Sat May 30 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!

2026-05-29 12:25:00
Author: Siddharth Chhaya
Article Image

સિદ્ધાર્થ છાયા

અભિજિત: હું જ પોલીસ ને હું જ ન્યાયાધીશ

ડેવિડ ધવનની તાજી ફિલ્મ `હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' સાથે જોડાયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લેતો. પહેલાં તો ટિપ્સ દ્વારા ચોખવટ કરવામાં આવી કે આ ફિલ્મ ડેવિડ ધવનની જ `બીવી નંબર વન'ની રીમેક નથી. હવે આ ચોખવટ એટલે કરવી પડી, કારણ કે `બીવી નંબર વન'ના પ્રોડ્યુસર વાશુ ભગનાનીએ ગોળગોળ વાતો કરીને `હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' એ પોતાની ફિલ્મમાંથી ઇન્સ્પાયર થવાનો આરોપ મૂક્યો હતો.

હવે આવતા શુક્રવારે એ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એવામાં ભૂતપૂર્વ ગાયક (હા, હવે તો ભૂતપૂર્વ જ કહેવાયને?) અભિજિતે નવો ફણગો ફોડ્યો છે. વાત એમ છે કે `હૈ જવાની...'માં `બીવી નંબર વન'નાં સુપરહિટ ગીત `ચુનરી ચુનરી'નું  રિ-મિક્સ કરવામાં આવ્યું છે. હવે અભિજિતનો `દાવો' કર્યો છે કે આ રિ-મિક્સ કાંઈ મેં ગાયેલા ઓરિજિનલ જેવું નથી. ચાલો, માની લઈએ કે અહીં અભિજિતનો ગરાસ લુંટાય છે એટલે એણે આમ કહી દીધું હશે, પણ અભિજિતે તો પોતાનો અણગમો એક જજ બનીને આગળ વધાર્યો. 

અભિજિતે એમ કહ્યું કે, પોતે ગાયેલું એ ગીત સલમાન ખાનનાં શ્રેષ્ઠ ગીતોમાં પણ ટોચનું સ્થાન ધરાવે છે. ચાલો, વાત અહીં સુધી પણ બરોબર હતી. પણ આગળ અભિજિતે વરુણ ધવનનું નામ લીધા વગર કહી દીધું કે એનામાં સલમાનના બે ટકા જેટલું પણ ટૅલેન્ટ નથી એટલે અભિજીતે જાતે જ પોલીસ બનીને વરુણ પર આરોપ મૂકી દીધો અને જજ બનીને વરુણનું અપમાન પણ કરી દીધું.! 

ઘરનો ભેદી `લંકા'ને નુકસાન ન પહોંચાડી શક્યો

અખ્તર પરિવાર પર આજકાલ શનિની વક્ર દૃષ્ટિ પડી હોય એવું લાગે છે. ફરહાન અખ્તરને રણવીર સિંહ એની નુકસાનીના 45 કરોડ પાછા નથી આપી રહ્યો તો બીજી તરફ ઝોયા અખ્તર અને રીમા કાગતીની ઑફિસમાં ખાતર પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ચોરે નાણાં કે ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ એવી કોઈ કીમતી વસ્તુઓની ચોરી નથી કરી. આ ચોરોએ ઝોયા અખ્તરની રિલીઝ થઈ ગયેલી અને રિલીઝ થનારી ફિલ્મો જેમાં સ્ટોર કરવામાં આવી હતી તેવી 66 હાર્ડ ડિસ્ક ચોરી ગયા! 

સ્વાભાવિક રીતે પોલીસને ફરિયાદ કરવામાં આવી અને ઝોયા અખ્તરે ખુદે બે શંકાસ્પદનાં નામ આપતાં બંનેની ધરપડક કરી લેવામાં આવી છે. આ બંને શંકાસ્પદ ઝોયા અને રીમાની ઑફિસમાં કામ કરે છે. થોડા સમયમાં `મોટા પૈસા' કમાવા માટે એ બંને શંકાસ્પદોએ આવી ચોરી કરી હતી. જોકે રીમા અને ઝોયા માટે રાહતની વાત એ હતી કે તમામ ફિલ્મોનું બૅકઅપ અગાઉથી જ લઈ લેવામાં આવ્યું હતું. આથી એમના કીમતી ડેટાનું સાવ અચ્યુતમ કેશવમ નથી થઈ ગયું એ રાહતની વાત છે.

જોકે આ ઘટના પાયરસીની એ કાળી દુનિયા તરફ જરૂર ઇશારો કરે છે જે આ રીતે ફિલ્મો ચોરીને ઇન્ટરનેટ પર સાવ મફતમાં વહેતી કરી દે છે. ઘણી વખત તો ફિલ્મ રિલીઝ થાય એના ચોવીસ કલાક પહેલાં જ તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થઈ જતી હોય છે. તેની પાછળનું કારણ શું છે એ ઝોયા-રીમા સાથે જે બન્યું તેના પરથી સમજાય જાય છે.

અનન્યા પાંડે: ટ્રોલિંગ અભી ચાલુ હૈ...

અનન્યા પાંડે એટલે કે ચંકી પાંડેની પુત્રી. બહુ પહેલાં જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તે કપિલ શર્માનાં શોમાં ગઈ હતી. આ શોમાં તેણે એવો `દાવો' કર્યો હતો કે તેણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીબધી `સ્ટ્રગલ' કરી છે. ચંકીપુત્રી સોશ્યલ મીડિયામાં કોઈ ને કોઈ કારણોસર અવારનવાર ટ્રોલ થતી રહે છે. હવે આ ટ્રોલની સિરીઝમાં નવું પ્રકરણ ઉમેરાયું છે અને આ પ્રકરણ છે અનન્યાની તાજી ફિલ્મ `ચાંદ મેરા દિલ'નું એક દૃશ્ય
.
આ દૃશ્યમાં અનન્યા ભરતનાટ્યમ કરતી દેખાડવામાં આવી છે. એટલે જે દૃશ્ય છે એ ભરતનાટ્યમ છે એવું આપણને ઠસાવવામાં આવ્યું છે. હવે જે લોકોએ એ ફિલ્મ જોઈ છે એ લોકો સોશ્યલ મીડિયામાં પાનાં ભરી ભરીને લખી રહ્યાં છે કે એ નૃત્ય કોઈપણ એન્ગલથી ભરતનાટ્યમ દેખાતું નથી તો `હમારે ઝમાને'ના લોકો આ જાણીને વૈજયંતિમાલા, શ્રીદેવી, હેમા, રેખા અને જયાપ્રદાને યાદ કરવા લાગ્યા કે ફિલ્મોમાં શાસ્ત્રીય નૃત્યો તો આ અભિનેત્રીઓ કરતી હતી, આજકાલની છોકરીઓમાં તો ક્યાં એ ટૅલેન્ટ છે જ!

તો કેટલાં નૃત્યશાસ્ત્રીઓ પણ મેદાનમાં આવી ગયા અને એમણે પણ અનન્યાની આકરા શબ્દોમાં આકરી ટીકા કરી. છેવટે બોલિવૂડ વિશે એક શબ્દ પણ ખરાબ ન સાંભળી શકતી પીઆર એજન્સીઓ મેદાનમાં આવી. આ એજન્સીઓએ ઊલટું અનન્યાની ટીકા કરનારાઓને તમે રિવ્યુકારો નથી, પરંતુ કોઈના પર દોષારોપણ કરીને તેની મજા લેનારાઓ છે એમ કહી દીધું.
જે હોય તે, પણ અત્યારે તો આ પીઆર એજન્સી અને ટ્રોલર આર્મી વચ્ચે સોશ્યલ મીડિયા પર ચાલી રહેલું યુદ્ધ સામાન્ય જનતાને જલસો કરાવી રહ્યું છે.

કટ એન્ડ ઓકે...
એ તમને સારું લગાડવા માટે ત્યાં નહોતી ગઈ.
`કાન ફિલ્મ મહોત્સવ'માં ઐશ્વર્યા રાયના લૂકસ પર ટિપ્પણી કરનારાઓનાં કાન આમળતી કંગના રનૌત.