે લિફ્ટ અને એસ્કેલેટર્સની સુવિધા આપવામાં આવી છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે પ્રવાસીઓની સુવિધા માટે લગાવવામાં આવેલા આ લિફ્ટ અને એસ્કેલેટર્સ જ પ્રવાસીઓ માટે અસુવિધાનું કારણ બની રહ્યા છે. અનેક વખત ધસારા સમયે જ આ એસ્કેલેટર્સ અને લિફ્ટ બંધ પડતાં કે તેનું મેઈન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.