વડોદરા: વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક્સપ્રેસ હાઈવે પરથી વોશિંગ મશીન અને ચીમનીના બોક્સની આડમાં છુપાવેલો 41.73 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલિંગમાં તે વખતે બાતમી મળી હતી કે કંપનીના કંટેનરમાં વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ ભરેલા છે. પરંતુ તેની આડમાં વગર પરમિટનો વિદેશી દારૂ ભરેલો છે.
એક્સપ્રેસવે ટોલનાકા નજીક વોચ રાખી હતી
આ કંટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે LCB ટીમે આજોડ ગામ પાસેના એક્સપ્રેસવે ટોલનાકા નજીક વોચ રાખી હતી. કંટેનર આવતાં જ પોલીસે તેને ઘેરી લીધું હતું અને પોલીસ તપાસમાં ડ્રાઈવર જુનેદખાન મુબીનખાન ખાન (રહે. કંસાલી, નગીના, જિ. નુહ, મેવાત, હરિયાણા) અને અન્ય વ્યક્તિ રોબિનખાન શાહબુદ્દીન ખાન (રહે. આમકા, ફરીઝપુર જિરકા, જિ. નુહ, મેવાત, હરિયાણા) મળી આવ્યા હતા.
96 બોક્સ અને ચીમનીના 5 બોક્સ અંદર છુપાવેલા હતા
કંટેનરની તપાસમાં વોશિંગ મશીનના 96 બોક્સ અને ચીમનીના 5 બોક્સ અંદર છુપાવેલા હતા અને તેમાંથી 41.73 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 260 પેટીઓ મળી આવી હતી. કુલ 64.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે દારૂ અમજદખાન (રહે. ભાદરા, નગીના, જિ. નુહ, હરિયાણા) અને અમરમાન ખાન (રહે. નુહ, તાવડુ રોડ, હરિયાણા) દ્વારા ભરાવવામાં આવ્યો હતો. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.