નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અખાતી દેશનો માહોલ ભારેલા અગ્નિ જેવો થઈ ચૂક્યો છે. બે ખૂટીયા લડે અને ખો ઘાસનો નીકળી જાય એવી જ રીતે અમેરિકા-ઈઝારાયલ મળીને ઈરાન પર હુમલા કરે છે એમાં અખાતી દેશ સહિત દુનિયાભરના રાષ્ટ્ર માટે જરૂરી એવા ક્રૂડ ઓઈલનો ખો થઈ રહ્યો છે.
તણાવગ્રસ્ત માહોલ વચ્ચે એર ઈન્ડિયા એક્સપ્રેસની રેસક્યૂ ફ્લાઈટે 169 ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત ભારત લાવી લાખો લોકોને નવજીવન આપ્યું છે. આ ફ્લાઈટની ખાસ વાત એ છે કે, આ ફ્લાઈમાં ક્રુ મેમ્બર્સ તરીકે માત્ર મહિલાઓ જ હતી.
કોણ છે દીપિકા અધાના?
હરિયાણાના ફરિદાબાદની 23 વર્ષની પાયલટ દીપિકા અધાના એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ પાયલટ છે. UAEમાંથી તેમણે 169 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પહોંચાડીને અનેક પરિવારોની દુઆ મેળવી છે. આ ફ્લાઈટમાં અન્ય 6 ક્રુ મેમ્બર્સ હતા.
એ પણ મહિલાઓ જ હતી. અચાનક મળી રહેલા આદેશને ફોલો કરી દેશના લોકો માટે જોખમ ઊઠાવીને ઑપરેશન પાર પાડ્યું અને ભારતીયોને એમના વતન પહોંચાડ્યા. અલ ખૈમાહ પહોંચી હતી અને ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત દિલ્હી લઈ આવી હતી. દીપિકાએ કહ્યું કે, જ્યારે વોરની પરિસ્થિતિને લઈને રેસક્યૂ ફ્લાઈટ માટેના આદેશ મળ્યા એ સમયે સૌથી પહેલા મેં મારા પરિવાર સાથે વાતચીત કરી હતી.
અંતિમ વખત જોઈ લો પછી ખબર નહીં....
દીપિકાએ કહ્યું કે, મમ્મીને કોલ કરીને કહ્યું હતું કે, મમ્મી-કાકા અંતિમવાર જોઈ લો પછી ખબર નહીં....કદાચ ફરી હું આપને જોવા ન પણ મળું. એમના પરિવારે આવી સ્થિતિમાં એમને રોકાવાના કોઈ પ્રયાસ ન કર્યા. હિંમત અને જવાબદારીથી કામ કરવા માટે પ્રેરણા આપીને રવાના કરી. 6 માર્ચની સવારે UAE જવાનો આદેશ મળ્યો. આ ફ્લાઈટમાં એની પાયલટ દોસ્ત જવાની હતી.
ફ્લાઈટના બે કલાક પહેલા આદેશ મળ્યો કે, આ મિશનમાં એમનો પણ સમાવેશ કરાયો છે. પછી તરત જ ટીમ સાથે મળીને મિશન માટે રવાના થઈ. કેપ્ટન જસવિંદર કૌર, પાયલટ દીપિકા અધાના, ચાર ક્રુ મેમ્બર્સ આ ટીમમાં હતા.
મનમાં ચિંતા પણ સુરક્ષા પૂરી હતી
યુદ્ધના માહોલ વચ્ચે જ્યાં લડાઈ થઈ રહી છે એના પાડોશી દેશ સુધી પહોંચવું જોખમથી ખાલી ન હતું. દરેકના મનમાં ચિંતા હતી પણ સુરક્ષાના પૂરતા બંદોબસ્ત હોવાને કારણે આ જોખમ લીધું. ખાતરી પણ આપવામાં આવી હતી કે, દુબઈ એરપોર્ટ પર ખાસ કંઈ થશે નહીં. આ ભરોસા સાથે ફ્લાઈટ રવાના થઈ. UAEના અલ ખૈમાહ એરપોર્ટ પર જવાનો આદેશ મળ્યો.
આશરે 2 વાગ્યે અલ ખૈમાહ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિગ કર્યું હતું. દીપિકાએ કહ્યું કે, સામાન્ય દિવસો કરતા આ દિવસે લોકોની સંખ્યા ઓછી હતી.
શાંતિનો માહોલ
દૂબઈ પહોંચ્યા બાદ કોઈ પ્રકારની અફરાતફરી કે દોડધામ ન હતી. શાંતિનો માહોલ હતો. રેસક્યૂ ફ્લાઈટ માટે ત્યાં પહેલાથી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. એક કલાકમાં 169 ભારતીય પ્રવાસીઓને વિમાનમાં બેસાડી દેવાયા હતા. આશરે 3 વાગ્યે ફ્લાઈટ રવાના થઈ હતી.એ દિવસે એક સમય એવો પણ આવ્યો કે, થોડા સમય માટે એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે સંપર્ક તૂટી ગયો હતો.
એ સમયે ચિંતા વધી ગઈ હતી. થોડા સમય બાદ નેટવર્ક પૂરી રીતે વ્યવસ્થિત થતા વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યું હતું. જ્યારે વિમાનમાંથી પ્રવાસીઓ સુરક્ષિત રીતે નીચે ઊતર્યા ત્યારે એમના ચહેરા પર રાહત હતી. વિમાનથી ઊતરતી વખતે અનેક લોકોએ આભાર વ્યક્ત કર્યો.