Wed Jul 22 2026

Logo

અંબરનાથમાં બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: વિદેશી નાગરિકોને છેતરવા બદલ પાંચ જણ પકડાયા

2026-02-25 20:03:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના અંબરનાથ વિસ્તારમાં ચાલતા બોગસ કૉલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો હતો અને સોફ્ટવેર વેચવાને નામે વિદેશી નાગરિકો (ખાસ કરીને અમેરિકન નાગરિકો)ને છેતરવા બદલ પાંચ જણને પકડી પાડ્યા હતા. 

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (અંબરનાથ ડિવિઝન) શૈલેશ કાળેએ જણાવ્યું હતું કે અંબરનાથમાં આવેલા પરિસરમાં મંગળવારે મોડી રાતના રેઇડ પાડવામાં આવી હતી અને કૉલ સેન્ટરના માલિક સહિત પાંચને તાબામાં લેવાયા હતા.

એક બિઝનેસ સેન્ટરમાં આ બોગસ કૉલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું અને સોફ્ટવેર સેવાઓ પૂરી પાડવાને બહાને છેતરપિંડી આચરવામાં આવી રહી હતી.

કૉલ સેન્ટરનો સ્ટાફ વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકનોને ટાર્ગેટ કરી રહ્યો હતો. અમેરિકનોને કૉલ કરી તેમને સોફ્ટવેર સેવાઓની ઓફર તેઓ આપતા હતા અને વિવિધ સ્વરૂપે તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. 

બોગસ કૉલ સેન્ટર અંગે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમે પરિસરમાં મંગળવારે મોડી રાતે રેઇડ પાડી હતી અને સર્ચ ઑપરેશન બુધવાર સવાર સુધી ચાલ્યું હતું.

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શબ્બીર સૈયદે જણાવ્યું હતું કે કર્મચારીઓ દરરોજ વિદેશી નાગરિકોને સેંકડો કૉલ કરતા હતા અને તેમાંથી કેટલાકને છેતરવામાં સફળ રહેતા હતા. કર્મચારીઓને વાતચીત કરવા માટે વિશેષ સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી જેથી પીડિતોનો વિશ્ર્વાસ સંપાદન કરી શકાય અને તેમને રૂપિયા ટ્રાન્સફર કરવા માટે સમજાવી શકાય. પોલીસે કૉલ સેન્ટરમાંથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તથા અન્ય મતા જપ્ત કરી હતી.

(પીટીઆઇ)