નવી દિલ્હીઃ આગામી દુર્ગાપૂજાનાં તહેવારો પૂર્વે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોનાં ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા જે હાલ 400 ટનની છે તે વધારીને 1000 ટન કરવાનો અનુરોધ ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (આઈસ્ટા)એ સરકારને અનુરોધ કરવાની સાથે ચેતવણી આપી હતી જો મર્યાદા ઓછી રાખવામાં આવી તો તહેવારોની મોસમ પૂર્વે પુરવઠાસ્થિતિ વણસી શકે છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે ગત 28મી જુલાઈના રોજ દેશમાં ખાંડની સંગ્રહખોરી ડામવા માટે ખાંડના ડીલરો પર એક સમાન ધોરણે 400 ટનની મર્યાદા લાદી હતી. આઈસ્ટાના ચેરમેન પ્રફુલ્લભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે અગાઉ માર્ચ, 2009 અને ઑક્ટોબર, 2016માં જ્યારે આ પ્રકારની સ્ટોક મર્યાદા લાદવામાં આવેલી ત્યારે કોલકતા અને તેના આસપાસના વિસ્તારોમાં વિશિષ્ઠ પુરવઠાચેઈનને ધ્યાનમાં લેતા 1000 ટનની સ્ટોક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. હાલના નોટિફિકેશન અનુસાર આ મર્યાદામાં નોંધાપાત્ર એવો 60 ટકાનો ઘટાડો કરીને 400 ટનની રાખવામાં આવી હોવાથી ઓછી ઉપલબ્ધિ અથવા તો ઓછો પુરવઠો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
એકંદરે પશ્ચિમ બંગાળમાં અને ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં કોઈ ખાંડ મિલ કે રિફાઈનરી કાર્યરત નથી આથી આ તમામ વિસ્તારોમાં ખાંડની માગ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં ઉત્પાદક રાજ્યોમાંથી રેલવે રેક મારફતે પૂરી પાડવામાં આવે છે અને એક સિંગલ રેકમાં 2700 ટનનો પુરવઠો જઈ શકે છે. આવા સંજોગોમાં ડીલરોની સ્ટોક મર્યાદા 60 ટકા ઓછી 400 ટનની રાખવામાં આવી હોવાથી સ્થાનિક ટ્રેડરો માટે રેક્ લોડ માલ સ્ટોક કરવો મુશ્કેલ બનશે અને પરિવહન માટેની પણ અડચણો ઊભી થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં ખાંડના પુરવઠા માટે કોલકાતા અને ઉત્તરપૂર્વનાં સાત રાજ્યો માટે ગુવાહાટી મુખ્ય વિતરણ કેન્દ્ર હોવાનું આઈસ્ટાએ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે અમે ગત સપ્તાહથી અત્યાર સુધીમાં બે વખત સરકારને આગામી તહેવારોને અનુલક્ષીને કોલકાતા અને તેની આસપાસના વિસ્તારો માટેની સ્ટોક મર્યાદા 1000 ટન કરવાનો અનુરોધ કર્યો છે.
વધુમાં આઈસ્ટાએ સરકારને સ્થાનિક માગ, પુરવઠાની સ્થિતિ અને રેકની ઉપલબ્ધિને ધ્યાનમાં લેતાં વર્ષ 2009ની યંત્રણા અનુસાર રાજ્યોને સ્ટોક મર્યાદા નિર્ધારિત કરવાનો અનુરોધ કરવાની સાથે જણાવ્યું હતું કે દેશમાં ખાંડનો અવિરત પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર સાથે મળીને કાર્ય કરવા એસોસિયેશન પ્રતિબદ્ધ છે.