Thu Apr 30 2026

Logo

દેશના સામાજિક આર્થિક વિકાસમાં મહિલાઓ પણ અગ્રસર...

2026-03-15 09:37:00
Author: જયેશ ચિતલિયા
Article Image

 

ગયા સપ્તાહમાં ઉજવાયેલા મહિલા દિવસ પર એમનાં સન્માનની રાબેતા મુજબ વાતો થઈ. આમ છતાં એમનો મહત્ત્વનો ફાળો સ્વીકારવામાં આપણે હજુ પાછળ છીએ...હવે એ માત્ર પુરુષ સમોવડી જ નહીં, અમુક અંશે તો  એ સામાજિક અને 
આર્થિક વિકાસમાં પુરુષ વર્ગથી પણ આગળ નીકળતી ગઈ છે.

જયેશ ચિતલિયા

ભારતના વિકાસની, આર્થિક પરિવર્તનની, માળખાગત વિસ્તરણ, ઉત્પાદન વૃદ્ધિ અને ડિજિટલ જગતની વાતો અને પ્રચાર જોરશોરથી થાય છે. તાજેતરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ ત્યારે અર્થતંત્રમાં બીજા મોટા માળખાકીય પરિવર્તનનો સ્પષ્ટ સંદેશ જોવા મળ્યો. મહિલા શિક્ષણમાં વધારો, શ્રમબળમાં તેમની ભાગીદારીમાં સુધારો, નારી શક્તિની ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન અને તેમની ઊંડી નાણાકીય સૂઝનેે કારણે મહિલાઓની ઉડાન ઊંચી થઈ રહી છે. ભારતની નોકરિયાતોની દુનિયામાં કર્મચારીઓ તરીકે મહિલાઓની  હાજરી ઊડીને આંખે વળગે એવી બની છે. સુશિક્ષિત મહિલાઓ આર્થિક વિકાસને વધારવામાં ઘણો ફાળો આપે છે. આમ પરિવર્તન અને વિકાસ માટે મહિલા શિક્ષણ સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ છે. જેમ જેમ રાજ્યો અને સામાજિક જૂથોમાં ઉચ્ચ શિક્ષણની પહોંચ વિસ્તરતી જાય છે તેમ તેમ, મહિલાઓનો મોટો સમૂહ યુનિવર્સિટીઓ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સમાં ભાગ લઇને આગળ આવી રહ્યો છે. ધીમે ધીમે કુશળ અને ઔપચારિક વ્યવસાયોમાં તેમની હાજરી પણ વધી રહી છે. તેથી જ શિક્ષણ મહિલાઓની આર્થિક ભાગીદારીના પ્રથમ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ જેમ વધુ મહિલાઓ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરે છે, તેમ તેમ ભારતના લેબર ફોર્સ, ઉદ્યોગ સાહસિકો અને અનેક ઇકોસિસ્ટમ અને વ્યાવસાયિક ક્ષેત્રોને પોષણ આપતી મહિલાઓની પ્રતિભાઓનો સમૂહ વિસ્તરતો રહે છે.

‘પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો’ના એક અહેવાલ મુજબ પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદીમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે... હવે વધુને વધુ મહિલાઓ નોકરી કરવા લાગી છે. શ્રમ બજારના ડેટામાં આ વાત વધુ સારી રીતે સ્પષ્ટ    થાય છે.

 શ્રમબળમાં વધતી જતી એમની ભાગીદારી તેમજ આર્થિક કામગીરી પણ ધીમે ધીમે વિસ્તરતી હોવાનો સંકેત આપે છે. વધુ મહિલા જોબ કરવા લાગી હોવાથી ફેમિલી ઇન્કમમાં વધારો થાય છે, નાણાકીય સ્વતંત્રતા મજબૂત બનવા સાથે કારકિર્દીની તકોનો વિસ્તાર થાય છે. ઉદ્યોગ સાહસિકતા મહિલાઓની આર્થિક ભૂમિકાને વિસ્તૃત કરે છે. ઘણી સ્ત્રી માટે વ્યવસાય શરૂ કરવા માટે અર્થતંત્રમાં સૌથી સુલભ પ્રવેશ બની ગયો છે, ખાસ કરીને એવા પ્રદેશોમાં જ્યાં ઔપચારિક રોજગારની તકો ખૂબ જ મર્યાદિત હોય છે.

આ પરિવર્તનનો વ્યાપ હવે સ્પષ્ટ જોવા મળે છે. ઉદ્યોગ અને ઉદ્યોગ સહાય પ્લેટફોર્મ પર2.86 કરોડથી વધુ મહિલાઓના નેતૃત્વ હેઠળના એમએસએમઇ (માઈક્રો, મધ્યમ અને સ્મોલ એન્ટરપ્રાઈસિસ)નોંધાયા હતા, જે રિટેલ અને ફૂડ પ્રોસેસિંગથી લઈને અનેક સેવાઓ અને નાના ઉત્પાદન સુધીના ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા વ્યવસાયોને ઔપચારિક બનાવવાના ક્ષેત્રમાં તીવ્ર વધારો દર્શાવે છે.

નાણાકીય બજારોમાં મહિલાઓ

ભારતના નાણાકીય બજારોમાં પણ મહિલાઓની બાબતે આવેલું પરિવર્તન આંખે ઊડીને વળગે છે. દેશના રિટેલ રોકાણ ક્ષેત્રમાં તેજી આવી અને જે એક સમયે પુરુષ રોકાણકારોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર હતું તેમાં ધીમે ધીમે વધુને વધુ મહિલાઓ પણ પ્રવેશ કરી રહી છે. 
2025માં નેશનલ સ્ટોક એક્સચેન્જે 12 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા પાર કરી હતી, તેમાં મહિલાઓનો લગભગ 25 ટકા હિસ્સો છે. આ મોટાભાગનું પરિવર્તન ભારતીયોની રોકાણ કરવાની રીતમાં માળખાકીય ફેરફારોને કારણે શક્ય બન્યું છે. ડિજિટલ બ્રોકરેજ પ્લેટફોર્મ, એપ-આધારિત ટ્રેડિંગ અને સરળ ઓનલાઈન એકાઉન્ટ ખોલવાથી પ્રવેશ અવરોધો નોંધપાત્ર રીતે ઓછા થયા છે. ઘણા ફર્સ્ટ ટાઈમ રોકાણકારો માટે ઇક્વિટીમાં પ્રવેશ હવે સ્માર્ટફોનથી પણ શરૂ થાય છે.

ઐતિહાસિક રીતે પરિવારના પુરુષ સભ્યો દ્વારા કરાતા રોકાણના નિર્ણયો હવે મહિલાઓ દ્વારા સ્વતંત્ર રીતે લેવામાં આવી રહ્યા છે. નોકરી કરતી તેમ જ પોતાનો વ્યવસાય કરતી મહિલાઓ આ નિર્ણય પોતે લેતી થઈ છે અને આ માટે તે અભ્યાસ પણ વધારી રહી છે, 
મહિલાઓના પાયાના સ્વભાવ મુજબ તે આડેધડ જોખમ લેવાથી દૂર રહે છે- તે સાવચેતીનો અભિગમ વધુ રાખે છે, જેને કારણે તે  સ્માર્ટ ઈન્વેસ્ટર્સ બની રહી છે.  જેમ જેમ વધુ મહિલાઓ પોતાની બચત, ઇક્વિટી અને નાણાકીય સાધનોમાં કરવાનું શરૂ કરે છે તેમ તેમ ભારતનો વિસ્તરતો રિટેલ રોકાણકાર બેઝ ધીમે ધીમે વધુ સંતુલિત બની સ્ત્રીઓને આગળ જવાની તક આપે છે.

ભારતમાં સૌથી વધુ મહિલા રોકાણકારો ધરાવતાં રાજ્યોની વાત કરીએ તો ચંદીગઢ 32.3, દિલ્હી 30.5,
સિક્કીમ 31.2, ગુજરાત 28.2, મિઝોરમ 32.4, મહારાષ્ટ્ર 32.8, તેલંગાણા 25.4, ગોવા 30.6 અને તામિલનાડુ 28.4 ટકા જેટલું મહિલા રોકાકારોનું કુલ રોકાણકારોમાં પ્રમાણ દર્શાવે છે.

હજુ પણ મર્યાદાઓ ખરી...

આગામી પડકાર મહિલાઓની ભાગીદારીનો નથી, પરંતુ બદલાવને ટકાવી રાખવાનો છે. જેમ જેમ વધુ મહિલાઓ શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને રોજગાર ક્ષેત્રે પ્રવેશ કરે છે, તેમ તેમ માળખાકીય અવરોધો આ પરિવર્તન કેટલું દૂર અને કેટલું ઝડપી થઈ શકે છે તે માટેની રૂપરેખા તૈયાર કરે છે. એક મુખ્ય અવરોધ છે પગાર   વગરના કાર્યનો અસમાન બોજ. સ્ત્રીઓ દરરોજ લગભગ 363 મિનિટ પગાર વગરના ઘરકામમાં વિતાવે છે,  જે પુરુષો દ્વારા વિતાવેલા 123 મિનિટ કરતાં લગભગ ત્રણ ગણો વધુ છે. આ અસંતુલન શ્રમ બજારમાં સ્ત્રીઓની ભાગીદારીને સીધી અસર કરે છે. બાળકો-પરિવારની જવાબદારીઓ, કાર્યસ્થળે મર્યાદિત બાળ સંભાળ માળખાકીય સુવિધાઓ, ઓફિસ-ફેક્ટરીઓમાં સલામતીની ચિંતાઓ અને કઠોર કાર્ય વ્યવસ્થા ઘણીવાર સ્ત્રીઓ માટે પડકાર પણ બને છે. 

જોકે વરસો પૂર્વે જેની કલ્પના પણ કઠિન હતી એવા ઘણાં ક્ષેત્રોમાં મહિલાઓની હાજરી અને સિદ્ધિ વિશ્વભરમાં નોંધ લેવાય એવી બની છે. 

ભારત સ્પષ્ટ રોડમેપ સાથે વધુ મહિલા આર્થિક ભાગીદારી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ચોકકસ માની શકાય કે આગામી સમયમાં મહિલા વર્ગ સમગ્ર સમાજ અને અર્થતંત્ર પર બહુ મહત્ત્વની મોટી અસર ઊભી કરશે.