Wed Aug 26 2026

Logo

ફ્લાઈટ ટિકિટમાં ખિસ્સા ફાડ ભાવ વધારો, નાના રૂટ ઉપરની સફર પણ તોતિંગ મોંઘી

2026-04-03 16:53:18
Author: Mumbai Samachar Team
ફ્લાઈટ ટિકિટમાં ખિસ્સા ફાડ ભાવ વધારો, નાના રૂટ ઉપરની સફર પણ તોતિંગ મોંઘી

નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે પ્રવાસીઓ પર પડી રહી છે. ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડ્યા બાદ હવે વિમાન માટેનું ફ્યુલ મોંઘુ થતા એર ટિકિટના દર વધી ગયા છે. એવિએશન ટર્બાઈન ફ્યુલ (ATF)ની કિંમતમાં વધારો થયો છે એની સીધી અસર ટિકિટના ભાવમાં પડી રહી છે. એના પર હવે એરલાઈન્સ કંપનીઓએ એરલાઈન્સ ફ્યુલ સરચાર્જ પર ઝીંકી દીધો છે. 

30થી 35 ટકાનો સીધો વધારો
દેશના મોટાભાગના રૂટ પર ટિકિટના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં 30થી 35 ટકા વધી ગયા છે. ડૉમેસ્ટિક એરલાઈન્સ માટે ATFમાં 8.5 ટકાનો વધારો થયો છે. ATF કોઈ પણ એરલાઈન્સ માટે તે સંચાલન ખર્ચના 35 થી 45 ટકા હિસ્સો ધરાવે છે, પરિણામે ઈંધણ જેવું મોંઘુ થાય છે ટિકિટના ભાવમાં સીધો વધારો ઝીંકી દેવામાં આવે છે. અંતે બધુ ગ્રાહકના ખિસ્સા પર આવીને અટકે છે. રિપોર્ટ અનુસાર 16 એપ્રિલના રોજ થયેલા બુકિંગ પર નજર કરવામાં આવે તો દિલ્હીથી ગોવાના સૌથી સસ્તા રૂટ પર ટિકિટ ₹8,384થી શરૂ થાય છે. 

આગલા દિવસે બુકિંગ સૌથી મોંઘુ
ઈન્ડિગો પર આ જ રૂટ પરની એર ટિકિટ ₹9,038થી ₹11,098 ની વચ્ચે છે. થોડા અઠવાડિયા પહેલા આ જ ટિકિટ ₹4500થી ₹6000ની વચ્ચે રહી હતી. દિલ્હીથી બેંગ્લુરૂની ટિકિટનો દર ₹12,596 સુધી પહોંચી ગયો છે. આગલા દિવસે જો બુક કરાવવામાં આવે તો ₹15થી 17 હજાર સુધી પહોંચી શકે છે. જયપુરથી બેંગ્લુરૂના રૂટ પર ટિકિટના ભાવમાં સીધો 30 ટકાનો વધારો થયો છે. જ્યારે જયપુરથી અમદાવાદની એર ટિકિટ ₹7,036 થી ₹12,443ની વચ્ચે છે. આ રકમ ગત વર્ષ કરતા 15 ટકા વધારે છે. જયપુરથી મુંબઈન એર ટિકિટ ₹6,305 થી ₹13,481ની વચ્ચે છે. આ રૂટ પર સીધો જ 10 ટકાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. 

મહત્ત્વના રૂટ પર ટિકિટ મોંઘી
જયપુરથી ગોવાની એર ટિકિટ ₹13,128 રૂપિયા સુધી પહોંચી ગઈ છે પણ માગ એટલી વધારે છે કે, ટિકિટના નિયમિતપણ ભાવ સ્થિર થતા નથી. સૌથી વધારે ડૉમેસ્ટિક રૂટ કવર કરતી એરલાઈન્સ ઈન્ડિગોએ 2 એપ્રિલથી નવો ઑપરેશન ચાર્જ લાગુ કરી દીધો હતો. ડૉમેસ્ટિક રૂટ પર અંતરના હિસાબથી ₹275થી ₹950 સુધી વધારી દેવાયા હતા. એર ઈન્ડિયા અને અકાસા એરે પણ આ જ રીતે ઑપરેશન ચાર્જ લાગુ કરી દેતા ટિકિટ મોંઘી બની હતી.દિલ્હીથી લખનઉ જેવા નાનકડા રૂટ પર ₹275, મુંબઈ-કૉલકાતા રૂટ પર ₹600, બેંગ્લુરૂ-હૈદરાબાદ રૂટ પર ₹800 અને ચેન્નઈ પર ₹950 વધારાના આપવા પડી રહ્યા છે. માત્ર ડૉમેસ્કિટક જ નહીં ઈન્ટરનેશનલ ઉડાનમાં પણ કોઈ રાહત નથી. 

ઈન્ટરનેશનલ રૂટમાં કોઈ રાહત નથી
અખાતી રૂટ કે મિડલ ઈસ્ટના રૂટ પર ₹3000 થી ₹5000, યુરોપ-યુકે રૂટ માટે ₹10,000 સુધીનો ઑપરેશન ખર્ચ લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેની લડાઈ ખતમ નહીં થાય અને ક્રૂડ ઓઈલની સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી એર ટિકિટ સસ્તી નહીં થાય. સરકારે ડૉમેસ્ટિક એરલાઈન્સને આંશિક રાહત આપી છે. સંપૂર્ણ રીતે ATFનો આર્થિક બોજ પ્રવાસીઓ પર નહીં નાંખવામાં આવે. ઈન્ટરનેશનલ રૂટ પર આવી કોઈ રાહત નથી. ટ્રાવેલ્સ પ્લાનને લઈન જેટલી વહેલી ટિકિટ બુક કરીએ એટલો પ્રવાસીઓને આર્થિક ફાયદો છે. બીજી તરફ વેકેશન અને ચૂંટણીના માહોલમાં એરલાઈન્સ કંપનીઓએ ટિકિટના ભાવ વધારતા અંતે અસર માણસના ખિસ્સાને આગ લગાડી રહી છે.