રણછોડે કોથળો ખોલીને અંદર જોયું. આટલાં બધાં હથિયારો. એના હાથમાંથી કોથળો છૂટી ગયો...
- અનિલ રાવલ
‘આ રાઘવ કોણ છે...? આ રાધા કોણ છે...?’ ગાયોની ગમાણ, છાણવાસીદું અને વલોણાંથી આગળની કોઈ દુનિયા નહીં જોનારા રણછોડને બિલ્લી, સામાન અને ગન જેવા રાઘવના શબ્દોએ વિચારોના ઊંડા કૂવામાં ધકેલી દીધો હતો. અને એ પહેલાં રાધાએ બાબુજી પછી હવે તારા પર ખતરો હોવાની વાત કરીને એને ડરાવી દીધો હતો. આટલું ઓછું હોય એમ હવે રાઘવે એને ગન આપવાની વાત કરી. રાઘવ ગન આપે તો લઈ લઈશ... સલામતી માટે કામ આવશે... અને જો રાઘવ મને મારી નાખવા આવે તો એને જ ખતમ કરવા પણ કામ લાગશે. રણછોડે જીવ બચાવવાને વાસ્તે આટલું વિચાર્યું.
‘રણછોડ, ક્યા સોચ રહે હો?’ રાઘવે રણછોડના ખભા હચમચાવતાં પૂછ્યું.
‘ગન... ગન કે બારે મેં સોચું કી ગન હોતી કેસી હે,’ રાઘવે મોતનો સામાન ક્યાં છૂપાવ્યો હશે એ જાણવાના ઇરાદે તીર છોડ્યું.
‘ટેમ આણે દે બચ્ચુ....તુઝે ગન ભી દિખા દુંગા.’ રાઘવે એના ગાલે ટપલી મારતાં કહ્યું.
‘રાઘવ ભૈયા, આજ આપ જલદી આ ગયે હો તો મૈં બાઇક લે કર જાતા હું... બાજાર મેં એક ચક્કર લગા કર આતા હું... બસ, યું ગયો ઔર યું આયો.’ રણછોડ ઉઠ્યો.
‘રણછોડે, લગતા હૈ કોઈ લડકી કા ચક્કર હૈ...’ રણછોડના મનમાં અડધે રસ્તે રાહ જોતી રાધાનો વિચાર ભમી રહ્યો હતો.
‘જા ઐશ કર...’ રાઘવનું વાક્ય પૂરું થાય તે પહેલાં રણછોડે બાઇકને કિક મારી...
***
રાધા રસ્તે ચાલતા વિચારતી હતી કે રાઘવ ધાર્યા કરતાં વહેલો કેમ આવી ગયો હશે. શું એને મારા આવવાની જાણ થઈ ગઈ કે રણછોડને ખતમ કરવાના ઇરાદે પહેલો આવ્યો હશે. રણછોડ હજી સુધી આવ્યો કેમ નહીં... ક્યાંક રાઘવે એને બાબુજીની જેમ... ઓહ, મેં મોટી ભૂલ કરી નાખી... મારે ત્યાં જ કશે છૂપાઇ જવાની જરૂર હતી. પાછા જવાના વિચાર સાથે એના પગ થંભી ગયા. એ ચાર રસ્તાથી થોડે દૂર જઈને ઊભી રહી ગઈ. અચાનક એને હૉર્નનો અવાજ સંભળાયો. રણછોડે એના પગ પાસે બાઇક ઊભું રાખતાં કહ્યુ: ‘જલદી સે બૈઠ જાઓ.’ રાધા પાછળ બેઠી. રણછોડ અને રાધા બંને પોતપોતાના વિચારોમાં હતાં. બેજલમેડ ગામ આવતાં પહેલાં રણછોડે અચાનક બ્રેક મારી.
‘યહાં સે સીધા રાસ્તા ધરમશાળા જાતા હૈ...’ રાધા ઊતરી.
‘મૅડમજી, યે બતાઓ આપ અસ્સ્લ મેં હો કોણ...?’ રણછોડે મનમાં વલોવાતો સવાલ ફરી કર્યો.
‘ટાઇમ આને દે... સબ પતા ચલ જાયેગા... તૂઝે કહા વો કામ કર... તેરે લિયે... મેરે લિયે... અપને લિયે...’
‘મોત કા સમાન મિલ જાણો હે... ઢૂંઢણે કા કામ મેરા,’ રણછોડ બોલ્યો.
‘સૂન, યે બાત હોમદોનોં કે બીચ મેં રહેગી...’ રાધા બોલીને બેજલમેડ ગામ તરફ ચાલતી થઈ ગઈ. રણછોડ ક્યાંય સુધી એને જતા જાઈ રહ્યો.
***
રાધા ધરમશાળામાં પહોંચી. જગદીશ કાઉન્ટર પર જ હતો.
‘ક્યાં હતાં આટલો વખત.? પુરોહિત તમને શોધે છે...’ જગદીશે કહ્યું.
‘શું કહ્યું એણે...?’ રાધાએ પૂછ્યું.
‘કાંઈ બોલ્યો નથી, પણ એના અવાજ પરથી લાગ્યું કાંઈક અર્જન્ટ હશે.’
રાધા ઝડપથી રૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને પુરોહિતને કૉલ કર્યો.
‘હેલો...’
‘સાંભળો, આમ ફોન પર વાત નહીં થાય...ચાની ટપરી પર આવો...’ પુરોહિત બોલ્યો.
‘ના, આપણે મળવું નથી... ચા પીવાને બહાને પણ નહીં... તમે લખીને દાનપેટીમાં નાખી દો....’ રાધાએ કહ્યું.
‘ભલે... શંકર શંભો... શંકર શંભો... શંકર શંભો.’ એણે શંકર શબ્દ પર ભાર મુક્યો. ફોન કટ થયો.
***
‘દેખો તુમ્હારા બહાર નીકલના ખતરોં સે ખાલી નહીં હૈ... બહેતર હૈ તુમ રૂમમેં હી રહો... કૂછ બુક્સ રખી હૈ... પઢતે રહો... ટાઇમ પાસ કરો... જબતક અગલા ઑર્ડર ન મિલે,’ રહેમત અલીએ અજમલને કહ્યું.
‘સમંદર ખાન સે મેરી બાત કરાઓ,’ અજમલે કહ્યું.
‘ઉસકા ફોન આયેગા તો ઝરૂર બાત કરાઉંગા... લેકિન તૂ યહાં સે બાહર નહીં જાયેગા,’ રહેમત અલીએ કહ્યું.
‘મુઝે બાહર જાના હોગા... મુઝે કિસી કો ઢૂંઢના હૈ...’ અજમલ બોલ્યો
‘કિસકો ઢૂંઢના હૈ?’ રહેમતે પૂછ્યું.
‘ઇન્ટેલિજન્સ બ્યુરો કી એજન્ટ મિત્સુ આનંદ કો...’ અજમલે કહ્યું.
‘જાનતા હું... વોહી મિત્સુ આનંદ જિસને હમારે સ્લીપર સેલ કા પર્દાફાશ કરવા કે હમારે લોગોં કો પકડવાયા થા... મુઝે પતા ચલા હૈ કી ઉસ ઑપરેશન કે બાદ ઉસકી જાન કો ખતરા થા ઇસલિયે આઇબીને ઉસે કોઇ મહેફૂઝ જગહ ભેજ દિયા હૈ...’
‘નહીં મૈં નહીં માનતા ઇસ બાતકો...કોઈ તો બડા રાઝ હૈ... વો ખતરોં સે ડરનેવાલી નહીં હૈ. રહેમતભાઈ, ઉસકા ઝીંદા રહેના.... મતલબ મેરી જાન કો ખતરા હૈ...’ અજમલે કહ્યું.
‘ફિલહાલ તૂં યહાં મહેફૂઝ હૈ...’ રહેમત અલી કહીને જતો રહ્યો.
*************************
બીજે દિવસે રાઘવ મંદિરે જવા નીકળ્યો કે તરત જ રણછોડ શસ્ત્રો શોધવાના કામે લાગી ગયો. એણે પાછળ આવેલા બાબુજીના નાનકડા ખેતરમાં શોધખોળ શરૂ કરી... પંપ રૂમમાં ગયો. કાંઈ મળ્યું નહીં. ઘાંસ ખડકેલા રૂમમાં જઈને નજર કરી... છત સુધી નજર ફેરવી. આટલી બધી ઘાસની ગંજીઓ ઊથલાવવામાં સમય લાગી જશે ને ત્યાં સુધીમાં જો રાઘવ આવી ગયો તો મને ગોળીએ દઈ દેશે. એને બીજી તરફ રાધાએ કહેલી વાત યાદ આવી ગઇ. મારે જીવ બચાવવો હોય તો જોખમ તો લેવું જ પડે. એણે શસ્ત્રો શોધવાનું શરૂ કર્યું. ઘાંસની ગંજીઓ એક તરફ ફેંકવા લાગ્યો. એકી શ્ર્વાસે મચી પડ્યો. પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ અટક્યો નહીં. અચાનક એને ઘાંસની ગંજી હેઠળ એક કોથળો દેખાયો. એણે કોથળાનું મોં ખોલીને અંદર જોયું. એ ભયથી થથરી ઊઠ્યો...આટલાં બધા હથિયારો. એકે 47 રાયફલો, રિવોલ્વરો, હૅન્ડગ્રેનેડ... એના હાથમાંથી કોથળો છૂટી ગયો... એ બે ડગલાં પાછળ ખસી ગયો. અચાનક બાઇકનો અવાજ આવ્યો. રાઘવ જોશે એવો મને ગોળીએ દઈ દેશે. એણે ફટાફટ કોથળાની આસપાસ ઘાંસની ગંજીઓ ગોઠવવાની શરૂઆત કરી... જેમ જેમ બાઇકનો અવાજ નજીક આવતો ગયો તેમ તેમ એની ઝડપ વધવા લાગી... એના ધબકારા વધી ગયા... એ હાંફી રહ્યો હતો.
‘રણછોડે....’ બહારથી રાઘવની બૂમ સંભળાઈ. ઘાંસની ગંજીઓથી કોથળો ઢંકાઈ ગયો, પણ કેટલીય ગંજીઓ રણછોડના કારનામાની ચાડી ખાતી આમતેમ પડી હતી. રણછોડનું મોં સૂકાઈ ગયું હતું... જીભ થોથવાઈ રહી હતી. એનામાં બોલવાની તાકાત નહતી.
‘રણછોડ... તૂં યહાં ક્યા કર રહા હૈ... ઔર યે સબ ક્યા હૈ?’ રૂમમાં ધસી આવેલા રાઘવે આસપાસ જોતાં પૂછ્યું.
‘સા...પ. સાપ ઘૂસ આયા હૈ... ઉસે પકડને કી કોશિશ કર રહા હું...’ રણછોડે સાપ પકડવાનો સાણસો બતાવતાં કહ્યું.
‘અરે રણછોડ, સાપ જેસે ઘૂસ આયા હૈ વેસે હી ચલા જાયેગા. તૂ બહાર ચલ...’ રાઘવ એને બહાર લઈ ગયો.
‘તૂને કૂછ દેખા...? મેરા મતલબ હૈ... તૂને સાપ કો દેખા...?’ એણે પાણીનો લોટો રણછોડને આપતાં પૂછ્યું
‘હાં...દેખા,’ રણછોડની આંખ સામે શસ્ત્રો તરવરતાં હતાં.
***
પુરોહિત રાત પડવાની રાહ જોતો હતો... રાધા રણછોડની રાહ જોતી હતી... રાઘવે શસ્ત્રો છૂપાવ્યા હોવાની રાધાને ગળા સુધીની ખાતરી હતી અને એની તપાસ રણછોડ જ કરી શકે એમ હતો. બીજી તરફ રાધાને પુરોહિતના પ્રોફાઇલની ઇન્તેજારી હતી. કોનો પ્રોફાઇલ પુરોહિતે તૈયાર કર્યો હશે. રાધાથી હવે વધુ રાહ જોવાય એમ નહતી. નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરે છુટ્ટો દોર આપી દીધા પછી રાઘવના કેસમાં ઢીલ પોસાય એમ નહતી. રાતે પુરોહિત મંદિરની દાનપેટીમાં ચિઠ્ઠી મૂકે અને પોતે ત્યાં જઈને ચિઠ્ઠી લઈ લે તે પહેલાં રાઘવનો ખેલ ખતમ કરવાનો એણે નિર્ણય લઈ લીધો.
‘જગદીશ, તારી સ્કૂટીની ચાવી આપ...’ એણે કહ્યું. જગદીશે ચાવી આપી, પણ એની આંખોમાં સવાલ હતો. રાધાએ નીચે ઊતરતાં મોં પર બુકાની બાંધી લીધી. બેજલમેડની બહાર એક ગલીને નાકે કાઈની રાહ જોતી ઊભી રહી. થોડીવારમાં રાઘવ મંદિર પરિસરમાંથી નીકળીને તબેલે જવા ત્યાંથી પસાર થયો. એનો તબેલા પર પાછો જવાનો એ રોજનો રસ્તો હતો. રાધાએ એને થોડે દૂર જવા દીધો પછી સ્કૂટી સ્ટાર્ટ કરી. સિંદૂરી સાંજ ઢળવામાં હતી ને શિયાળુ હવા વધુ ઠંડી થવા લાગી હતી. તબેલા સુધીના લગભગ દોઢેક કિલો મીટરના રસ્તા આગળ રાઘવની બાઇક અને પાછળ રાધાની સ્કૂટી પીછો કરી રહી હતી. પવનની સરસરાટી અને બાઇક-સ્કૂટીના અવાજ સિવાય બધું સૂમસામ હતો. અચાનક રસ્તાના વળાંક પર તબેલાથી પચાસેક મીટર રાઘવે બાઇક ઊભું રાખ્યું. રાધાએ એની નજીક સ્કૂટી ઊભી રાખી.
‘નાગણને બિલ્લી પગે આમ પીછો કરતાં મેં પહેલી વાર જોઈ...’ રાઘવ બોલ્યો.
‘મને પ્રેમ કરતો હોવાનો ઢોંગ કરનારો તૂં અસ્સલમાં કોણ છે એ હું જાણી ગઈ છું...’ રાધાએ કહ્યું.
‘અને તારી અસલિયત... તારો મકસદ હું જાણી ગયો છું...’ કહીને રાઘવે રાધાના મોં પર એક મુક્કો માર્યો. અચાનક મારેલા મુક્કાથી રાધા નીચે પટકાઈ ને તરત કરાટે સ્ટાઇલમાં બે પગ પર સટ્ટાક ઊભી થઈને રાઘવની છાતી પર લાત મારી...રાઘવ ચત્તોપાટ પડ્યો. રાધા કરાટેની પોઝિશનમાં બે હાથ ઉગામીને ઊભી રહી. રાઘવ એની તરફ ધસી આવ્યો કે તરત જ રાધાએ એના મોં પર મુક્કાબાજી શરૂ કરી...
‘કોણ છે તું...? શું કાવતરુંં છે...?’ રાધા બોલતી ગઈ ને મુક્કા મારતી ગઈ. સામે પક્ષે રાઘવ બે હાથ આડા કરીને મુક્કાથી બચવાના પ્રયાસ કરતો રહ્યો... અચાનક રાઘવે રાધાને ભરમાવા ખોટી બૂમ મારી. ‘રણછોડ.....’ રાધાનું ધ્યાન એ દિશામાં ગયું કે તરત જ રાઘવે રાધાની ગરદન પકડી લીધી.
‘તું બતાવ... તારું શું કાવતરું છે...?’ રાઘવ ગરદન કસી રહ્યો હતો... રાધાએ રાઘવના પેડું પર લાત મારી. રાઘવ બે હાથ પેડું પર મૂકીને ઊભો રહ્યો કે રાધાએ કુંગ ફૂના દેવપેચ શરૂ કર્યા... રાઘવ પણ કુંગ ફૂ જાણતો હતો... હવે બંને વચ્ચે કુંગ ફૂની ફાઇટ શરૂ થઈ... અચાનક રાઘવે બાઇક પાસે જઈને સીટ નીચેથી રિવૉલ્વર કાઢીને રાધાની સામે તાકી ને અચાનક એક અવાજ આવ્યો....’રા....ઘ.....વ.....’
રણછોડ ગન તાકીને ઊભો હતો... (ક્રમશ:)