હેન્રી શાસ્ત્રી
યુકેની મહિલા અચાનક કુબેર બની ગઈ, પણ...
નસીબ આડેનું પાંદડું ખસી ગયું હોય એના અઢળક ઉદાહરણ તમારી જાણમાં આવ્યા હશે. ઈંગ્લેન્ડના નોટિંગહેમશાયરની એક મહિલાના નસીબની આડેનું આખું જંગલ ખસી ગયું. અચાનક એની સંપત્તિ પાછળ એટલા બધા મીંડાં જોડાયા કે મેડમ કુબેરના કુટુંબી બની ગયાં, વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક કરતાં એની તિજોરીમાં અઢળક સંપત્તિ જમા થઈ ગઈ, પણ...
વાત વિગતે જાણીએ. સોફી ડાઉનિંગ નામની બ્રિટિશ મહિલા ક્રિસમસમાં કેફેમાં ગઈ હતી ત્યારે તેને 10 પાઉન્ડનું ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યું હતું. એ દિવસે ઉતાવળમાં હોવાથી સોફી વાઉચર પર્સમાં મૂકી નીકળી ગઈ. ગયા અઠવાડિયે અચાનક પેલું વાઉચર યાદ આવ્યું અને સોફી પહોંચી કેફેમાં. ફેવરિટ કોફી ઓર્ડર કરી. બેલેન્સ રકમની રસીદ આપવામાં આવી ત્યારે આંકડો જોઈ આ શેષ પૈસાની રસીદ છે કે સાત પેઢીની આવક છે એ જ એને સમજાયું નહીં. કોફીના પૈસા બાદ કરી એની બાકી નીકળતી રકમ હતી 63quadrillion પાઉન્ડ. મતલબ કે 63 પછી 15 મીંડાં આવે એટલા પાઉન્ડ.
જોકે, આમાં કોઈ રોકડ રકમ નથી, પણ સોફીનું આ બેલેન્સ મિસ્ટર રિચેસ્ટ મસ્ક કરતાં એક લાખ ગણું અને સમગ્ર વિશ્વના અર્થતંત્ર કરતા 670 ગણું વધારે છે. અલબત્ત, હરખપદૂડા થવાની કોઈ જરૂર નથી, કારણ કે એ પૈસા માત્ર એ કેફેમાં જ કોફી પીવા વાપરી શકાય છે. આવું થવાનું કારણ એમ હતું કે મશીનમાં એન્ટ્રી કરતી વખતે કાર્ડની વેલ્યૂ નાખવાને બદલે કાર્ડ નંબર નંખાઈ ગયો. ભૂલમાં થયેલી આ મિસ્ટેકનો ‘લાભ’ લેવાની મિસ ડાઉનિંગને કોઈ ઈચ્છા નથી. ચાર દિન કી ચાંદની ઔર ફિર અંધેરી રાત એ જીવનની વાસ્તવિકતા છે.
ચોવટને મારો ચોકડી
મંદિરના ઓટલા પર કે સ્કૂલબસના પીકઅપ પોઈન્ટ પર કે પછી વ્હોટ્સએપ ગ્રુપ પર ગોસિપની દુકાન ધમધમતી હોય છે. ચોવટ કરવામાં સ્ત્રી અને ગોસિપ કરવામાં પુરુષવર્ગ રુચિ ધરાવે છે. પાડોશીના કે સોસાયટીના કે ઓફિસ ક્લીગના કે... બંધ બારણાંના કીહોલમાંથી પેલી તરફ કશુંક રંધાઈ રહ્યું હોય તો એની લિજ્જત લેવા હર કોઈ ઉત્સુક હોય છે. ક્યારેક વાતનું વતેસર થાય અને ‘ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા’ કહેવત સાચી પડતી જોવા મળે. છત્તીસગઢના મેઢકી ગામમાં ચોવટને મારો ચોકડીનો નિયમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતી, ગોસિપ કરતી કે હિંસાને ઉત્તેજન આપતી પ્રવૃત્તિ કરતી ધ્યાનમાં આવશે તો પાંચથી દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રકારની હરકતોથી ગામમાં અનિચ્છનીય બનાવો થતા હોવાથી અને એના મૂળમાં ગોસિપ હોવાનું સમજાઈ જતા ગામના વડીલો દ્વારા આ અફલાતૂન નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા આ ગામમાં દારૂબંધીનો નિર્ણય સ્વેચ્છાએ અમલમાં મુકવામાં આવ્યો હતો. શરાબ વેચનારને દસ હજારનો દંડ અને દારૂ પીધા પછી જાહેરમાં ધમાલ કરનારને 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. એટલું જ નહીં, શરાબ વેચાણ અંગે જાણકારી આપનારને એક હજાર રૂપિયા બક્ષિસ પેટે આપવામાં આવે છે. ગ્રામ્ય જીવનને સૌમ્ય જીવન બનાવવાની આ કોશિશને કોન્ગ્રેચ્યુલેશન્સ આપવા જોઈએ.
વેલ્થ- વેડિંગ ને વ્હિલચેરની વ્યથા!
પૈસાથી જ શરૂ થતા અને પૈસાને કારણે જ સમાપ્ત થતા એકવીસમી સદીના સમાજમાં અબજોની સંપત્તિની વાત આવે ત્યારે અજાયબી થાય એવી ઘટના બનતી હોય છે. અજબ દુનિયાના સૌથી ગજબનાક દેશ એવા ચીનથી આશરે 150 કિલોમીટર દૂર તાઈવાનમાં (જૂનું નામ ફોર્મોસા અને હાલ ‘રિપબ્લિક ઓફ ચાઈના’તરીકે પણ ઓળખાય છે) 102 વરહના મિસ્ટર લેન્ગ નામના દાદાજીએ 68 વર્ષની કેરટેકર (આયા) સાથે લગ્ન કરતા પરિવારમાં ભૂકંપ આવ્યો અને એ ધરતીકંપની આફ્ટર ઈફેક્ટ એવી થઈ કે કોઈ હસી પડ્યું, કોઈ ખિસિયાણું પડ્યું તો કોઈની આંખો ભીની થઈ.
દાદાને દાદીમા મળ્યાં એની સામે પરિવારને કોઈ વાંધો નહોતો, વાંધો હતો દાદીમાને નામે કરવામાં આવેલી આર્થિક સંપત્તિનો. 17 વર્ષથી સેવાચાકરી કરતી 68 વર્ષની આયા અને એનાં બાળકોના નામે દાદાજીએ જમીનના સાત પ્લોટ અને કેટલીક ઈન્શ્યોરન્સ પૉલિસી કરી દીધી જેનું મૂલ્ય 47 લાખ પાઉન્ડ (આશરે 56 કરોડ રૂપિયા) થાય છે.
ગરાસ લૂંટાઈ ગયો જેવી લાગણી અનુભવતા પરિવારે દાદાજીને ભરમાવી આયાએ સંપત્તિ ઝુંટવી લીધી હોવાનો આક્ષેપ કર્યો. ટ્રાન્સફર કરવામાં આવેલી કેટલીક પ્રોપર્ટી ભાડા પર ચડાવી છે અને એનાથી નિયમિત ભાડાની આવક થાય છે તેમજ આયાના નામે કરવામાં આવેલો વિશાળ બંગલો મોર્ગેજ કરવામાં આવ્યો છે અને આઠ લાખ પાઉન્ડની લોનની ચુકવણી કરવાની છે એવી દલીલ કરવામાં આવી.
દાદાજી ગર્ભશ્રીમંત છે અને 18 મિલિયન પાઉન્ડ (આશરે બે અબજ વીસ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવે છે. એટલે દાદાજીએ રૂપિયામાં ચાર આની ભાગ જ આયાને આપ્યો છે, પણ પરિવાર આ વાત નથી પચાવી શક્યો. થોડા દિવસો પહેલા મેડિકલ ચેકઅપ પતાવી આયા 102 વર્ષના પતિને લઈ ઘરે જઈ રહી હતી ત્યારે પરિવારના સભ્યો અચાનક પ્રગટ થયા અને દાદાજીની વ્હિલચેર આંચકી ભાગવાની કોશિશ કરી.
ધમાલ મચી ગઈ અને પોલીસે આવી મામલો થાળે પાડ્યો. અંતે પરિવાર દાદાજીને લઈ ગયો અને આ તરફ મિસ્ટર લેન્ગને તેમની ઈચ્છા વિરુદ્ધ લઈ જવામાં આવ્યા હોવાની આયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આયાએ દાદાજીને ભોળવી માલમતા મેળવી હોવાનું પરિવારનું કહેવું છે. ટૂંકમાં વેલ્થ, વેડિંગ અને વ્હિલચેરનો આખો મામલો કાનૂની ગૂંચમાં ભેરવાયો છે.
દીકરો બાપ ને મા દીકરી
વહેણ વિરુદ્ધ તરવું આસાન નથી, પણ જો એમાં સફળતા મળે તો એનાથી મળતા આનંદની કોઈ સીમા નથી હોતી. એટલું જ નહીં, એ પ્રયાસ દીવાદાંડીની ગરજ સારી શકે છે. એક સમય હતો જ્યારે ધોલ મારી કે ઘરની બહાર કાઢી મુકીશ એવી બીક બતાવી સંતાન પાસે ધાર્યું કરાવી શકાતું. જોકે આજે જમાના બદલ ગયા હૈ. હવે સંતાનો લાલઘૂમ આંખોથી માતા-પિતાને ડરાવી શકે છે અને એમના મનમાં આવે તો ઘરમાંથી કાઢી મૂકી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.
જોકે, ચીનમાં લોકપ્રિય થઈ રહેલી ‘રિવર્સ પેરેન્ટિંગ’ પ્રથા હરખ થાય એવી છે. ચીનમાં અનેક પરિવારમાં સંતાનો પર વડીલો હુકમ નથી ચલાવતા બલકે બાળકોને જાત અનુભવથી સમજણ કેળવવાની તક આપી રહ્યા છે. 2022માં ચીનના એક પ્રાંતની ઘટના વાઇરલ થયા પછી આ ટ્રેન્ડ વિકસ્યો છે.
કડકડતી ઠંડીમાં ત્રણ વર્ષની બાળકીએ ગરમ કપડાં પહેર્યા વિના પ્રિંસેસનો ડ્રેસ પહેરી બહાર નીકળવાની જીદ કરી. માએ ન તો આંખો કાઢી, ન કડકાઈ કરી કે ન ગરમ કોટ પહેરવાનો આગ્રહ કર્યો. એને બહાર જવા દીધી અને પાછળ પોતે પણ નીકળી. થોડી જ વારમાં દીકરી ઠંડીમાં ઠુઠવાઈ ગઈ અને માએ ગરમ કોટ પહેરાવી દીધો. જાત અનુભવથી શીખેલી વાત ક્યારેય ભુલાતી નથી એ ઉદેશ હતો.
બીજો પ્રકાર છે મિરર રિએક્શન પદ્ધતિનો. આ પદ્ધતિમાં માતા પિતા સંતાન પર ખીજવાઈ જવાને બદલે એના ગુસ્સા કે જીદની નકલ કરે છે. દીકરી આઈસક્રીમ ખાવા માટે જમીન પર આળોટી રડવા લાગી ત્યારે એને ‘આવું સારું નથી લાગતું, તને આઈસક્રીમ તો નહીં જ મળે’ એવું કહેવાને બદલે માતા એની સાથે જમીન પર આળોટવા લાગી. આ જોઈ બાળકીને ખૂબ આશ્ર્ચર્ય થયું અને એણે રડવાનું બંધ કરી દીધું. મનોચિકિત્સકોનું કહેવું છે કે આવી કોશિશ બાળકોને હરકતો કરતા અટકાવી શકે છે. ‘પહેલું સુખ તે જાતે કર્યા’ની રિવર્સ પેરેન્ટિંગ શૈલી બાળ ઉછેરની પદ્ધતિ બદલી રહી છે.
લ્યો કરો વાત
ખુશનુમા સાંજ હોય ત્યારે કોફી પીવા ઓફ કોર્સ ગર્લફ્રેન્ડ સાથે જવાય અને મેરેજ થઈ ગયા હોય તો પત્ની અને કુંવારી સાળી સાથે ફ્લોરલ ગેઈશા કે સ્વીટ બોર્બોન અથવા સૌથી મોટા બીન્સવાળી ડાર્ક મોરેગોશી કોફી પીવાની ઈચ્છા ઊમટી આવે. જો તમે એશિયા ભ્રમણ કરવા નીકળ્યા હો અને જો તમારા લિસ્ટમાં સાઉથ કોરિયાની રાજધાની સોલનો સમાવેશ હોય તો વર્ષના 365 દિવસ ‘રીમઝીમ ગિરે સાવન’નો અનુભવ કરાવતા ‘રેઈન રિપોર્ટ કેફે’માં પહોંચી જવાનું.
અહીં કેફેની અંદર બેસી કોફી પીવાની વ્યવસ્થા છે, સાંજને મસ્તાની બનાવવી હોય તો બહાર ખુલ્લામાં-ઓપન એરમાં બેસવાનું અને દર પંદર મિનિટે વરસતા વરસાદમાં કોફીના ઘૂંટડા ભરવાની લિજ્જત લેવાની. માત્ર અંતરથી જ ભીંજાવાની જ ઈચ્છા હોય અને શરીર-કપડાં કોરાકટ રાખવા હોય તો કેફે તરફથી છત્રી, રેઈનકોટ અને સ્પેશ્યલ રબરના બૂટ આપવામાં આવે. કોફી પીતા પીતા ‘યે શામ મસ્તાની, મદહોશ કિયે જાય, મુઝે ડોર કોઈ ખીંચે તેરી ઓર લિએ જાય’ ગણગણવાની ઈચ્છા રોકી નહીં શકાય એની ગેરંટી.