Tue Oct 06 2026

Logo

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીના સહાયકની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ

2026-05-18 19:31:22
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીના સહાયકની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ

મુઝફ્ફરનગર : પશ્ચિમ બંગાળમાં 6 મેના રોજ સીએમ સુવેન્દુ અધિકારીના અંગત સહાયક  ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇને મોટી સફળતા મળી છે. સીબીઆઇએ આ હત્યાના મુખ્ય આરોપી રાજકુમારને હરિદ્વારથી પરત ફરતી વખતે મુઝફ્ફરનગરથી ધરપકડ કરી છે. છપાર વિસ્તારમાં ટોલ પ્લાઝા નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે સીજેએમ કોર્ટ પહોંચી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક  ચંદ્રનાથ રથની 6 મેના રોજ ઉત્તર 24 પરગણાના મધ્યમગ્રામમાં હુમલાખોરોએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી હતી. 

પોલીસની મદદથી આરોપી રાજકુમારની ધરપકડ 

આ હત્યા બાદ સીબીઆઈ તપાસમાં  બલિયાના રતોપુરના રહેવાસી રાજકુમાર સિંહનું નામ સામે આવ્યું હતું. રાજકુમાર સોમવારે વહેલી સવારે હરિદ્વારથી પોતાના પરિવાર સાથે પરત ફરી રહ્યો હતો. મુઝફ્ફરનગર સ્થિત ટોલ પ્લાઝા પર સીબીઆઈની એક ટીમ પહેલેથી જ તૈનાત હતી. ત્યારબાદ છપાર પોલીસની મદદથી આરોપી રાજકુમારની ધરપકડ કરવામાં આવી.

ધરપકડથી કેસમાં નવા ખુલાસા થવાની અપેક્ષા 

સીબીઆઇએ આરોપીની ધરપકડ બાદ  પૂછપરછ કરી હતી. જેના લીધે હત્યાના તાર જોડાતા હોય તેવું લાગી રહ્યું છે.   સીબીઆઈના તપાસ અધિકારી રાજેશ કુમાર આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ હાઇ-પ્રોફાઇલ હત્યા કેસ  ચર્ચામાં આવ્યો હતો. સીબીઆઇ આ  કેસના અન્ય પાસાઓ ઉજાગર કરવા અને સંભવિત કાવતરાખોરોને ઓળખવા માટે પ્રયાસ કરી રહી છે. આ ધરપકડથી આ કેસમાં નવા ખુલાસા થવાની અપેક્ષા છે.