Wed Jul 29 2026

Logo

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: તપાસ ક્યારે પૂરી થશે? AAIBએ સુપ્રીમ કોર્ટમાં આપી મોટી માહિતી

2026-07-29 16:14:29
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમદાવાદમાં ગયા વર્ષે બારમી જૂનના બનેલી પ્લેનક્રેશની ઘટનામાં AAIBએ સુપ્રીમ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા કરી દીધી છે. આ કેસમાં સંપૂર્ણ તપાસ ક્યારે પૂર્ણ થશે એ અંગે ચોખવટ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 પ્લેનક્રેશની તપાસ લાંબા સમય સુધી ચાલી હતી. 

એરક્રાફ્ટ એક્સિડન્ટલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ (AAIB) સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે, બારમી જૂન, 2025ના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ઘટનાની તપાસ ઑક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. એક રિપોર્ટ અનુસાર AAIBએ આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 12 ઑક્ટોબરના રોજ કરવાની વાત કહી છે. 

આ કોઈ ઈનહાઉસ તપાસ નથી

AAIBએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓ સુધી સિમીત આ કોઈ એવી ઈનહાઉસ તપાસ નથી. અહીંયા એક ઈન્ટરનેશનલ એવિએશન પ્રોટોકોલ અનુસાર જે તે દેશના એક્સપર્ટ અને માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિ પણ સામેલ છે જેના નાગરિકોનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતક પાયલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતા અને ફેડરેશન ઓફ ઈન્ડિયાના પાયલટ તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટમાં આ અંગે ચર્ચા થઈ હતી. 

તપાસ અંગે ગંભીર સવાલો ઊભા થયા

આ ઘટનામાં કોર્ટેની દેખરેખમાં તપાસ કરવાની માગ કરવામાં આવી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે આ અંગે સુનાવણી કરી છે. કેપ્ટન સભરવાલના પિતા તરફથી કોર્ટમાં વાત કરતા વકીલ પ્રશાંત ભૂષણે તપાસની ગતિ અને બીજા કેટલાક મુદ્દાઓ પર સવાલ ઊઠાવ્યા છે. 

વકીલે એવો પણ તર્ક કોર્ટમાં રજૂ કર્યો છે કે, તપાસ પૂરી કરવામાં ઘણો વિલંબ થયો છે. હકીકત એ પણ છે કે, તપાસ DGCAના અધિકારીઓ જ કરી રહ્યા છે. આ દલીલનો જવાબ આપતા AAIB તરફથી આવેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ ખોટો આરોપ છે. 

એક્સપર્ટ અંતર્ગત તપાસ થઈ

તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે, એરક્રાફ્ટના નિયમ અને લાગુ ઈન્ટરનેશનલ ટ્રીટી અનુસાર તપાસ થઈ છે. જેમાં ભારતનો પોતાનો પણ એકપક્ષ હતો. જે દેશના નાગરિકો આ ઘટનામાં ભોગ બન્યા, એ દેશના માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિ તથા એક્સપર્ટ ઈન્ટરનેશનલ પ્રોટોકોલ અંતર્ગત તપાસમાં કામ કરવામાં આવ્યું છે. તુષાર મહેતાએ કોર્ટને આશ્વાસન આપ્યું કે, ફાઈનલ રિપોર્ટ આ વર્ષા ઑક્ટોબર સુધીમાં સિલપેક કવરમાં કોર્ટને જમા કરાવી દેવામાં આવશે. એ પહેલા તપાસના જે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. 

આ પહેલા AAIBએ કોર્ટને જણાવ્યું હતું કે, વિમાન ક્રેશની ઘટના આગામી છ અઠવાડિયામાં પૂરી થવાની પૂરી શક્યતાઓ છે. અમદાવાદ આવેલી ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને જે તે જરૂરી પાસાઓની તપાસ કરી હતી. આ પછી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. 

આ રિપોર્ટમાં કેટલીક સ્પષ્ટતા પણ હતી. AAIB હવે જે રિપોર્ટ જમા કરાવશે એના પર સૌની નજર રહેલી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ આ અંગે શું સ્પષ્ટતા કરે છે અને કઈ વાત પર ભાર મૂકે છે એ આગામી સુનાવણીમાંથી જાણવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને વિદેશમાં ચાલી રહેલા ટેક્નિકલ વિશ્લેષણને કારણે તપાસ સમય લઈ રહી છે.