Mon Jul 27 2026

Logo

...તો TVK નાં 107 MLA રાજીનામા આપશે: તમિલનાડુમાં સરકાર બનાવવાનું સમીકરણ વધુ ગૂંચવાયું

2026-05-08 12:56:00
Author: Savan Zalariya
Article Image

ચેન્નઈ: તમિલનાડુમાં મોટા રાજકીય ફેરફાર થવાની શક્યતા છે, વિધાનસભા ચૂંટણીમમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બન્યો પણ 118ના બહુમતીના આંકડા સુધી નથી પહોંચી શકી. TVKને અન્ય પક્ષો સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવવાની ફરજ પડી છે, જેના માટે દરેક સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. એવામાં એક શક્યતા એવી પણ છે કે બે કટ્ટર વિરોધી પક્ષો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) હાથ મિલાવીને બાજી પલટી નાખે.

DKM અને AIADMKમાં ચહલપહલ:
DKMમાં ઉદયનિધિ સ્ટાલિનની છાવણીનાં કેટલાક યુવા નેતાઓનો એક વર્ગ એવું માને છે કે જો વિજય, એકવાર સત્તામાં આવશે, તેને એમજી રામચંદ્રનની જેમ સત્તા પરથી હટાવવો મુશ્કેલ બની જશે. એમજી રામચંદ્રન સત્તા પર આવ્યા બાદ તેઓ જીવિત રહ્યા સુધી સુધી DMK રાજ્યમાં સત્તા મેળવી શકી ન હતી. અહેવાલ મુજબ DMKના વડા એમ કે સ્ટાલિન સહીત વરિષ્ઠ નેતાઓ આ વાતથી સહમત નથી.

AIADMK એ પણ તેના ચૂંટાયેલા વિધાન સભ્યોને રાહ જોવા કહ્યું છે. AIADMKના વિધાનસભ્યોનો એક વર્ગ TVK સાથે જોડાવા તૈયાર છે, પરંતુ  AIADMKના વરિષ્ઠ નેતાઓએ આ વાત નકારી કાઢી છે.

મહત્વપૂર્ણ આંતરિક બેઠકો:
DMK પાસે 59 ચૂંટાયેલા વિધાનસભ્યો છે અને AIADMK 47 ચૂંટાયેલા વિધાનસભ્યો છે, બંને પક્ષોને આંતરિક બળવાનો પણ ડર છે. જો બંને કટ્ટર વિરોધી પક્ષો કોઈ રીતે હાથ મિલાવે તેઓ બંને પક્ષો મળીને 106 બેઠકો થાય, અન્ય 12 વિધાનસભ્યોના સમર્થનથી તેઓ સરકાર બનાવી શકે છે. 

DMK અને AIDMKમાં બે મહત્વપૂર્ણ આંતરિક બેઠકો થઇ ચુકી છે. TVKને હવે શંકા છે કે બંને પક્ષો રાજ્યમાં સરકાર બનાવવા માટે સાંઠગાંઠ કરી રહ્યા છે. 

TVK બળવો પોકારી શકે છે:
જો કોઈ રીતે DMK અને AIADMK સાથે મળીને સરકાર બનાવવામાં સફળ થાય તો TVK બળવો પોકારી શકે છે. TVKએ ચેતવણી આપી હતી કે જો DMK અને AIADMK તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો કરવાનો પ્રયાસ કરશે તો TVKના દરેક વિધાનસભ્ય રાજીનામું આપી દેશે. 

રાજ્યપાલે TVKની દલીલ ફગાવી:
TVKની દલીલ છે કે રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ. જો DMK અને AIADMK સાથે મળીને સરકાર બનાવે તો સૌથી લોકપ્રિય પાર્ટીને અવગણવામા આવશે. 

ગઈ કાલે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. આર્લેકરે TVKને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની મંજૂરી આપી ન હતી.  રાજ્યપાલે જણાવ્યું કે TVK પાસે પુરતું સંખ્યાબળ નથી. બહુમતીનો આંકડો મેળવવા માટે વિજય દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાનો પણ રાજ્યપાલે સ્વીકાર કર્યો ન હતો.