Wed Jun 10 2026

Logo

iPhone યુઝર્સની વર્ષો જૂની રાહનો અંત! હવે એક જ WhatsApp એપમાં ચાલશે બે અલગ-અલગ એકાઉન્ટ, ઓન કરી લો આ સેટિંગ...

2026-06-10 16:44:27
Author: Darshana Visaria
Article Image

આઈફોન યુઝર્સ માટે વોટ્સએપનું આ મોટું ફીચર ખરેખર ગેમ-ચેન્જર સાબિત થશે. હવે એક જ એપમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને એકાઉન્ટ ઓપરેટ કરી શકાશે. જો તમે આઇફોન યુઝર છો અને પર્સનલ તથા ઓફિસના કામ માટે બે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરો છો, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ તમારા માટે એક શાનદાર ભેટ લઈને આવ્યું છે. ચાલો જાણીએ શું છે આ કામનું ફીચર અને તમે કઈ રીતે એનો લાભ ઉઠાવી શકો છો...

આઇફોન યુઝર્સ જે સુવિધાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગઈ છે. હવે તમે તમારા આઇફોનમાં એક જ ઓફિશિયલ વોટ્સએપ એપની અંદર બે અલગ-અલગ એકાઉન્ટ ચલાવી શકશો. આ માટે હવે તમારે કોઈ અન્ય ફોન રાખવાની કે વ્હોટ્સએપ બિઝનેસ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની પર્સનલ લાઈફ અને ઓફિસના કામકાજને અલગ રાખવા માટે બે અલગ મોબાઈલ નંબર રાખે છે. એન્ડ્રોઇડ યુઝર્સને આ સુવિધા ઘણા સમય પહેલાં મળી ગઈ હતી, પરંતુ આઇફોનમાં આ સુવિધા ન હોવાથી યુઝર્સ મુશ્કેલી અનુભવતા હતા. આ નવા અપડેટ બાદ હવે તમે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર એક જ એપમાં બંને એકાઉન્ટ મેનેજ કરી શકશો અને સરળતાથી એકથી બીજા એકાઉન્ટમાં 'સ્વિચ' કરી શકશો.

બંને એકાઉન્ટની સેટિંગ્સ અને ચેટ્સ રહેશે સંપૂર્ણ અલગ
વોટ્સએપે આ ફીચરને ખૂબ જ સ્માર્ટલી ડિઝાઇન કર્યું છે. એક જ એપમાં હોવા છતાં, બંને એકાઉન્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરશે. બંને નંબરની ચેટ હિસ્ટ્રી એકબીજામાં મિક્સ નહીં થાય. બંને એકાઉન્ટના નોટિફિકેશન, પ્રાઇવેસી સેટિંગ્સ અને પ્રોફાઇલ પિક્ચર અલગ રાખી શકાશે. યુઝર્સ ઈચ્છે તો ઓફિસ અને પર્સનલ એકાઉન્ટ માટે અલગ-અલગ નોટિફિકેશન ટોન સેટ કરી શકે છે, જેથી મેસેજ કયા નંબર પર આવ્યો છે તે તરત જ ખબર પડી જશે.

આઈફોનમાં આ નવું એકાઉન્ટ કેવી રીતે એડ કરવું?
⦁    બીજું એકાઉન્ટ જોડવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો:
⦁    સૌથી પહેલાં તમારા આઇફોનમાં વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ.
⦁    તમારા પ્રોફાઈલ નામની બાજુમાં દેખાતા એરો આઇકોન પર ટેપ કરો.
⦁    ત્યાં તમને એડ એકાઉન્ટનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
⦁    હવે તમારા બીજા નંબરની ડિટેઈલ્સ નાખો અને સ્ક્રીન પર આપેલી ઈન્સ્ટ્રક્શન મુજબ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરો.

જોકે, આ ફીચરનો લાભ લેવા માટે તમારી પાસે બીજો એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે, જે તમારા આઇફોનમાં ફિઝિકલ સિમ કે પછી ઈ-સિમ તરીકે ચાલુ હોવો જોઈએ. હાલમાં આ અપડેટ ધીમે-ધીમે વૈશ્વિક સ્તરે તમામ આઇફોન યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો તમારા ફોનમાં આ ઓપ્શન ન દેખાતો હોય, તો એપ સ્ટોર પર જઈને વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરી લો.