(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલની જાહેરાત મુજબ, રામોલની ઘટના બાદ સીલ કરવામાં આવેલી ફટાકડાની દુકાનોને હવે સિઝનલ ધંધા માટે શરતી બોન્ડના આધારે ખોલવાની મંજૂરી અપાશે.
આ નિર્ણયથી રાખડીના વેપારીઓને મોટી રાહત મળશે, જોકે આ દુકાનોમાં ફટાકડાના વેપાર પર સખત પ્રતિબંધ ચાલુ રહેશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આગામી 11 ઓગસ્ટના રોજ રાયપુર દરવાજાથી સાળંગપુર સુધી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જે શહેરના તમામ 48 વોર્ડમાં પણ હર્ષોલ્લાસ સાથે યોજાશે.
બીજી તરફ, શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લગતો એક કડક નિર્ણય લેવાયો હતો. રૂ. 276 કરોડના માતબર ખર્ચે તૈયાર થઈ રહેલા નરોડા ફ્લાયઓવર પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં જવાબદાર કન્સ્ટ્રક્શન કંપનીને રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટે કંપનીને એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, જેનાથી હવે આ પ્રોજેક્ટ જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.