Sun Sep 06 2026

Logo

આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ત્રીજા લગ્નને ગણાવ્યા 'લવ જેહાદ', કહ્યું- શ્વાસ રૂંધી નાખીશું

2026-07-18 14:23:00
Author: Mumbai Samachar Team
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ત્રીજા લગ્નને ગણાવ્યા 'લવ જેહાદ', કહ્યું- શ્વાસ રૂંધી નાખીશું

મુંબઈ: તાજેતરમાં જ ત્રીજા લગ્ન કરનાર બોલિવૂડ એક્ટર આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને ઓડિયો ક્લિપ સામે આવી છે, જેને કથિત રીતે આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ દ્વારા શેર કરવામાં આવી છે, જેઓ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા ગણાવે છે. પોસ્ટમાં આ લોકોએ કહ્યું છે કે આમિર ખાન જેવા લોકો આપણા દેશમાં 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે. અમે આ માણસને સહન નહીં કરીએ અને ટૂંક સમયમાં જ તેણે આના પરિણામ ભોગવવા પડશે. આ સનાતન ધર્મ અને દેશની વિરુદ્ધ છે.

પોલીસ કરી રહી છે વેરિફાય

જો કે સૂત્રોનું કહેવું છે કે મુંબઈ પોલીસને અત્યાર સુધી આમિર ખાન કે તેમની ટીમ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસને પણ મીડિયા દ્વારા ફેસબુક અને વોઈસ નોટના માધ્યમથી આ કથિત ધમકીની માહિતી મળી છે, જેને તેઓ વેરિફાય (તપાસ) કરી રહ્યા છે. આમિર ખાન તરફથી ફરિયાદ મળ્યા બાદ આ મામલે કેસ નોંધવામાં આવી શકે છે.

કાળા હરણના શિકારના કેસને લઈને લોરેન્સ બિશ્નોઈનો સલમાન ખાન સાથે સતત વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવે બિશ્નોઈ ગેંગ તરફથી પહેલીવાર આમિર ખાનને ધમકી આપવામાં આવી છે.

આમિર ખાનના ત્રીજા લગ્નને ગણાવ્યા લવ જેહાદ

સોશિયલ મીડિયા પર સામે આવેલી પોસ્ટ અને ઓડિયો ક્લિપમાં આમિર ખાનના ત્રીજા લગ્નને લવ જેહાદ ગણાવવામાં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, "અમે અમારા ભાઈઓ, બહેનો અને દેશવાસીઓને વચન આપીએ છીએ કે જે કોઈ પણ આવી શરમજનક હરકતને પ્રોત્સાહન આપશે, તેને અમે અમારી રીતે જોઇ લઇશું. જે લોકો સ્ટારડમના નામે આને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમના શ્વાસ રૂંધી નાખીશું."

શ્રીગંગાનગર ગેંગરેપ કેસના આરોપીઓને પણ આપી ધમકી

આમિર ખાનને આપવામાં આવેલી ધમકીમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બાળકી સાથે થયેલી ક્રૂરતાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં લખ્યું છે કે- "અમે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક માસૂમ છોકરી સાથે થયેલા ભયાનક ગુનાનો પણ ઉલ્લેખ કરવા માંગીએ છીએ. પ્રશાસને પ્રશંસનીય કામ કર્યું છે, પરંતુ કેટલાક રાજકીય નેતાઓ કેટલાક આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે: તે માસૂમ છોકરી સામેના ગુનામાં જે કોઈ પણ એક ટકા પણ સામેલ હતું અને કાયદાથી બચી નીકળશે, તેને અમે સજા આપીશું."