Tue Oct 06 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો- પ્રકરણ-30

2026-09-20 07:58:00
Author: Anil Rawal
વ્હેંત છેટો મોતનો ઓછાયો- પ્રકરણ-30

 

 

 

 

 

આસ્થાને ધર્મસ્થળના ઉંબરાની બહાર ન રાખી શકાય, ધર્મના દાયરામાં બાંધી ન શકાય.

 

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

 

ઝૈનાબે રાધાને સમંદરખાન સાથેની પોતાની રિશ્તેદારીની ચોંકાવનારી વાત કરી ત્યારે રાધાને થ્રીલર નવલકથાનો એક આંચકાદાયક અને રોમાંચક વળાંક લાગ્યો હતો. ક્યારેક સંજોગો માણસને વિચિત્ર વળાંક પર લાવીને મૂકી દતા હોય છે. ઝૈનાબની એન્ટ્રીથી ગોપાલેશ્વરના મિશનમાં એક નવું થ્રીલ ઉમેરાયું હતું. ઝૈનાબે પોતાના જ આતંકવાદી પિતરાઈ ભાઈ અજમલને મળવાનું હતું અને રાધાએ અજમલથી પોતાની ઓળખ છુપાવવાની હતી. બંનેની સ્થિતિ કફોડી હતી. આતંકવાદી હુમલાનું રહસ્ય અકબંધ હતું. હજી તો શંકર ઉર્ફ અન્વરૂલ અઝીમને ખતમ કરાયો હતો. બીજી તરફ, સમંદર ખાને અમરબાબુ બનીને ઘૂસેલા અબુ અલ-કાસિમ અને પાગલની ભૂમિકામાં ભમતા અજમલ અન્સારીને ભારતીય ઇતિહાસનો એક કલંકિત અને વરવો અંજામ આપવાનું ફરમાન કરી દીધું હતું. ખરો ખતરનાક ખેલ હવે શરૂ થવાનો હતો. ઝૈનાબે અજમલને શોધવાનો હતો... અજમલ ક્યાં મળશે? ઝૈનાબે સમંદર ખાનને પૂછેલું, પણ એનો ટૂંકો જવાબ હતો: `વોહી તુમ્હે ઢૂંઢ લેગા...' 

 

 

યામિની સવારે ઠંડી હવાની લહેરખીની જેમ ધરમશાળાના કાઉન્ટર પાસેથી પસાર થઈ ત્યારે એને જોઈને જગદીશની આંખો પહોળી થઈ ગઈ હતી. હજી આગલે દિવસે જે યામિનીને એણે નમાઝ પઢતાં જોયેલી એને સવાર સવારમાં ગુલાબી સાડીમાં નીરખીને, એની ખૂબસૂરતી... એનો ઠસ્સો નીહારીને જગદીશના મોંમાંથી `તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસી કી નઝર ના લગે....' ગીત ગાવાનું મન થઇ ગયું હતું... 

 

`દર્શન કરવા?' એણે યામિનીને રોકીને થોડી વધુવાર નીરખી લેવાના આશયે પૂછ્યું.

 

`હા, અહીં દર્શન સિવાય બીજું શું કરવાનું હોય...?' યામિની કહીને નીકળી ગઈ. હકીકતમાં યામિની દર્શન સિવાય બીજું ઘણું કરવા નીકળી પડી હતી. એણે રાધા પાસેથી મંદિર, મંદિર પરિસર, બજાર, ખાવા-પીવાની જગ્યાઓ વિશે જાણકારી મેળવી લીધી હતી. આમ છતાં એ જાળવીને કદમ ઉઠાવી રહી હતી, કોઈ પણ ઘડીએ અજમલનો ભેટો થવાની ધાસ્તી સાથે... અજમલ મળશે પછી શું થશે એની કલ્પના સાથે... 

 

 

`દૂધ કી સેવા કરાઓ, દૂધ કી સેવા... બોલો મૅડમજી...' ખભા પર દૂધ ભરેલો ઘડો રાખીને રાઘવ યામિનીની સાથે સાથે ચાલવા લાગ્યો. યામિની ચોંકી ઊઠી... એને માટે આ નવું હતું. રાધાએ આવી કોઈ સેવાની વાત કરી નહોતી.

 

`મૅડમજી, દર્શન કિયે કી નહીં... જાઓ પહેલે દર્શન કરો, ફિર સેવા કે લિયે મુઝ સે  દૂધ લે લેના...' રાઘવ બોલ્યો. રાધા આવું કાંઈ બોલી નથી... એ ત્યાં જ ઊભી રહીને વિચારવા લાગી. રાધાએ શા માટે કહ્યું નહીં હોય તરત જ એનો જવાબ મળી જતાં એણે પૂછ્યુ: `કહાં જાના હૈ દર્શન કે લિયે...?' 

 

`ઓહ નઇ હૈ આપ... સીધા જાઇએ, આગે સે બાયેં મૂડ કર ફિર સીધા જાઇએ... ગુલાબ કુંજ કે બાહર લંબી લાઇન હોગી... જલદી જાઇએ, દર્શન બંધ હો જાયેગેં.' રાઘવ બોલતો રહ્યો ને યામિની દર્શન કરવા દોડી ગઈ. 

`મૈં યહીં રાહ દેખતા હું... દૂધ કી સેવા મત ભુલિયેગા...' રાઘવે મોટેથી કહ્યું.

 

રાઘવને ગોપાલેશ્વરમાં આવતી દરેક વ્યક્તિ આતંકવાદી લાગતી હતી.  

 

 

ગોપાલેશ્વરના ગુલાબ કુંજની બહારના રસ્તા પર એક બેસૂરો અવાજ ગુંજતો હતો: 

 

`પ્રભુજી તૂમ દર્શન બિન મોય ઘડી ચૈન નહીં આવે...

અન્ન નહીં ભાવે, નીંદ ન આવે, વિરહ સતાવે મોય...'

 

ગોપાલેશ્વરનાં દર્શને આવેલા ભાવિકોને મીરાંબાઈમાં કે મીરાંના ભજનમાં કે એના એકતારાના ટુનટુનિયામાં કોઈ રસ નહોતો... એ લોકો તો પોતાના ગિરધર ગોપાલાની ઝાંખી કરવાની ઉતાવળમાં હતા, પણ રસ્તા પર બેસીને બેસૂરા સ્વરે ગાઈ રહેલી એ મીરાંબાઈને એના ખાસ પ્રભુજીનાં દર્શન વિના ચેન પડતું નહતું... એના વિરહમાં, એના ઇન્તેજારમાં એની ઊંઘ હરામ થઈ ગઈ હતી. મીરાના સ્વાંગમાં રસ્તે રઝળતી રાધા અજમલની ઝાંખી માટે ઝંખતી હતી...

 

યામિની ગુલાબ કુંજના વિશાળ દ્વારમાંથી ભાવિકોની ભીડનો અનુભવ કરતી બહાર નીકળી. અન્ય દર્શનાર્થીઓની જેમ એની પણ નજર રાધા પર પડી નહીં, પરંતુ રાધાએ એને જોઈ લીધી. ઝૈનાબે ગોપાલાનાં દર્શન કર્યાં? ભજન થંભી ગયું, એકતારો અટકી ગયો. ચિશ્તીની દરગાહ પર એક હિન્દુની ચાદર ચડી શકે તો ઝૈનાબની આસ્થા મંદિરમાં પ્રવેશી કેમ ન શકે... આસ્થાને ધર્મસ્થળના ઉંબરાની બહાર ન રાખી શકાય... એને કોઈ ધર્મના દાયરામાં બાંધી ન શકાય. ઝૈનાબનું મિશન આસ્થા કે કોઈ બંદગીથી પર છે... રાધાએ વિચાર્યુ ને આપોઆપ એકતારો બજી ઉઠ્યો... ગળામાંથી ફરી અવાજ નીકળ્યો: `પ્રભુજી તૂમ દર્શન બિન મોય ઘડી ચૈન નહીં આવડે...' રાધા અને ઝૈનાબની ખોજ એક જ હતી, અજમલ. પણ અજમલ એક જુદા જ સ્વાંગમાં હતો... એનાં રંગરૂપ જુદાં હતાં... એની ચાલઢાલ જુદી હતી. એ ઝૈનાબને ઓળખી શકે, પણ ઝૈનાબની ચકોર આંખોમાંથી એ છટકી શકે એમ હતો. બીજી બાજુ, રાધા અજમલને કે અજમલ રાધાને ઓળખી શકે એમ નહતાં. બંનેના સ્વાંગ અલગ હતા, રૂપરંગ અલગ હતાં, ચાલઢાલ અલગ હતી. 

 

ઝૈનાબની આંખો અજમલને શોધી રહી હતી. કોઈને શોધતા ન હોઈએ એ રીતે કોઈને શોધવાનું અઘરું હોય છે. અચાનક એનું ધ્યાન રાધાના શબ્દો પર ગયું...     

 

`પ્રભુજી, તૂમ દર્શન બિન મોય ઘડી ચૈન નહીં આવે...

 

અન્ન નહીં ભાવે, નીંદ ન આવે, વિરહ સતાવે મોય...' એને થયું કે આ બાઈ મારા મનની વાત ગાઈને કહી રહી છે... અજમલને મળવાના ખોફે એની ઊંઘ હરામ કરી નાખી હતી... એ નજીક ગઈ... એણે ધ્યાનથી જોયું... એ વધુ નજીક ગઈ... રાધા ભેશ બદલીને... એ રાધાને ઓળખી ગઈ... ને પછી હળવેકથી ત્યાંથી સરકી ગઈ. મીરાનું ભજન ને એકતારાનો અવાજ દૂર થતો ગયો. અજમલને મળવાનો ખોફ નજીક આવતો ગયો.

 

ગોપાલેશ્વર મંદિરના ટ્રસ્ટની ઑફિસમાં દેવીપ્રસાદજી અને યમુના ધરમશાળાના મુખ્ય ટ્રસ્ટી વિશ્વનાથજી મંદિરના ટ્રસ્ટીઓની વચ્ચે બેઠા હતા.

 

`આપ બેજલમેડ અને ગોપાલેશ્વર મંદિરની સન્માનનીય વ્યક્તિ છો એટલે માફ કરજો, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે રાધા અહુજા તમારી સિફારિશથી ધરમશાળામાં રહે છે... વિશ્વનાથજીના કહેવા મુજબ એ તમારી પાસે ચિત્રકામ શીખવા આવી છે... હકીકતમાં એ કોણ છે...? આટલો વખત કોઈ ધરમશાળામાં રહે કે ઊતરે નહીં... અમને શંકા છે...' મંદિરના મુખ્ય ટ્રસ્ટી ધરમપાલજીએ કહ્યું.

 

`ગઈ કાલે રાધા અહુજાની ફ્રેન્ડ યામિની લખતરિયા આવી... નવાઈની વાત એ છે કે બંને સાથે રહેવાને બદલે અલગ અલગ રૂમમાં રહે છે' વિશ્વનાથજીએ કહ્યું. 

 

`આખરે મંદિર અને ભક્તોની સલામતીનો સવાલ છે' ધરમપાલજી બોલ્યા.

 

દેવીપ્રસાદજીને મીટિગ માટે બોલાવ્યા ત્યારે જ એમને આ વાતનો અંદેશો આવી ગયો હતો. 

 

ગોપાલેશ્વરનું સમગ્ર ચિત્ર બદલાઈ જવાની ક્ષણે એમની પીંછીને અટકાવી દેવામાં આવી રહી હતી. તેઓ ધરમપાલજીની વાતથી ધરમસંકટમાં મુકાઈ ગયા હતા. 

 

`અમે, મંદિરના ટ્રસ્ટી મંડળે વિશ્વનાથજીને રૂમ ખાલી કરાવવાનું કહી દીધું છે...' ધરમપાલજીએ કહ્યું.

 

`દેવીપ્રસાદજી, મને માફ કરજો, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમે લોકો મંદિર સિક્યૉરિટી કે પોલીસને જાણ કરવા નથી માગતા... અમે તમારી આમન્યા જાળવીએ છીએ' વિશ્વનાથજીએ કહ્યું.

 

`મંદિર અને લોકોની સુરક્ષાને લઈને તમારી ચિંતા હું સમજી શકું છું... હું બંનેને સારી રીતે ઓળખું છું... કોઈ અંગત કારણસર અલગ રૂમ રાખી હશે... આમેય રાધાની તાલીમ પૂરી થઈ ગઈ છે...' દેવીપ્રસાદજીએ કહ્યું. 

 

`મેં નિયમની વિરુદ્ધ જઈને આટલા દિવસ રાખી... તમે એમને જવાનું અલ્ટિમેટમ આપી દો...' વિશ્વનાથજીએ કહી દીધું.

 

`અલ્ટિમેટમ આપવાની અને ખાલી કરાવવાની જવાબદારી મારી...' દેવીપ્રસાદજી બોલીને ઊભા થઈ ગયા.

 

 

મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયથી રાધા અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. રાતે દસ વાગ્યે દેવીપ્રસાદજીના ઘરે મીટિગ બોલાવાઈ. દેવીપ્રસાદજીએ નિર્ણય જણાવ્યો.

 

`ટ્રસ્ટીઓને શંકા કઈ રીતે ગઈ...?' રાધાએ પૂછ્યું.

 

`શંકા કઈ રીતે ગઈ એની ખબર નથી, પણ અચાનક મને વિશ્વનાથજીએ બોલાવીને તમારા અને યામિની વિશે પૂછ્યું. દેવીપ્રસાદજીની ભલામણથી જ એમણે રૂમ આપી હતી, પણ પછી શા માટે આવું કર્યું એ નથી સમજાતું?' જગદીશ બોલ્યો.

 

`એક કામ કરીએ રાધા અને યામિનીને મારા ઘરમાં રાખું...' દેવીપ્રસાદજીએ કહ્યું.

 

`ના... ના... એમ કરવા છતાં એ લોકો સિક્યૉરિટી અને પોલીસને જાણ કરી શકે છે' રાઘવે કહ્યું.

 

`અહીં ટેરરિસ્ટ ઘૂસેલા છે એની કોઈને પડી નથી ને જે સાચા છે એના પર શંકા કરે છે, ગજબ છે' જગદીશ બોલ્યો.

 

`તમે લોકો બાબુજીના તબેલાની જગ્યાએ શિફ્ટ થઈ જાઓ... છૂપી રીતે ત્યાં રહીને ઑપરેટ કરીએ' રાઘવે કહ્યું.

 

`એની નોબત જ નહીં આવે... મારી પાસે એક પ્લાન તૈયાર છે...' રાધા બોલી.

 

 

ઝૈનાબ રાબેતા મુજબ સવારે તૈયાર થઈને અજમલની શોધમાં નીકળી પડી હતી. બજારમાં આમતેમ નજર કરતી હતી ત્યાં સામે એક ટોળું જમા થયેલું જોયું... કુતૂહલ થતાં એ નજીક ગઈ. એણે ટોળામાં ઘૂસીને જોયું પોલીસ એક પાગલને ભગાવી રહ્યો હતો.

 

`ચલો, નીકલો યહાં સે...' પોલીસ તાડૂકીને બોલી રહ્યો હતો.

 

`કોણ જાણે ક્યાંથી આવી જાય છે...?' એક ભાવિકે કહ્યું. 

 

`રોજ બધાને તંગ કરે છે...' બીજો બોલ્યો.

 

`આપણે દર્શન કરવા કે ગાંડા લોકોથી બચીને ચાલવું...' ત્રીજાએ કહ્યું.

 

`મૈં ભગાતા હું ઇસે' પોલીસે કહ્યું અને દંડો ઉગામતો પાગલને દૂર લઈ ગયો.

 

પાગલની નજર ઝૈનાબ પર પડી... એ લાચાર નજરે જોઈ રહ્યો. ઝૈનાબે એને ધ્યાનથી જોયો... પાગલ દૂર થતો ગયો એમ એનો ચહેરો સ્પષ્ટ થતો ગયો...

 

`અજમલ...? પાગલ થઈ ગયો છે...?' ઝૈનાબ મનમાં બબડી.

 

`ઓહ, નો... અજમલ પાગલ નથી થયો.... એ પાગલના 

 

રોલમાં છે...' ઝૈનાબ પણ લાચાર હતી... બંને એકબીજાની સામે જોતાં રહ્યાં...       
                                  (ક્રમશ:)