મુંબઈ: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધુરંધર' હાલ સોશિયલ મીડિયા અને બોક્સ ઓફિસ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મમાં પાકિસ્તાનનું જે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તે એટલું વાસ્તવિક છે કે જોનારા દંગ રહી ગયા છે. એક ભારતીય એજન્ટના સાહસ અને પાકિસ્તાની ગેંગ્સ તેમજ આતંકીઓ સામેની જંગની આ વાર્તાએ પ્રેક્ષકોને જકડી રાખ્યા છે. ખાસ કરીને ફિલ્મમાં બતાવાયેલું કરાચીનું 'લ્યારી' શહેર જોઈને સૌને એમ જ લાગે છે કે આદિત્ય ધરે પાકિસ્તાનમાં જઈને શૂટિંગ કર્યું હશે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે.
હકીકતમાં ફિલ્મનું એક પણ દ્રશ્ય પાકિસ્તાનમાં શૂટ થયું નથી. આદિત્ય ધરે પોતાની રિસર્ચ ટીમની મદદથી થાઈલેન્ડના બેંગકોકમાં લ્યારી શહેરનો આબેહૂબ સેટ તૈયાર કર્યો હતો. 6 એકર જમીન પર ફેલાયેલા આ વિશાળ સેટમાં કરાચીની એ જ સાંકડી ગલીઓ અને દુકાનો બનાવવામાં આવી હતી જે અસલી લ્યારીમાં જોવા મળે છે. જુના ન્યૂઝપેપર કટિંગ્સ અને ફોટોઝની મદદથી ભારતીય અને થાઈ આર્ટિસ્ટોએ દિવસ-રાત મહેનત કરીને આ અશક્ય લાગતા સેટને હકીકત બનાવ્યો હતો.
ફિલ્મનો મોટો ભાગ ભારતના અલગ-અલગ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવ્યો છે. ખાસ કરીને સ્પાઈ સીક્વન્સ અને ચેઝિંગ સીન્સનું શૂટિંગ મુંબઈના વિવિધ સ્ટુડિયોમાં થયું હતું. ડોમ્બિવલીના એક બ્રિજ પર રહેમાન ડકૈતને પકડવાનો સીન શૂટ કરાયો હતો, તો દક્ષિણ મુંબઈની ગલીઓમાં સંજય દત્ત અને અર્જુન રામપાલના એક્શન સીન્સ ફિલ્માવાયા હતા. આ લોકેશન્સને એવી રીતે એડિટ કરવામાં આવ્યા છે કે તે જોવામાં બિલકુલ પાકિસ્તાન જેવું જ લાગે છે.
ફિલ્મ 'ધુરંધર 2'ના ક્લાયમેક્સ માટે પંજાબના લુધિયાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં રાતોરાત ઘરની છત પર પાકિસ્તાની ઝંડા લગાવીને શૂટિંગ કરાયું હતું, જેમાં રણવીર સિંહ અને અર્જુન રામપાલ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમૃતસર અને ચંદીગઢના સેક્ટર 17 અંડરપાસમાં પણ ફિલ્મના વાયરલ ચેઝિંગ સીન્સ શૂટ થયા છે. લદ્દાખની વાદીઓમાં અક્ષય ખન્નાનું ફેમસ ગીત 'Fa9la' અને બલોચ કેમ્પના સીન્સ ફિલ્માવીને ફિલ્મને એક ગ્રાન્ડ લુક આપવામાં આવ્યો છે.