Wed Aug 26 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-08-12 09:47:51
Author: Henri Shashtri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી  

‘કાચું લીંબુ’ના કર્તબ ને કમાલ 

જૂન-જુલાઈમાં આયોજિત ‘ફિફા’ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં સૌથી વધુ ચર્ચા અને આકર્ષણ વિશ્વના ખૂણેખાંચરેથી આવી ખેલપ્રેમીઓના દિલ જીતી જનારા ક્યુરોસૌ અને કેપ વર્દી જેવા ટચુકડા દેશો તેમ જ ઉઝબેકિસ્તાન અને જોર્ડન જેવા આ રમતમાં ‘કાચું લીંબુ’ જેવા દેશ વિશે ખાસ્સા પ્રમાણમાં હતું. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર 1992ના ઓલિમ્પિકસનો એક મજેદાર કિસ્સો વાયરલ થયો છે જે એ સમયના માત્ર 37 લાખની વસતિ ધરાવતા લીથુએનિયા દેશના કર્તબ અને કમાલ સાથે સંબંધ ધરાવે છે.

થયું હતું એવું કે 1990માં સોવિયેત સંઘના વિઘટન પછી જે દેશ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા એમાં એક હતો લીથુએનિયા. આ દેશમાં બાસ્કેટબોલની રમત માટે ગજબનું મમત્વ છે. 1992ના ઓલિમ્પિક્સમાં સ્વતંત્ર ટીમ મોકલવાની સરકારની તીવ્ર ઈચ્છા હતી. જોકે, સમસ્યા એ હતી કે આર્થિક સંકટ અનુભવી રહેલા દેશ પાસે ટીમને મોકલવા માટે જરૂરી ભંડોળનો અભાવ હતો. આ વાત વિશ્વના અનેક અખબારમાં છપાઈ અને ‘ધ ગ્રેટફુલ ડેડ’ નામના અમેરિકન રોક બેન્ડના ધ્યાનમાં આવી. 

તાબડતોબ મસલત થઈ અને સ્પેનના બાર્સેલોના શહેરમાં આયોજિત ઓલમ્પિક્સમાં ટીમ સહભાગી થઈ શકે એ હેતુથી જે પણ ખર્ચ થાય એ ભોગવવાની તૈયારી બતાવી. એટલું જ નહીં, ન્યૂ યોર્કના ડિઝાઈનર પાસે દેશના સ્વાતંત્ર્યના પ્રતીકસમા શર્ટ્સ સાથે સંપૂર્ણ સ્પોર્ટ્સ ગિયરની પણ વ્યવસ્થા કરી આપી. ‘કાચું લીંબુ’ (અનુભવ વગરની, કમજોર) ગણાયેલી ટીમ હોંશે હોંશે સ્પર્ધામાં ઉતરી.. સેમી ફાઈનલ સુધી પહોંચી પણ એ મેચમાં તેનો પરાજય થયો. જોકે, પછી ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં સોવિયેત સંઘના 12 પ્રજાસત્તાક દેશની બનેલી સંયુક્ત ટીમ (યુનાઈટેડ ટીમ)ને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કચરો કંચન સાબિત થયો

રોમન માયથોલોજીમાં રાજા મિડાસની એક વાર્તા છે. આ રાજા જેને પણ સ્પર્શ કરે એ સોનું બની જતું. અલબત્ત,  આ કાલ્પનિક કથા હતી, પણ યુએસના ફ્લોરિડા રાજ્ય અને મેક્સિકોના સંદર્ભમાં આ વાત અલગ સ્વરૂપે સાચી પડી છે. આજે ફ્લોરિડાના દરિયાકાંઠા વિસ્તારના પુનરુદ્ધારની અફલાતૂન કથા તરીકે ચર્ચાઈ રહી છે. 

વીસેક વર્ષ પહેલા ફ્લોરિડા દ્વારા સીફુડ રેસ્ટોરાંમાં લોકોના ભોજન બાદ ત્યજી દેવાયેલા ‘શેલ્સ’ (છીપલા) જમીન પરના નક્કી કરેલા વિસ્તારના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવાને બદલે એને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવ્યા. એને સાફસુથરા કરી પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાને કારણે ગાયબ થઈ ગયેલા ઓયસ્ટર રીફ (જીવંત છીપની વસાહત) જે જગ્યાએથી ગાયબ થઈ ગયા હતા એ જ જગ્યાએ ઠાલવી દેવામાં આવ્યા. 

આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે ‘હાય હાય, આ શું કરી રહ્યા છો એનું તમને ભાન છે?’ જેવી બૂમરાણ મચી ગઈ. જૂના છીપલા દરિયામાં ડમ્પ કરવાથી ફાયદો થવા વિશે વૈજ્ઞાનિકોને જ શંકા હતી. જોકે, ઊંડા પાણીમાં ધરબી દેવાયેલા છીપલાઓ ‘મૂંગે મોઢે’ દરિયાઈ પર્યાવરણ ફરી સંતુલિત બની જાય એ માટે વાતાવરણ તૈયાર કરી રહ્યા હતા. દરિયાના પેટાળમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને છીપલાની ફરતે એક સખ્ત આવરણ તૈયાર થયું, જેમાં જીવંત છીપ (ઓયસ્ટર) વિકસી શકે. શરૂઆત સારી રહી અને વખત જતા આખી વસાહત વિકસી અને પર્યાવરણને એનો લાભ થયો. 

છીપલા પાણી ગાળવા (વોટર ફિલ્ટર)માં માહેર ગણાય છે. સ્વચ્છ પાણી દરિયાઈ ઘાસ અને અન્ય દરિયાઈ પ્લાન્ટ્સ માટે પોષક હોય છે. આ પ્રક્રિયા ગલ્ફ ઓફ મેક્સિકોના દરિયાકાંઠા વિસ્તારને સમૃદ્ધ બનાવવામાં નિમિત્ત બન્યું. લાંબા ગાળે અદ્ભુત પરિણામ મળ્યા છે. મળેલી માહિતી અનુસાર માછલી, દરિયાઈ કાચબા અને ડોલ્ફિનની વસ્તીમાં છેલ્લા પચીસ વર્ષમાં મહત્તમ વધારો જોવા મળ્યો છે. દરિયામાં ઠાલવેલો કચરો સમુદ્રનું સોનું સાબિત થયો છે. 

અફઘાન સ્નોનું ગાંધીજી કનેક્શન

ગાંધીજી અને એડવર્ટાઈઝિંગ? ક્ધઝયુમેરીઝમના સખ્ત વિરોધી રાષ્ટ્રપિતાની હાજરી વિજ્ઞાપનમાં કેવી રીતે એ બાબત અકળાવનારી તો કહેવાય ને. છેલ્લાં  પાંચ વર્ષથી અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને કારણે અફઘાનિસ્તાનનું નામ દુનિયાભરમાં રમતું થઈ ગયું છે. સાથે સાથે અફઘાનિસ્તાન સાથે સંબંધ ધરાવતી અનેક બાબતોનો ઉલ્લેખ થઈ રહ્યો છે, કેટલાક વિશે તો વિગતે ચર્ચા પણ થઈ રહી છે. 

અંજીર, બદામ, પિસ્તા ઉપરાંત સૌંદર્ય પ્રસાધન પ્રોડક્ટ અફઘાન સ્નોની પણ ખાસ્સી ચર્ચા થઈ. અફાટ લોકપ્રિયતા અને ભારતના પ્રથમ બ્યુટી ક્રીમની ઓળખ મેળવનાર અફઘાન સ્નોએ કયારેય ગોરી ત્વચાની વાત નથી કરી, બલકે ત્વચાને સ્વચ્છ કરી પોષણ આપતું ક્રીમ ગણાવ્યું છે. એના નામ પાછળની કથા એવી છે કે 1919માં ભારતની મુલાકાતે આવેલા અફઘાન રાજા મુંબઈના કેટલાક બિઝનેસમેનને મળ્યા હતા. 

એમાં પરફ્યુમ અને બ્યુટી પ્રોડક્ટ બનાવતા ઈબ્રાહિમ પાટણવાળા પણ હતા. આ ઉત્સાહી વેપારીએ પોતાની કેટલીક પ્રોડક્ટ્સ રાજાને ગિફ્ટ તરીકે આપી હતી. એમાં એક જારમાં સફેદ ક્રીમ હતું જેના પર કોઈ નામ નહોતું. એ ક્રીમ જોઈ પોતાને અફઘાનિસ્તાનના બરફનું સ્મરણ થયું હોવાનું રાજાએ કહ્યું અને બસ ત્યારથી એનું નામ અફઘાન સ્નો પડી ગયું. 

જોકે, વિદેશી નામ અને એની બોટલ ફોરેનથી આવતી હોવાને કારણે સ્વતંત્રતા મળ્યા પછી સ્વદેશીનો આગ્રહ શરૂ થયો ત્યારે અફઘાન સ્નો વિદેશી છે એમ સમજી ભારતની પ્રજાએ એનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એટલે કંપનીના સર્વેસર્વા મિસ્ટર પાટણવાળાએ ગેરસમજ દૂર કરવા ગાંધીજીની મદદ માગી હતી. એ સમયે ગાંધીજીએ એક વિજ્ઞાપન આપીને દેશવાસીઓને આ પ્રોડક્ટ વાપરવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું.

સેઉટાનો કેવો કવિ ન્યાય

ઈ. સ. 1415ની 21-22 ઓગસ્ટે પોર્ટુગલના રાજા કિંગ જ્હોન- પહેલાએ મરીનીડ સલ્તનત (આજનું મોરોક્કો)ના કબ્જાનું ઉત્તર આફ્રિકાનું બંદરગાહ શહેર સેઉટા પર 200 જહાજના વિશાળ કાફલા સાથે આક્રમણ કર્યું હતું. આ આક્રમણનો હેતુ ત્રિપાંખિયો હતો. પહેલો હતો વેપારી વ્યવહાર પર કબ્જો જમાવવાનો. બીજું કારણ હતું પોર્ટુગલના દરિયાકાંઠાના શહેરોમાં ઉત્તર આફ્રિકાના ચાંચિયાઓની લૂંટફાટ અટકાવવાનો હતો અને ત્રીજું કારણ હતું ખ્રિસ્તી ધર્મના ફેલાવાનું. 

પોર્ટુગલને સેઉટા કબ્જે કરવામાં મળેલી સફળતાને પગલે યુરોપને ઉત્તર આફ્રિકામાં પગપેસારો કરવાની તક મળી. 85 હજારની વસ્તી અને 18.5 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં પથરાયેલા સોરેનનાં નાનકડાં શહેર સેઉટાથી બદલાયેલો ઈતિહાસ આજે એક વણકલ્પેલા વળાંક પર આવીને ઊભો છે. આજે વર્તુળ એવું ફર્યું છે કે આફ્રિકાના લોકો યુરોપમાં (સ્પેનમાં) ઘૂસણખોરી કરી રહ્યા હોવાના સમાચાર તાજેતરમાં ખાસ્સા ઝળક્યા હતા. કેમ? કારણ કે મોરોક્કો, અલ્જીરિયા અને ઉત્તર આફ્રિકના અમુક વિસ્તારની જનતા કારમી ગરીબી અને ભીષણ બેરોજગારીનો સામનો કરી રહી છે. 

એમના માટે સ્પેન યુરોપિયન યુનિયનનો દરવાજો છે જ્યાં તેમને સારા પગારની નોકરી તેમજ આર્થિક અને સામાજિક સ્થિરતા મળી શકે એમ છે. 610 વર્ષ પહેલા જે આશય સાથે યુરોપિયન દેશએ ઉત્તર આફ્રિકા પર ચડાઈ કરી હતી એ પ્રકારના આશય સાથે આજે ઉત્તર આફ્રિકાના દેશ યુરોપમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. કવિ ન્યાયનું કેવું અનોખું ઉદાહરણ. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું? 

લ્યો કરો વાત 

દેશમાં એક્ઝામ પેપરનો વિવાદ વકર્યો છે ત્યારે 82 વર્ષ પહેલાનું પાંચમા ધોરણનું સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલું પ્રશ્નપત્ર જોયા પછી વિવિધ પ્રતિક્રિયા વ્યક્ત થઈ છે. અનેક લોકો માથું ખંજવાળી રહ્યા છે કે ‘આ તો બહુ અઘરું છે, યાર. આપણું કામ નહીં. ‘પ્રશ્નપત્ર છે 1943-44ના શૈક્ષણિક વર્ષની છ માસિક પરીક્ષાનું. 100 માર્કના પેપરમાં 10 સવાલ છે, આઠના જવાબ આપવાના અને સમય અઢી કલાકનો છે. 

પાસિંગ માર્ક 33, પણ સવાલ જોઈને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. આજે જો આવી પરીક્ષા લેવામાં આવે તો મોટાભાગના નાપાસ થાય એવા અભિપ્રાય વ્યક્ત થયા છે. એક સવાલ ‘લોટ માટે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા’ એનો છે તો એક પ્રશ્ન સોનાના ભાવ સંબંધી છે તો કાગળની ગણતરી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. અન્ય કેટલાક સવાલ પણ અટપટા છે. બિઝનેસ લેટર લખવાનો સહેલો લાગે એવો સવાલ પણ છે.