અમદાવાદઃ અમદાવાદમાં સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે અંધારપટ છવાઈ ગયો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં મોડી રાતે પણ વરસાદ વરસ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં વરસાદ છે. વરસાદના કારમે વહેલી સવારે શાળાએ જતા, નોકરી-વ્યાપાર કરવા માટે જતા લોકો ભીના થઈ ગયા હતા.
શહેરમાં પૂર્વથી લઈ પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ
બાપુનગર, નિકોલ, ઈન્ડિયા કોલોની, નરોડા, ઓઢવ, પંચવટી, બોપલ, વસ્ત્રાપુર, જોધપુર, એસ.જી.હાઈવે, ગોતા, ચાંદલોડિયા, પ્રહલાદનગર, આનંદનગર, માણેકબાગ, સી.જી.રોડ, સ્ટેડિયમ રોડ, આશ્રમ રોડ-ઈનકમ ટેક્સ, દિલ્હી ચકલા સહિતના તમામ વિસ્તારમાં વરસાદ છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.ચાંદલોડિયા ડમરું સર્કલ પાસે પણ ભારે પવન અને વરસાદને લઈને ઝાડ પડ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
નોકરીયાત-વિદ્યાર્થીઓ પલળી ગયા
ભારે વરસાદ વચ્ચે નોકરિયાતો કંપનીમાં પહોંચે એ પહેલા જ તેઓ પલળી ગયા હતા. બીજી બાજુ સ્કૂલે જતા બાળકો પણ વર્ગમાં પહોંચે એ પહેલા જ પલળવાનો વારો આવ્યો હતો.
Heavy rains in Ahmedabad... pic.twitter.com/MSGfAkaZUW
— neha (@pahaadsepyaar) September 18, 2026
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.