અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમની આગાહી માટે જાણીતા છે. તાજેતરમાં ‘મુંબઈ સમાચાર’ સાથેના ખાસ ઈન્ટરવ્યુમાં અંબાલાલ પટેલે પોતાના જીવનના અનેક અજાણ્યા પાસાઓ, સોશિયલ મીડિયા પર બનતા મીમ્સ, જ્યોતિષશાસ્ત્રમાં તેમનું સંશોધન, ખેતી અને યુવાનોની વર્તમાન સ્થિતિ તેમજ પોતાની દિનચર્યા વિશે વિગતે વાત કરી હતી. નરેન્દ્ર મોદી જશે ? કેન્દ્રમાં સત્તા પરિવર્તન થશે ? જેવા પ્રશ્નો પૂછવામાં આવતા અંબાલાલે જવાબમાં નો કોમેન્ટ કહ્યું હતું.
ઈન્દ્રદેવનો ભૂવો કહે તો ગમતું નથી
ઈન્ટરવ્યુ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મીમ્સ વિશે પૂછતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ પોતે પણ આ મીમ્સ જોતા હોય છે. જોકે, કેટલાક મીમ્સ તેમને ગમતા નથી—જેમ કે, ઇન્દ્રદેવનો ભૂવો કહેવો. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ દાણા નાખીને જોનારા કે ભુવાગીરી કરનારા વ્યક્તિ નથી. તેમની આગાહીઓ શાસ્ત્રો અને અભ્યાસ પર આધારિત હોય છે.
જ્યોતિષશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સન્માન
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે અને વર્ષ 2003માં તેમને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (UNO) દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે આ સિવાય રોટરી ક્લબ તેમજ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી પણ તેમને એવોર્ડ મળેલા છે . હાલમાં તેઓ દક્ષિણ ભારતના તાડપત્રો પર લખાયેલા 'નાડી ગ્રંથો' (જેવા કે ગૌતમ નાડી, સપ્તઋષિ નાડી) પર નવતર સંશોધન કરી રહ્યા છે
રાજકારણ પર નો કમેન્ટ્સ... કાયદાનો ડર લાગે છે
રાજકીય કે દેશના વર્તમાન મુદ્દાઓ પર જ્યોતિષીય દ્રષ્ટિકોણ પૂછતાં અંબાલાલ પટેલે "નો કમેન્ટ્સ" કહીને મૌન જાળવ્યું હતું . તેમણે હાસ્યસ્પદ પણ ગંભીર સૂર સાથે કહ્યું કે, મને લોકો કે પોલીસનો ડર નથી, પણ કાયદાનો ડર લાગે છે. ભારતીય કાયદાઓની કેટલીક આંટીઘૂંટીઓ અને ગોપનીય બાબતોને માન આપવું જરૂરી છે.
આત્મા જેવી વસ્તુ હોય છે કે નહીં તે કુંડળી ઉપરથી હું શોધવા પ્રયત્ન કરું છું
હાલમાં હું એક નવતર જયોતિષનો પ્રયોગ કરી રહ્યો છું. જે એ પ્રયોગમાં ઝાડના પાંદડા ઉપર લખાયેલું છે તેને નાડી ગ્રંથો કહેવામાં આવે છે. ઉપરાંત મને એક અભ્યાસ કરવાનો રસ જાગ્યો છે કે ચેતના એટલે આત્મા જેવી વસ્તુ હોય છે કે નહીં તે કુંડળી ઉપરથી હું શોધવા પ્રયત્ન કરું છું અને આ બાબતમાં પ્રશ્નોત્તરીમાંથી હું એનું રહસ્ય જાણવા પ્રયત્ન કરી રહ્યો છું.
ખેતીની સ્થિતિ અને યુવા પેઢી
વર્તમાન સમયમાં યુવા પેઢી ખેતીથી દૂર થઈ રહી છે તે અંગે વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, જમીનોના નાના ભાગ (ટુકડા) થઈ રહ્યા છે અને ખેતીનો ખર્ચ (કોસ્ટ ઓફ કલ્ટીવેશન) ખૂબ વધી ગયો છે]. નાની જમીનમાં ભણેલા-ગણેલા યુવાનો માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે . આ સિવાય તેમણે વધતી જતી મેડિકલ કોલેજો અને ભવિષ્યમાં ડોક્ટરોની રોજગારીની પરિસ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી
બાળપણનો કિસ્સો અને દિનચર્યા
બાળપણની યાદો વાગોળતાં તેમણે તળાવના મગર સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો કે, નાના હતા ત્યારે તળાવમાં મગર હોય તો પણ તેઓ સોટીઓ નાખીને રમત કરતા હતા
હાલની પોતાની દિનચર્યા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં પત્નીના અવસાન બાદ તેઓ એકલા રહે છે . સવારે સાડા પાંચ વાગે ઉઠી પૂજા-પાઠ, સ્નાન અને નાસ્તો કર્યા પછી સમય મીડિયા સાથેની વાતચીત અને વાંચનમાં વીતે છે. તેમના સંતાનો (દીકરો અને દીકરી) અમેરિકામાં ડોક્ટર છે, પરંતુ તેઓ પોતાના વતનમાં રહીને સાહિત્ય અને શાસ્ત્રોના અભ્યાસમાં સમય વિતાવવાનું વધુ પસંદ કરે છે
અંતમાં, તેમની આગાહીઓ વિશે ટીકા કરનારાઓને જવાબ આપતાં તેમણે હકારાત્મક અભિગમ સાથે કહ્યું કે, જેને જે બોલવું હોય તે બોલે, આપણે આપણું કામ કરવું જોઈએ.
કોણ છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ખેતીવાડી સાથે નાનપણથી જ જોડાયેલા હોવાને કારણે તેમને ધરતી અને આકાશના બદલાતા મિજાજમાં હંમેશા રસ રહ્યો હતો. તેમણે આણંદની પ્રતિષ્ઠિત 'બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર' માંથી કૃષિ વિષય સાથે B.Sc. (Agriculture) ની પદવી મેળવી છે. નોકરીની વાત કરવામાં આવે તો, વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં 'બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર' તરીકે જોડાયા હતા. પોતાની મહેનત અને ક્ષમતાના જોરે તેઓ પ્રગતિ કરીને મદદનીશ ખેતી નિયામક જેવા ઉચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેમણે ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં સેવાઓ આપી અને સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતાં.
કૃષિ વૈજ્ઞાનિકથી હવામાન નિષ્ણાત કેવી રીતે બન્યા?
અંબાલાલ પટેલ સત્તાવાર રીતે કોઈ હવામાન વિભાગના વૈજ્ઞાનિક નથી, પરંતુ તેમની પાસે કૃષિ જ્ઞાનની સાથે જ્યોતિષ શાસ્ત્રનો બહોળો અનુભવ છે. સરકારી નોકરી દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરતી વખતે તેમને સમજાયું કે જો વરસાદની આગોતરી માહિતી મળી જાય, તો ખેડૂતો પાકના નુકસાનથી બચી શકે છે. આ વિચાર સાથે તેમણે પ્રાચીન ભારતીય ગ્રંથો જેવા કે, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા, વરસાદનો વરતારો અને નક્ષત્રોની ચાલનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો હતો. આ ગ્રંથો અને ખગોળીય સ્થિતિના આધારે તેમણે વર્ષ 1980માં પોતાની પ્રથમ હવામાન આગાહી કરી હતી. ત્યારથી લઈને આજદિન સુધી છેલ્લા 45 વર્ષથી તેઓ ઠંડી, ગરમી, વાવાઝોડું અને વરસાદની નિયમિત આગાહીઓ કરતા આવ્યા છે. અંબાલાલ પટેલને નિઃસ્વાર્થ સેવા માટે આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંસ્થા દ્વારા સન્માન, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા પુરસ્કાર અને ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી જેવા ઘણા સન્માન મળ્યા છે.
જ્યારે ભૂકંપની આગાહી ભારે પડી અને ધરપકડ થઈ!
અંબાલાલ પટેલના જીવન સાથે એક મોટો વિવાદ પણ જોડાયેલો છે. તેમણે માત્ર વરસાદ જ નહીં, પરંતુ એક સમયે ધરતીકંપની પણ ભયજનક આગાહી કરી હતી. તે સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર શાસનમાં હતી. અંબાલાલ કાકાની આ આગાહીને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. અફવા અને ભયનો માહોલ રોકવા માટે તત્કાલીન સરકારના આદેશથી અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.