- પ્રફુલ શાહ
ઘી કે તેલ વગર દીવો ન પ્રજ્વલિત થાય બરાબર? હા, એકદમ સાચી વાત, પરંતુ આમાં એક અપવાદ મધ્ય પ્રદેશમાં છે.
આપણે વાત કરવી છે એક અનોખા મંદિરની.
મધ્ય પ્રદેશમાં આગર-માલવા જિલ્લામાં આવેલા અને ચમત્કારી મનાતા ગઢિયા ઘાટ માતાજી મંદિર વિશે. આ પ્રસિદ્ધ શક્તિપીઠ સમાન મંદિર એક અદ્ભુત પ્લસ રહસ્યમય અનોખાપણા માટે ભારતભરમાં જાણીતું છે.
આ ગઢિયા ઘાટ માતાજી મંદિરનો અચંબિત કરતો ચમત્કાર એ છે કે અહીં માતાજી સમક્ષના અખંડ દીવા માટે ઘી કે તેલની ક્યારેય જરૂર પડતી નથી. અહીં દીવો માત્ર પાણીથી સળગતો રહે છે.
હવે જાણીએ અને સમજીએ કે આ કેવી રીતે શક્ય બને છે. આ મંદિર આગર-માલવા જિલ્લાના નલખેડા ગામથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા ગાડિયા (પણ પ્રચલિત છે ગઢિયા તરીકે) ગામ નજીક કાલીસિંધ નદીના કિનારે ઘાટ પર આવેલું છે. આ કારણસર મંદિરમાં સ્થાપિત દેવી `ગઢિયા ઘાટવાળી માતાજી' તરીકે ઓળખાય આવે છે.
વર્ષો પહેલાં માતાજીએ મને સ્વપ્નમાં આવીને નદીના પાણીથી દીવો પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો, એવી માહિતી સ્થાનિક પુજારી આપે છે. એ સમયથી જ્યારે દીવામાં નદીનું પાણી ઉમેરવામાં આવે છે, ત્યારે તે આપોઆપ ચીકણું થઈ જાય છે અને તરત દીવો સામાન્ય તેલની જેમ જ પ્રગટી જાય છે. સ્થાનિક પરંપરા મુજબ આ પ્રથા ઘણા દાયકાઓથી ચાલે છે. આ ઘટનાને શ્રદ્ધાળુ ભક્તો ચમત્કાર માને છે અને દૂરદૂરથી દર્શન કરવા આવીને ધન્યતા અનુભવે છે.
જોકે ચોમાસામાં સીનારિયો બદલાઈ જાય છે. વરસાદના દિવસોમાં કાલીસિંધ નદીમાં પૂર આવે ત્યારે મંદિર પાણીમાં ડૂબી જાય છે. આ સમયે પૂજા અટકી જાય છે અને દીવો પ્રગટી શકતો નથી. જોકે નવરાત્રિના તહેવારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે અને કાલીસિંધ નદીનો ઘાટ તેને વિશેષ આકર્ષક બનાવે છે.
અહીં માતાજીનો અખંડ દીવો નદીના પાણીથી બળવા અંગે ભારે શ્રદ્ધા સાથે કુતૂહલ પ્રવર્તે છે. આ માટે બે અલગ દૃષ્ટિકોણ છે. એક છે ધાર્મિક માન્યતા અને બીજો છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ.
ભક્તો દૃઢતાપૂર્વક માને છે કે આ માતાજીનો ચમત્કાર છે. પૂજારી કાલીસિંધ નદીમાંથી પાણી લાવીને દીવામાં ભરે છે અને દીવો પ્રગટાવે છે. ભક્તો માટે આ દેવીની દિવ્ય શક્તિનું પ્રતીક છે. આની સામે વિજ્ઞાનીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓની દલીલ છે કે કાલીસિંધ નદીના તળિયે અથવા આસપાસના વિસ્તારમાંથી હાઇડ્રોકાર્બન (ક્રૂડ ઑઇલ જેવા જ્વલનશીલ પદાર્થ) અથવા મિથેન જેવા જ્વલનશીલ વાયુઓ પાણીમાં ભળી જતા હોઈ શકે છે. જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. આને લીધે પાણીની સપાટી પર રહેલો આ જ્વલનશીલ પદાર્થ સળગી ઊઠે છે. તેમના કહેવા મુજબ વાસ્તવમાં પાણી નહીં, પરંતુ તેની સાથે રહેલો જ્વલનશીલ પદાર્થ બળે છે.
વિજ્ઞાન સમર્થકો કહે છે કે આવી કુદરતી ઘટનાઓ વિશ્વના કેટલાંક અન્ય સ્થળોએ પણ જોવા મળે છે, જ્યાં જમીનમાંથી કુદરતી ગૅસ નીકળતો હોવાથી પાણીની નજીક જ્યોત પ્રગટે છે. જોકે અત્યાર સુધી કોઈ વ્યાપક, સ્વતંત્ર વૈજ્ઞાનિક અભ્યાસે એ સાબિત કર્યું નથી કે શુદ્ધ પાણી પોતે જ બળે છે. તેથી શ્રદ્ધાળુઓ તેને ચમત્કાર માને છે, જ્યારે વૈજ્ઞાનિકો તેને કુદરતી હાઇડ્રોકાર્બન અથવા ગૅસની હાજરી સાથે જોડવાની મથામણ કરે છે.
ભલે ગઢિયા ઘાટ માતાજીનું મંદિર શ્રદ્ધા અને વિજ્ઞાન જેવા બંને દૃષ્ટિકોણથી ચર્ચાનો વિષય બન્યું છે, પણ આનાથી હજારોની ભીડ કે એમના અનન્ય ભક્તિ-ભાવમાં રાયના દાણા જેટલોય ફરક પડ્યો નથી. આમેય સવાલ શ્રદ્ધાનો હોય તો પુરાવાની ક્યાં જરૂર હોય છે?