Mon Sep 07 2026

Logo

રથયાત્રા પૂર્વે અમદાવાદ મનપા દ્વારા રૂ.19.59 કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયાપલટ

2026-04-25 20:42:51
Author: Devayat Khatana
રથયાત્રા પૂર્વે અમદાવાદ મનપા દ્વારા રૂ.19.59 કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયાપલટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટના આધુનિકીકરણની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. જમાલપુર ચાર રસ્તાથી દાણાપીઠ સુધીના રૂટને સુધારવા માટે તંત્ર દ્વારા અંદાજે રૂ. 19.59 કરોડનું બજેટની ફાળવણી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર દરવાજા, વૈશ્ય સભા અને ખમાસા જેવા મુખ્ય જંક્શનો પર ગ્રેનાઈટ અને કોટા સ્ટોનનું પેવમેન્ટ, સેન્ટ્રલ મીડિયન, ગ્રીન પેચ અને આધુનિક સ્ટ્રીટ લાઈટિંગની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. હાલ આ કામગીરી 75 ટકા પૂર્ણ થઈ ચૂકી છે અને રથયાત્રા પૂર્વે તમામ કાર્ય પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ગેટ નંબર 2 સુધી એક ભવ્ય આર્ટિસ્ટિક પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં આકર્ષક રોશની અને આધુનિક પેવિંગની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, જમાલપુર ચકલા અને ખમાસા ચાર રસ્તા જેવા વિસ્તારોમાં ટેબલટોપ, આઈલેન્ડ, સુંદર શિલ્પો અને હેંગિંગ લાઈટ્સ જેવી સુવિધાઓ દ્વારા રૂટને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવામાં આવશે. અમદાવાદ મનપાના આ પ્રયાસથી રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આહલાદક અનુભવ પ્રાપ્ત થશે.