Wed Aug 26 2026

Logo

એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપ્યું, નવા સીઇઓની તપાસ તેજ

2026-04-07 18:07:08
Author: Chandrakant Kanoja
એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપ્યું, નવા સીઇઓની તપાસ તેજ

નવી દિલ્હી : દેશમાં છેલ્લા અનેક મહિનાઓથી સતત નુકસાનનો સામનો કરી રહેલી એર ઈન્ડિયા માટે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.  એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર( સીઇઓ) કેમ્પબેલ વિલ્સને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેની બાદ હવે કંપનીએ  નવા સીઇઓ માટેની તપાસ પણ તેજ કરી દીધી છે. 

નવા સીઈઓની નિમણૂક થાય ત્યાં સુધી તેમના પદ પર રહેવા કહ્યું

આ અંગે એર ઈન્ડિયાએ તેમને નવા સીઈઓની નિમણૂક થાય ત્યાં સુધી તેમના પદ પર રહેવા કહ્યું છે. સામાન્ય રીતે  તેમનો કાર્યકાળ આવતા વર્ષના સપ્ટેમ્બર સુધી રહેવાનો હતો. પરંતુ તેમણે પહેલાથી જ સંકેત આપી દીધા હતા  કે તેઓ તેમનો કાર્યકાળ લંબાવવા માંગતા નથી. આ કારણોસર કંપનીએ જાન્યુઆરી 2026 માં જ નવા સીઈઓની શોધ શરૂ કરી દીધી હતી. આ પ્રક્રિયા હવે ઝડપી બનાવવામાં આવી છે. તેમજ આ બાબત અંગે એક મહત્વપૂર્ણ બેઠક આગામી અઠવાડિયે યોજાવાની છે.

એર ઇન્ડિયા સામે અનેક મોટા પડકારો

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ  એર ઇન્ડિયા હાલમાં અનેક મોટા પડકારોનો સામનો કરી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે, એરસ્પેસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેના કારણે વિમાનોને લાંબા રૂટ પર ઉડાન ભરવાની ફરજ પડી છે. આના કારણે ઈંધણનો વપરાશ વધ્યો છે અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે. તેમજ નવા વિમાનોની ડિલિવરીમાં વિલંબ અને વધતા ખર્ચ કંપની માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.

નાણાકીય વર્ષ 2026 માં આશરે ₹20,000 કરોડના નુકસાનની સંભાવના 

આ ઉપરાંત અહેવાલો અનુસાર એર ઇન્ડિયાને નાણાકીય વર્ષ 2026 માં આશરે ₹20,000 કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.જે  તેની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ હશે. નિષ્ણાતો માને છે કે નવા સીઈઓના પદ માટે કંપની એવી વ્યક્તિની શોધ કરી રહી છે જેની પાસે આંતરરાષ્ટ્રીય એરલાઇનનું સંચાલન કરવાનો અનુભવ હોય, પૂર્ણ-સેવા અને ઓછા ખર્ચે બિઝનેસ મોડેલ બંનેની સમજ હોય ​​અને પડકારજનક પરિસ્થિતિઓમાં કંપનીને ચલાવવાની ક્ષમતા હોય.