SIP (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) એક એવી રોકાણ યોજના છે, જેના વિશે તમામ રોકાણકારો વાકેફ છે. ઘેર-ઘેર SIP ફેલાતા રહ્યા છે અને બચતના એક ઉત્તમ માર્ગ તરીકે સ્વીકાર્ય બનતા ગયા છે. જોકે હાલના યુદ્ધ અને માર્કેટનાં કડાકામાં SIaP ધારકોમાં ભય અને નિરાશા વધી રહ્યા છે, જયારે કે આ સમયમાં SIP બંધ કરવાનો નહીં, વધારવાનો અને નવી શરૂ કરવાનો વિચાર કરવા જેવો છે. એ શા માટે સમજીએ
ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડ - જયેશ ચિતલિયા
હાલમાં રોકાણકાર વર્ગમાં સૌથી વધુ ચિંતા પોતાના રોકાણની ઘટી રહેલી વેલ્યૂ વિશે છે, જે સહજ છે. લગભગ તમામ રોકાણકારના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમુકના તો બે-બે વરસના પ્રોફિટ ધોવાઈ ગયા છે. યુદ્ધના માહોલમાં છેલ્લા એકાદ મહિનાથી બજારમાં જે રીતે કડાકો બોલ્યો છે તેમાં ભલભલાના ઈન્વેસ્ટમેન્ટ ડાઉન થતા ગયા છે. આ રોકાણકારોએ શૅરબજારમાં તો નાણાં ખોયા જ છે આ સાથે મ્યુચ્યુઅલ ફંડસના રોકાણકારો પણ દુ:ખી અને નિરાશ થયા છે, જે એકંદરે નાના-મધ્યમ કદના રોકાણકારો છે, જેમને જોખમ લેવામાં રસ નથી અને શક્તિ પણ નથી. તેમને હવે એવી લાગણી થઈ રહી છે કે મ્યુચ્યુઅલ ફંડમાંનો તેમનો પોર્ટફોલિયો પણ ધોવાયો છે, જેથી આવા અનેક રોકાણકારો SIP બંધ કરી રહ્યા છે અથવા નવી શરૂ કરતા નથી, અથવા જે છે તેમાંથી નાણાં ખેંચવા લાગ્યા છે, એક જ ભયથી કે તેમની વેલ્યૂ ઘટતી જશે.
બીજી તરફ આંકડાઓ શું કહે છે?
એક મહત્ત્વની વાત અહી નોંધવી જોઈશે કે અત્યારના સમયમાં શોર્ટ ટર્મ SIPનું વળતર માઈનસ અથવા સાવ નજીવું આવ્યું છે, જેમણે બે વરસ પહેલાં માત્ર વરસ-બે વરસ માટે એમાં રોકાણ કર્યુ હતું, તેમના રોકાણનું વળતર નેગેટિવ આવ્યું છે. એક અભ્યાસ આધારિત આંકડા મુજબ ફલેકસી કેપ ફંડે બે વરસના સમયગાળાના SIPમાં વળતરનો દર 13 ટકા જેટલું, મિડકેપ ફંડમાં 10 ટકા અને સ્મોલ કેપમાં 15 ટકા વળતર ઘટ્યું છે. જોકે મજાની વાત એ છે કે ત્રણ વરસના SIPમાં વળતર નેગેટિવ થયું નથી, બલકે સાધાારણ તો સાધારણ વધ્યું છે. આનો અર્થ એ જ થાય કે રોકાણનો સમયગાળો જેટલો લાંબો તેટલા નેગેટિવ વળતરના ચાન્સ ઓછાં અને પોઝિટિવ વળતરના ચાન્સ વધુ.
અહીં વધુ એકવાર યાદ કરી લેવું જોઈએ કે SIPનો સિદ્ધાંત યા ગુણધર્મ શું છે?
માર્કેટની મંદીમાં SIPમાં યુનિટની સંખ્યા વધે છે, કારણ કે વેલ્યૂ નીચે ગઈ હોય, જયારે તેજીમાં વેલ્યુ વધી હોવાથી યુનિટસની સંખ્યા ઘટે, પણ સામે મૂલ્ય વધ્યું હોય છે. તેથી જ SIP વિન-વિન સ્કિમ કે પ્લાન કહે છે.
રિટાયરમેન્ટ પ્લાન કરો
એક હકીકત કે સત્ય સમજી લેવું અને સતત યાદ રાખવું આવશ્યક છે કે SIP રોકાણ લાંબા ગાળાનું જ હોવું જોઈએ - આ રોકાણ નિવૃત્તિ માટે થવું જોઈએ અથવા લાંબા ગાળાના કોઈ લક્ષ્ય-ધ્યેય માટે થવું જોઈએ. બજાર ટૂંકાગાળામાં આ માર્ગે સાં વળતર આપે એવું ઓછું બને છે. ખરેખર તો SIPનું લક્ષ્ય લાંબે ગાળે તેને એસડબલ્યુપી (સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન)માં ફેરવવાનું હોવું જોઈએ અર્થાત્ રિટાયરમેન્ટ ભંડોળ તરીકે હોવું જોઈએ. ઈન્વેસ્ટર્સ વર્ગને સવાલ થઈ શકે કે SIP મિનિમમ કેટલાં વરસ માટે કરવા જોઈએ? એનો જવાબ છે SIP મિનિમમ સાત વરસ અથવા દસ વરસ માટે તો હોવા જ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો SIP એ રોકાણનું એવું બીજ છે, જેને સતત ખાતર અને પાણી આપતા રહેવાથી તે ખીલે છે, વૃક્ષ બને છે અને ફળ આપે છે. અધવચ્ચે તેના ઉપાડથી અગાઉ કરેલી વાવેતરની મહેનત પર પાણી ફરી જઈ શકે છે. ફૂલ-ફળ મળી શકે નહીં અથવા કાચા મળે એવું બની શકે.
કાયમી કંઇ નથી હોતું...
બાય ધ વે, વર્તમાન સંજોગો પર પાછાં ફરીએ...શૅરબજારના બેન્ચમાર્ક ઈન્ડેકસ નોંધપાત્ર તૂટીને સતત નીચે ઊતરી રહ્યા છે. લગભગ દરેક સ્ટોકસના ભાવ નવી-નવી નીચલી સપાટીએ જઈ રહ્યા છે.
સ્ટોકસના કે માર્કેટનાં બોટમ કોઈ જાણી શકતું નથી. સમય-સંજોગનીઅનિશ્ચિંતતાનો અંદાજ આપવાનું પણ મુશ્કેલ બનાવી રહ્યા છે, આ સમયમાં માત્ર અને માત્ર ધીરજ જ કામ આવી શકે. અન્ય કરકસર કરીને પણ SIPને ચાલુ રાખવામાં લાંબે ગાળે લાભ રહેશે અને હા, જેમણે હજી સુધી SIPમાં રોકાણ કર્યુ જ નથી, તેમણે તો અત્યારે આ માર્ગે રોકાણ શરૂ કરી દેવું જોઈએ, કોવિડમાં તૂટેલા માર્કેટ અને પછી આસાધારણ વધી ગયેલા માર્કેટને યાદ કરો. એ સમયે બજારમાં પ્રવેશેલા રોકાણકારોએ અસાધારણ વળતર-વૃદ્ધિ પ્રાપ્ત કર્યા હતા.
આ યુદ્ધના સમય બાદ પરિસ્થિતિ બદલાશે અને બજાર ટર્ન લેશે ત્યારે શું થશે એ સમજવા માટે બજારના નિષ્ણાત હોવું જરૂરી નથી. સામાન્ય બુદ્ધિ અને વિવેકથી આ સમજી શકાય છે. આખા જગતની અર્થવ્યવસ્થા હાલ દાવ પર છે, જે બહુ મોટો પડકાર છે એ સાચું અને આની વિપરિત અસર ચાલુ છે, પણ કંઈ કાયમી હોતું નથી.
સમયના વહેણમાં બદલાવ-પરિવર્તન આવે જ છે. વર્તમાન સમયને તક ગણી શકાય. આવી તક વારંવાર મળતી નથી. જોકે આવા સમયમાં આડેધડ રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને સમજાય નહીં તો યોગ્ય-અધિકૃત સલાહકારની સલાહ લઈ આગળ વધવું જોઈએ.
અલબત્ત, SIP પાસે પણ બહુ વધુ પડતી આશા રાખવી યોગ્ય નહી રહે. એ સરેરાશ 12 ટકા વળતર મળશે એમ સમજીને ચાલવું સલાહભર્યુડ્ઢ રહેશે. બાકી આ રોકાણ લાંબાગાળાના ધ્યેય અથવા નિવૃત્તિના આયોજન રૂપે સમજીને ચાલવાનો સિદ્ધાંત માનીએ તો SIP સહી હૈ.