અમદાવાદઃ શહેરમાં વરસાદે બે દિવસથી વિરામ લીધો છે. ગઈકાલે ઉઘાડ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધારે નોંધાયું હતું. અમદાવાદીઓને વરસાદથી મળેલી રાહત માત્ર થોડા દિવસ જ રહેવાની છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર પર સર્જાયેલું ડિપ ડિપ્રેશન સતત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુરુવારથી અમદાવાદના કેટલાક વિસ્તારો અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
આવતીકાલથી જ જામવા લાગશે વરસાદી માહોલ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શુક્રવાર અને શનિવારે અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુરુવારથી જ વરસાદી માહોલ જામવાનું શરૂ થશે. જેમાં નર્મદા, તાપી અને ડાંગમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
30 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી | Gujarat Rain Alert | WeatherUpdate #GujaratRain #WeatherUpdate #SuratRain #Navsari #Dang #Tapi #GujaratNews #MonsoonAlert #IMDGujarat #RainForecast #RainAlert #FishermenWarning pic.twitter.com/tf5fZ4Btqw
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 28, 2026
શુક્રવાર સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. IMD એ છોટાઉદેપુર અને નર્મદાના અલગ-અલગ ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દરમિયાન, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે 'યલો અર્લટ' જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધારે હતું.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દાહોદમાં 0.71 ઇંચ, અમદાવાદના ધોળકામાં 0.59 ઇંચ, કપરાડામાં 0.51 ઇંચ, નાનાપોંઢામાં 0.28 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ, કડીમાં 0.20 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તમામ તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો.
ગત સપ્તાહે પડેલા વરસાદમાં અમદાવાદ થયું હતું જળબંબાકાર
ગત સપ્તાહે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થયું હતું. શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં કરોડોના બંગલામાં કમર સુધીના પાણી ભરાયા હતા અને બે દિવસ સુધી ઓસર્યા નહોતા. આ વિસ્તારમાં ખુદ મુખ્યમંત્રી જાત નિરીક્ષણ કરવા આવ્યા હતા. બોપલ-શીલજ રોડ પર અંદાજે 10 ફૂટ જેટલા ઊંડા પાણી ભરાઈ જવાથી મુખ્ય વાહનવ્યવહાર અને લોકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. રસ્તો બંધ થઈ જતાં અને વિકલ્પ ન હોવાના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.