Mon Aug 17 2026

Logo

અંબાલાલ પટેલની ગુજરાત ડૂબવાની આગાહી, 6 દિવસ વરસાદ 90 ટકા ગુજરાતમાં બોલવાશે રમઝટ

2026-07-30 08:41:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં આજથી ફરી વરસાદ ધબધબાટી બોલાવશે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં  આજથી આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈ સમાચારના પ્રતિનિધિ જાહ્નવી રાઠોડે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાત કરી હતી. અંબાલાલ પટેલે 30 જુલાઈથી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી.

અંબાલાલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે.  આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.

15 થી 20 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે

અંબાલાલ પટેલ મુજબ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ સુધીનો  વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.

 

ખેડૂતો માટે શું કરી અંબાલાલે આગાહી

આ ઉપરાંત અંબાલાલે ખેડૂતોને સાવચેત કરતાં જણાવ્યું કે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ જેવા પાકોમાં સુકારો આવવાની શક્યતા રહે છે, તેથી ખેડૂતોને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. 3 ઓગસ્ટથી 'આશ્લેષા' નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્રનું પાણી ખેતી માટે ખાસ અનુકૂળ ગણાતું નથી. પરંતુ ભાલ વિસ્તારના સુકા ઘઉંના પાક માટે જમીનમાં ભેજ સંગ્રહવા માટે આ પાણી ફાયદાકારક સાબિત થશે. 17 ઓગસ્ટ પછી શરૂ થતું 'મઘા' નક્ષત્રનું પાણી ખેતી અને જળ સંગ્રહ માટે ઉત્તમ માનવામાં આવે છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત  ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કઈ તારીખથી આખું અઠવાડિયું પડશે ધોધમાર વરસાદ ? જાણો પરેશ ગોસ્વામીની આગાહી