અમદાવાદ: અમદાવાદમાં દુષ્કર્મના એક કેસમાં કોર્ટે નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઘટના એવી છે કે આરોપીએ રામોલ વિસ્તારમાં 13 વર્ષની માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરા પર દુષ્કર્મ કરનાર 38 વર્ષીય નરાધમ આરોપી રોહિત ઉર્ફે ફોજીને સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક સજા ફટકારી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ₹27 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિત સગીરાના પુનર્વસન માટે 'વિકટીમ કમ્પન્સેશન સ્કીમ' હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આવ્યો છે.
સગીરાને ઘરકામના બહાને ઘરે બોલાવી
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા આરોપી રોહિત ઉર્ફે ફોજી સુર્યવંશસિંહ ચૌહાણે એપ્રિલ 2024 દરમિયાન પોતાના જ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરકામના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં તેણે સગીરાને ધમકાવીને તેની સાથે અડપલાં કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. આ કુકર્મ બાદ જો કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી વારંવાર સગીરાને પોતાના ઘરે બોલાવી તેની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.
પોલીસે ગણતરીના સમયમાં ચાર્જશીટ રજૂ કરી
સમગ્ર ઘટના ઓગસ્ટ 2024માં બની હતી. તે સમયે સગીરાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં પરિવારે સગીરાની તબીબી તપાસ કરાવી હતી, જેમાં સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાની આપવીતી જણાવતાં દાદીએ 29 ઓગસ્ટ, 2024ના રોજ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ગણતરીના સમયમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેના આધારે કેસ ટ્રાયલ પર આવ્યો હતો.
DNA રિપોર્ટમાં થયો ખુલાસો
તબીબી સારવાર દરમિયાન હોસ્પિટલમાં પીડિતાના ગર્ભપાતના નમૂના તેમજ આરોપીના રક્તના નમૂના મેળવીને FSL ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં આરોપી રોહિત જ બાળકના જૈવિક પિતા હોવાની પુષ્ટિ થઈ હતી, જેનાથી કોર્ટમાં ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો.
સરકારી વકીલની મજબૂત દલીલો
13 વર્ષની સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને કડકમા કડક સજા થાય તેવી દલીલો અને વૈજ્ઞાનિક પુરાવાઓની જરુર હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે મજબૂત દલીલો, સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આરોપીએ સગીરાના જીવન સાથે ગંભીર રમત રમી છે. ફરિયાદી અને ભોગ બનનારે આરોપીને સ્પષ્ટપણે ઓળખી બતાવ્યો છે, જેથી સમાજમાં દાખલો બેસે અને કાયદાનો ડર જળવાઈ રહે તે માટે આરોપીને સખત સજા થવી જરૂરી છે.
તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એચ. એન. દેસાઈએ નોંધ્યું હતું કે આરોપી સામેનો કેસ શંકાથી પર પુરવાર થયો છે. આવા ગંભીર અને માનવતાને શરમાવે તેવા ગુનામાં આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા દાખવી શકાય નહીં. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.