Wed Sep 30 2026

Logo

ગણેશોત્સવના ફાળાને મુદ્દે વિવાદ: મંડળના કાર્યકરે મિત્રની કરી હત્યા

2026-09-29 19:53:21
Author: Yogesh C. Patel
ગણેશોત્સવના ફાળાને મુદ્દે વિવાદ: મંડળના કાર્યકરે મિત્રની કરી હત્યા

થાણે: અંબરનાથમાં ગણેશોત્સવના ફાળાને મુદ્દે થયેલા વિવાદ બાદ ગણેશ મંડળના કાર્યકરે મિત્રની કથિત હત્યા કરી હોવાની ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે બની હતી અને આરોપીને 12 કલાકમાં જ પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી તેના વતન આંધ્ર પ્રદેશ ફરાર થવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસની ટીમે કલ્યાણ સ્ટેશનેથી સોમવારે તેને તાબામાં લીધો હતો.

મૃતક સંદીપ દિલીપ મઢીવાલ (29) અને આરોપી ગોવિંદ રામલુ કોળી ઉર્ફે ચિના (30) અંબરનાથના ઓબીએન મિત્ર મંડળના સભ્ય હતા. હાલમાં ઊજવાયેલા ગણેશોત્સવ દરમિયાન ભંડોળ ભેગું કરવામાં આવ્યું હતું, જે કોળી પાસે જમા કરાયું હતું. એ ભંડોળ અંગે મઢીવાલે પ્રશ્ર્ન કરતાં વિવાદ થયો હતો.

ગણપતિ ફાળા મુદ્દે સવાલ કરનારા મઢીવાલ પર કોળી ગિન્નાયો હતો. કોળીએ બેરહેમીથી પીટાઈ કરતાં મઢીવાલનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ આરોપીની તપાસમાં લાગી હતી. મળેલી માહિતીને આધારે પોલીસ અધિકારીઓની ત્રણ ટીમે કલ્યાણ સ્ટેશને ટ્રેનમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ટ્રેનના જનરલ ડબ્બામાંથી કોળી હાથ લાગ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

(પીટીઆઈ)