Mon Oct 05 2026

Logo

વિનોદ કાંબળી હવે વૃદ્ધાશ્રમમાં રહે છે?

Tehran   2026-09-26 18:12:44
Author: Ajay Motiwala
વિનોદ કાંબળી હવે વૃદ્ધાશ્રમમાં રહે છે?

થાણેઃ એક સમયે ભારતના ટોચના બૅટ્સમેનોમાં ગણાતો અને સચિન તેન્ડુલકરનો ખાસ મિત્ર વિનોદ કાંબળી થાણેના એક વૃદ્ધાશ્રમ (Aged Home)માં રહે છે એવો અહેવાલ ચર્ચાસ્પદ થયો છે. તે વૃદ્ધાશ્રમમાં પલંગ પર બેસીને ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોય એવો વીડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.

એક અહેવાલ અનુસાર કાંબળી (Kambli)ના મિત્ર અને પ્રથમ કક્ષાની ક્રિકેટના ભૂતપૂર્વ અમ્પાયર માર્કસ કૉઉટોએ એક મુલાકાતમાં કાંબળીના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી હતી. તેમના જણાવ્યા મુજબ કાંબળી મગજમાં લોહીનો ગઠ્ઠો જામ્યા બાદ યાદશક્તિને લગતી બીમારીથી પીડાય છે, તેને બહુ ઓછું યાદ રહે છે. અમુક વાતો તે યાદ રાખી શકે છે, પણ પછી ભૂલી જાય છે.

તે વૃદ્ધાશ્રમમાં રહે છે એ જાણીને તેના અનેક ચાહકોને તેના સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા થઈ રહી છે. કાંબળીએ દારૂ પીવાનું બંધ કરી દીધું છે, પરંતુ ક્યારેક સ્મોકિંગ કરે છે એવું એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે. જોકે ડૉક્ટરે તેને બે્રઇન સ્ટ્રૉકની સંભાવના બતાવીને સ્મોકિંગ સદંતર બંધ કરી દેવાની અગાઉ જ સલાહ આપી હતી.

કાંબળીએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વૃદ્ધાશ્રમ ખાતેની સુવિધાઓ તથા સ્વાસ્થ્ય સંબંધી સગવડો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેને આ વૃદ્ધાશ્રમમાં ઘરમાં રહ્યા જેવો જ આનંદ આવે છે અને તેની બહુ સારી કાળજી રાખવામાં આવે છે. જોકે પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે કાંબળીના સ્વાસ્થ્ય વિશેના અહેવાલોને નકારતા એક જાણીતી વેબસાઇટને જણાવ્યું છે કે `ઈશ્વરની કૃપાથી વિનોદની તબિયત સારી છે. કોણ જાણે તેના સ્વાસ્થ્ય બાબતમાં કોણ અફવા ફેલાવી રહ્યું છે.'

ભારતનો ભૂતપૂર્વ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન કાંબળી 54 વર્ષનો છે. તે 1991થી 2000ની સાલ સુધી ભારત વતી રમ્યો હતો. તે 17 ટેસ્ટ અને 104 વન-ડે રમ્યો હતો. ટેસ્ટમાં તેણે ચાર સદી સહિત 54.20ની સરેરાશે કુલ 1,084 રન બનાવ્યા હતા જેમાં 227 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. વન-ડે ક્રિકેટમાં તેણે બે સેન્ચુરી સહિત કુલ 2,477 રન બનાવ્યા હતા.