કંદહાર: અફઘાનિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 148 લોકોના મોત થયા છે અને 216 લોકો ઘાયલ થયા છે. જેમાં નાંગરહાર સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ છે. જ્યાં 7500 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. તેમજ રસ્તાઓ અને ખેતીની જમીનોને વ્યાપક નુકસાન થયું છે.
જનજીવનને પણ વ્યાપક અસર થઇ
આ અંગેના અહેવાલો અનુસાર સતત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં વિનાશ વધી રહ્યો છે. રાહત એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આફતમાં માત્ર જાનમાલનું નુકસાન જ નથી થયું પરંતુ જનજીવનને પણ વ્યાપક અસર થઇ છે. જેમાં ગ્રામીણ અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર છે. જ્યાં રહેવાસીઓ પાસે સુરક્ષાના મૂળભૂત સાધનોનો પણ અભાવ છે.
નાંગરહાર પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત
આ કુદરતી હોનારતમાં પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા નાંગરહાર પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત છે. છેલ્લા બે દિવસમાં જ આ પ્રદેશમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 33 લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં 1,149 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમજ રસ્તાઓ, ખેતીની જમીનો અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે.
7,500 થી વધુ પરિવારો પ્રભાવિત થયા
અહેવાલો અનુસાર, આ દુર્ઘટનાથી 7,500 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. પૂરના પાણીમાં અનેક ગામો અને શહેરો ડૂબી ગયા છે. જેમાં ઘણા લોકો ફસાયેલા છે અને ત્યારબાદ તેમને હવાઈ માર્ગે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રસ્તાઓને થયેલા નુકસાનને કારણે કાબુલ અને અન્ય પ્રાંતો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ ઉભો થયો છે.
હવામાન વિભાગે ચેતવણી આપી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે. આનાથી લોકોમાં ભય વધી ગયો છે કે મૃત્યુઆંક અને વિનાશનું પ્રમાણ વધુ વધી શકે છે. અફઘાનિસ્તાન જે પહેલાથી જ સતત આફતોનો સામનો કરી રહ્યું છે.
15,500 એકરથી વધુ ખેતીલાયક જમીન નાશ પામી
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આ કુદરતી હોનારતથી 73,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. 9,000 થી વધુ ઘરોને નુકસાન થયું છે. જ્યારે 15,500 એકરથી વધુ ખેતીલાયક જમીન નાશ પામી છે. આનાથી ખાદ્ય અછતનું જોખમ વધ્યું છે અને આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.