Tue Jun 30 2026

Logo

અમેરિકામાં વિઝા માટે બોગસ લૂંટના કેસમાં વઘુ એક પાટીદાર દોષિત, જાણો શું છે સમગ્ર કેસ

Wasington D.C.   2026-06-29 11:10:00
Author: Mayur Patel
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકામાં વિઝા માટે બોગસ લૂંટના કેસમાં વઘુ એક દોષિત ઠર્યો હતો. ગુજરાતી યુવક મિતુલ પટેલે ગુનો સ્વીકાર્યો હતો.  અમેરિકન પ્રોસિક્યૂટર્સના જણાવ્યા અનુસાર  આ ષડયંત્રની શરૂઆત માર્ચ 2023માં થઈ હતી. મુખ્ય સૂત્રધાર રામ પટેલ પણ ગુજરાતી છે અને તેના સાથીઓએ મેસેચ્યુસેટ્સ તથા અન્ય સ્થળોએ આવેલા કન્વીનિયન્સ સ્ટોર્સ, દારૂની દુકાનો અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરેન્ટ્સમાં કથિત રીતે બોગસ સશસ્ત્ર લૂંટનું આયોજન કર્યું હતું. જેમાં સ્ટોરના કલાર્કે પોતાને હિંસક ગુનાનો ભોગ બન્યા હોવાનો ખોટા દાવો કરીને યુ નોન ઈમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી હતી. આ વિઝા જે લોકો તપાસકર્તા એજન્સીને મદદ કરતા હોય અને ગુનામાં ભોગ બન્યા હોય તેવા લોકોને જ આપવામાં આવે છે.

કેવી રીતે લૂંટને આપતા હતા અંજામ 

અમેરિકન એજન્સીઓએ જણાવ્યું કે, આ પ્લાન મુજબ એક નકલી લૂંટારૂ હાથમાં હથિયાર જેવી વસ્તુ લઈને સ્ટોરમાં ઘૂસતો, કર્મચારીઓને ડરાવતો, કેશ રજિસ્ટરમાંથી રોકડા રૂપિયા લેતો અને ભાગી જતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવતી જેથી ઇમિગ્રેશન અરજીના સમર્થનમાં પુરાવા ઊભા કરી શકાય. આ ઘટના સાચી લાગે તે માટે સ્ટોરના કર્મચારીઓ લૂંટારૂ ભાગી ન જાય ત્યાં સુધી પોલીસને ફોન કરવામાં કથિત રીતે વિલંબ કરતા હતા.

મિતુલ પટેલ પર શું છે આરોપ

ફેડરલ સત્તાવાળાઓએ જણાવ્યું કે, વિઝાના લાભ મેળવવા ઈચ્છતા લોકો ભોગ બનનાર તરીકે યાદીમાં સામેલ થવા માટે રામ પટેલને કથિત રીતે પૈસા ચૂકવતા હતા, જ્યારે સ્ટોરના માલિકોને તેમની જગ્યાનો ઉપયોગ કરવા દેવા બદલ વળતર આપવામાં આવતું હતું. મિતુલ પટેલ પર ઓક્ટોબર 2023માં વોર્સેસ્ટરના એક સ્ટોરમાં નકલી લૂંટનો ભોગ બનવાનો ડોળ કરવા માટે પૈસા ચૂકવ્યા હોવાનો આરોપ છે.

મુખ્ય સૂત્રધાર રામ પટેલ, બંદૂકધારી અને ગાડી ચલાવનાર બલવિંદર સિંહ મે 2025માં દોષિત જાહેર થયા હતા. હવે મિતુલ પટેલ દ્વારા ગુનો સ્વીકારાતા આ ષડયંત્રમાં વધુ એક સજા પાકી થઈ છે. વિઝા ફ્રોડના કાવતરાના આ ગુનામાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા, આશરે રૂ. 2.5 કરોડ સુધીનો દંડ અને સજા પૂરી થયા બાદ અમેરિકામાંથી દેશનિકાલ કરવાની જોગવાઈ છે.

10 પાટીદારો સામે નોંધાયો ગુનો

અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો હતો. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ખૂબ જ ચાલાકીપૂર્વક કાવતરું ઘડ્યું હતું. આ તમામ આરોપીઓ મૂળ ગુજરાતના છે અને હવે તેઓ જેલવાસથી લઈને દેશનિકાલ સુધીનો સામનો કરી રહ્યા છે.

તપાસ દરમિયાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા જે 10 લોકોના નામ સામે આવ્યા હતા, તેમના નામ જિતેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.39), મહેશકુમાર પટેલ (ઉ.વ.36), સંજયકુમાર પટેલ (ઉ.વ.45), દીપિકા પટેલ (ઉ.વ.40), રમેશ પટેલ (ઉ.વ.52), અમિતા પટેલ (ઉ.વ.43), રોનકકુમાર પટેલ (ઉ.વ.28), સંગીતા પટેલ (ઉ.વ.36), મિન્કેશ પટેલ (ઉ.વ.42) અને સોનલ પટેલ (ઉ.વ.42) છે.

શું હતું આખું કૌભાંડ?

યુએસ ફેડરલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ કેસ એક વિચિત્ર પણ પૂર્વ આયોજિત કાવતરા પર આધારિત છે. આ લોકોએ મેસેચ્યુસેટ્સ અને અન્ય રાજ્યોમાં આવેલા કન્વીનિયન્સ સ્ટોર્સ, દારૂના દુકાનો અને ફાસ્ટ-ફૂડ સેન્ટરો પર નકલી સશસ્ત્ર લૂંટના નાટક કર્યા હતા.  જેની પાછળનો મુખ્ય હેતુ એ પુરાવા ઊભા કરવાનો હતો કે તેઓ હિંસક ગુનાનો ભોગ બન્યા છે. આમ કરવાથી તેઓ 'નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ' એટલે કે U વિઝા મેળવવા માટે હકદાર બની શકતા હતા.

U વિઝા જેઓ માનસિક અથવા શારીરિક આઘાતમાંથી પસાર થયા હોય અને ગુનાની તપાસમાં સરકારી એજન્સીઓને મદદ કરતા હોય તેમને આપવામાં આવે છે. હાલમાં આ તમામ ગુજરાતીઓ કાયદાના સકંજામાં છે અને અમેરિકી એજન્સીઓ આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ કરી રહી છે.