Thu Sep 03 2026

Logo

ભારતમાં દારૂ માપવાના 'માપદંડ' કેમ અલગ છે, 'ફુલ'-'હાફ' કેમ કહેવાય છે?

2026-08-24 16:50:37
Author: Mumbai Samachar Team
ભારતમાં દારૂ માપવાના 'માપદંડ' કેમ અલગ છે, 'ફુલ'-'હાફ' કેમ કહેવાય છે?

ભારતમાં દેશી અને વિદેશી દારુની બોલબાલા છે. પ્રતિબંધવાળા રાજ્યમાં ચોરીછુપે દારુ પીવાય છે, જ્યારે પ્રતિબંધ વિનાના રાજ્યોમાં દારુ પીવાની ફેશન બની ગઈ છે. દારૂ વાસ્તવમાં લિક્વિડ-પ્રવાહી છે. પ્રવાહીને લિટર કે મિલિલીટરમાં માપવામાં આવે છે. પ્રવાહીને માપવા માટેનું આ જ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. એના હિસાબથી 1000 મિલીલીટર એટલે કે એક લિટર એક ફુલ યુનિટ થયું અને તેનો અડધો એટલે 'હાફ' થયો, પરંતુ દારૂના મામલામાં હિસાબ-કિતાબ થોડો અલગ છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો અહીંયા દારૂની ફુલ, હાફ અને ક્વાર્ટર બોટલના સમગ્ર માપદંડ બદલાય જાય છે. 

કાયદેસર રીતે 1000 એમએલનું એક ફુલ યુનિટ હોવું જોઈએ અને હાફ 500 એમએલનું હોવું જોઈએ, પરંતુ ભારતમાં દારૂની ફુલ બોટલ એટલે કે એક યુનિટ 1000 એમએલ કે એક લિટરની હોતી નથી. અહીંયા એક ફુલ બોટલ 750 એમએલની હોય છે. એવી રીતે 375 એમએલવાળી બોટલ 'હાફ' કહેવાય છે. હિન્દીમાં તેને ખંભા, આધા અને પૌવ્વા પણ કહેવાય છે.

આમ છતાં સૌથી મોટો સવાલ એ છે કે દારૂના મામલામાં તેને માપવાના ધોરણો કેમ બદલાઇ જાય છે. દારૂની બોટલ 1000 એમએલ, 500 એમએલ અને 250 એમએલની કેમ હોતી નથી. આ સવાલનો જવાબ વિશ્વભરમાં દારૂ પીરસનારા ઇન્ટરનેશનલ યુનિટમાં છુપાયેલો છે. સમગ્ર દુનિયામાં ઔંસના હિસાબથી દારૂ પીરસવામાં આવે છે. એક ઔંસમાં અંદાજે 29 એમએલ હોય છે, જે 30 એમએલ નજીક છે. 

ભારતમાં દારૂ પીવા અને પીવડાવનારાઓની સંસ્કૃતિ પર પણ અંગ્રેજોનો ઘણો પ્રભાવ જોવા મળે છે, કારણ કે અંગ્રેજો એક ઔંસ એટલે કે આશરે 30 એમએલનું સ્મોલ પેગ યુઝ કરતા હતા. આ રીતે 60 અને 90 એમએલનું લાર્જ પેગ હોતું હતું. 

આ પેગના હિસાબથી જ દારૂની બોટલ પણ બનાવવામાં આવી હતી. 30 અને 60 એમએલના મલ્ટિપલના હિસાબથી 3 લાર્જ પેગ એટલે કે 180 એમએલની ક્વાર્ટર, 6 લાર્જ પેગ મળીને એક હાફ અને 12 લાર્જ અને એક સ્મોલ પેગ મળીને એક ફુલ બન્યો હતો. આ રીતે બ્રિટન અને ભારતમાં દારૂની ફુલ બોટલનો અર્થ 1000 એમએલ નહીં, પરંતુ ફક્ત 750 એમએલ એવો થાય છે.