Thu Apr 30 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-5

2026-03-22 09:42:00
Author: Anil Rawal
Article Image

 

ઘણીવાર સામેવાળાને એનું નામ ન પૂછો તો એને ભારે આઘાત લાગતો હોય છે.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રાધાએ વહેલી ઊઠીને બારીની બહાર જોયું. રાતવાળું દ્રશ્ય ફિલ્મની પટ્ટીની જેમ એની નજર સામેથી સરકી ગયું. એને રોના ચીફે કહેલા શબ્દો યાદ આવ્યા: ‘વો વેસ્ટ બંગાલ કે માલદા સે ઘૂસ ચૂકા હૈ...વો અકેલા નહીં હોગા...’

ધરમશાળામાં કોઇ હોય તો એની માહિતી જગદીશ પાસેથી જ મળી શકે....પણ જગદીશ જ ભળેલો હોય તો......અથવા કોઇ ભળતા જ નામે એની જાણ બહાર રહેતું હોય તો....ત્રણેય પ્રકારના વિચારોનો એક જ જવાબ હતો...જગદીશ.

રાધા નીચે કાઉન્ટર પર ગઇ. જગદીશ ઢાબડો ઓઢીને બેઠો હતો. રાધાએ ટેબલ પરની ઘંટડી વગાડી....ટીંગ ટીંગ. જગદીશ ટટ્ટાર થઇ ગયો.

‘હાં, બોલો...’ જગદીશ રાતનો બદલો લેવા માગતો હોય એમ અકડાઇને બોલ્યો.   

‘ચા પીવી છે...મલશે...?’ રાધાએ એકદમ મીઠા સૂરમાં પૂછ્યું.

‘હમણાં લઇ આવું.’ જગદીશ જોશમાં આવી ગયો. સૂર બદલી નાખવાથી મૂળ રાગ નથી બદલાઇ જતો. અને આ તો પ્રેમનો આલાપ હતો...’ રાધા સિફતથી કામ લઇ રહી હતી, પણ જગદીશ અવાજથી અભિનય તો નહોતો કરતો ને....
*****  
જગદીશે રૂમનો દરવાજો ખખડાવ્યો. રાધાએ જગદીશને નિકટ લાવવાની અધિરાઇએ દરવાજો તરત જ ખોલી નાખ્યો.

‘ગરમાગરમ ચા....જલ્દી પીઓ....’ જગદીશે કિટલીમાંથી ચા કપમાં કાઢતા કહ્યું.

‘તું પણ પીને....’ રાધા બોલી.

જગદીશ જાણે રાધાના કહેવાની રાહ જોતો હોય એમ ચા લઇને પીવા માંડ્યો. એક સિપ માર્યા બાદ બોલ્યો: ‘તમે કાલે રાતે એમ કેમ પૂછ્યું કે હમણાં ગયો તે કોણ હતો....?

‘મેં બારીમાંથી કોઇને ઝડપથી બહાર નીકળતા જોયો. મને લાગ્યું કે હું અહીં એકલી છું એટલે કોઇની નજર બગડી હોય...’ રાધા બોલીને જગદીશની નજર પારખવા લાગી.

‘ના, ના, એવો ડર રાખવાની તમારે કોઇ જરૂર નથી.....હું છુંને.....’ બોલવામાં વધારે પડતી છૂટ લેવાઇ ગઇ એવું ધારીને એણે વાત ફેરવી: ‘મારો મતલબ કે અહીં બધું સેફ છે.’

‘ધરમશાળામાં કોઇ એકલો માણસ ઉતર્યો છે?’ રાધાએ પૂછ્યું.

‘તમારા સિવાય કોઇ એકલું નથી.’ જગદીશનો જવાબ સ્માર્ટ હતો....પણ જગદીશ સાચો છે કે ખોટો એની ખાતરી કરવી પડશે.
*****  
રાધા મંદિરમાં સીધુ આપવા માટે કરિયાણાની દુકાને ગઇ. રાધા બોલતી ગઇ એમ દુકાન માલિક ગુપ્તાજી લિસ્ટ બનાવતો ગયો....પછી એણે એના માણસ શંકરને કહ્યું: ‘લો વજન કરને લગો ફટાફટ.’ સામાન ઝોખાઇ ગયો. શંકરે એક થેલામાં સામાન મૂકીને ગુપ્તાજી સામે જોયું.

‘મેડમ કે સાથ જાઓ...ઔર જલ્દી વાપસ આ જાઓ.’ રસોઇ ઘરના દાદરા સુધી પહોંચીને રાધાએ કહ્યું: ‘બસ યહીં છોડ દો...મૈં લે કર જાઉંગીં...’

‘નહીં મૈં છોડ દેતા હું ઉપર તક...વજન હૈ....’

‘નહીં નહીં...ધન્યવાદ.’ શંકરે એટલી જીદ કરી કે રાધાએ ન છૂટકે એને ઉપર સુધી લઇ જવો પડ્યો.

રાધાને આગલે દિવસે મળ્યો હતો એ સેવક ફરજ પર નહતો...રાધા આમતેમ નજર દોડાવીને સેવકને શોધવા લાગી....

‘રખ દો ઇધર મૈં લે કર જાઉંગા....’ પેલા માણસે કહ્યું.

‘ઠીક હૈ...’ રાધાએ કોઇ દલીલ ન કરી. પેલો માણસ સીધુસામાન લઇને અંદર ગયો....શંકર હજી ઊભો હતો....

‘તૂમ નીકલો..’ રાધાએ કહ્યું. શંકર દાદર ઊતરી ગયો. સેવક બહાર આવ્યો એટલે રાધાએ એને દસની નોટ આપી....સેવકે બંડીના ગજવામાં મૂકીને હાથ જોડ્યા.

‘કલ થા વો સેવક આજ નહીં હૈ....?’

‘વો દુસરી જગહ સેવા મેં હૈ....’ એણે કહ્યું.

‘વો મુઝે મેરે હાથોં સે રસોઇ ઘર મેં સામાન રખેને કે લિયે બોલ રહા થા....’ રાધાએ કહ્યું.

‘સબ કો અંદર જાના હૈ....વો જો આપ કે સાથ થા વો ભી હંમેશાં કહેતા હૈ...એસા સમજો કી આપ કા સીધુસામાન ગોપાલા કે ચરનોં મેં પહોંચ ગયા.’ પેલા માણસે કહ્યું.

ભક્તોને પોતાના હાથે સીધુસામાન ફૂલ, ફળ, સુકોમેવો ગોપાલાનાં ચરણોંમાં મૂકવાની ઇચ્છા હોય, પણ કરિયાણાની દુકાનમાં કામ કરતા માણસને આવી કેમ જરૂર પડે...એને તો રોજનું થયું....હશે એને પુણ્ય પોતાના ખાતામાં જમા કરાવવું હશે.
****
‘દૂધ લે લો દૂધ....’ રાઘવનો પરિચિત અવાજ રાધાને કાને પડ્યો.

‘હમણાં જ હું સીધુસામાન ઉપર આપી આવી......’ રાધાએ એનાથી પીછો છોડાવવાના ઇરાદે કહ્યું.

‘દૂધના પ્રસાદ ઉપર તમારું નામ હશે રાધાજી....વાત પુણ્ય કમાવાની છે....’ રાઘવે કહ્યું.

ઓહ તો આ માણસ મારું નામ પણ જાણે છે. ‘ઠીક છે.....આપી દો....’ રાધા બોલી.

‘બોજ ભલે તમે ઉઠાવો, પણ મને સાથે રાખો....’ રાઘવે કહ્યું.

બંને ઉપર ગયાં....સેવકને જોઇને રાઘવે હથેળીમાં તમાકુ ચોળીને આપી...

‘દેવીજી, આપ આપ કે હાથોં સે ગોપાલા કે લિયે જો પ્રસાદ તૈયાર કર રહે હૈ...ઉનકો દે દેજિયે.’ રાધાને આ ચમત્કાર સમજાયો નહીં, પણ રસોડાની રેકી કરવાનું સરળ થઇ ગયું. રસોઇ ઘરમાં મુખ્ય મારાજના હાથમાં દૂધનો ઘડો સોંપ્યો....વિવિધ પ્રકારના પ્રસાદની મિશ્ર સોડમથી એ પ્રસન્ન થઇ ગઇ....સાથે વિશાળ રસોડાનો નકશો એની ફોટોગ્રાફીક મેમરીમાં અંકિત થઇ ગયો.

બહાર આવીને જોયું તો રાઘવ અને સેવક ગપ્પા મારી રહ્યા હતા. રાધા દાદર ઊતરી ગઇ. આ માણસ છે કોણ...? મારું નામ જાણે છે.....એને એ પણ ખબર પડી ગઇ કે હું રસોઇ ઘરમાં છેક અંદર સુધી જવા માગું છું...લાગે છે એણે જ મારો પ્રવેશ સરળ કરી આપ્યો....
‘જે કામ દસની નોટ ન કરે તે કામ ચૂટકી તમાકુ કરે....પ્રેમભરી ચૂટકી કા કમાલ.....સિર્ફ હથેલી બદલતી રહેતી હૈ... પ્રેમ વહી રહેતા હૈ....’ રાઘવ બોલ્યો.

રાધા રાઘવ વિશે ઘણું જાણવા માગતી હતી, પણ એને પૂછીને નહીં...બીજા પાસેથી બાતમી મેળવીને અને પુરોહિત તૈયાર થઇ રહ્યો હતો.

રાધાએ નામ સુધ્ધાં નહીં પૂછીને રાઘવને આંચકો આપી દીધો. ઘણીવાર સામેવાળાને એનું નામ ન પૂછો તો એને ભારે આઘાત લાગતો હોય છે.

‘લો દૂધના પૈસા....’ રાધા પૈસા આપીને ચાલવા લાગી. રાઘવ અને રાધા બંનેના દિમાગમાં શંકા સળવળી......બંનેએ પોતપોતાનાં કારણોને લઇને કહાનીને ઢીલી છોડવાનું મુનાસિબ માન્યું. જેટલી વધુ ઢીલ એટલી મજબૂત શંકા....
*****
મહાનંદ નદીમાં પહેરેલે કપડે તરીને બહાર આવેલો શખસ સામેની ઝૂપડીમાં ગયો. એણે એક પછી એક નીતરતા કપડાં ઉતારતા જઇને બાજુમાં ફેંક્યા. ત્યાં પડેલા ટુવાલથી પોતાનું ખડતલ શરીર લૂછ્યું. એક જુદો જ વેશ ધારણ કરીને બહાર આવ્યો. આતંકવાદી ચહેરા પર સાધુનું મહોરું ચોંટી ગયું હતું. મહાનંદ નદીની ભીની રેતીના પટમાં સાધુના શેતાની પગલાં પડી રહ્યાં હતાં....દિશા નિશ્ર્ચિત હતી....માર્ગ ચોક્કસ હતો.....ઇરાદો રાક્ષસી હતો....અને મંજિલ હતી બેજલમેડ...ગોપાલેશ્વર મંદિર. કલાકોની મુસાફરી છતાં ત્રાસવાદી પગ થાક્યા નહીં....શેતાની દિમાગ શિથિલ ન થયું. સાધુ તો ચલતા ભલા...સાધુ તો ચલતા ભલાની રટ લગાવતા સાધુના ભેષમાં શેતાને બેજલમેડના પાદરે આવેલા શંકરના મંદિરની બહાર ત્રિશુલ ખોડ્યું ને અલખ નિરંજન બોલીને અડીંગો જમાવ્યો.
****** 
રાતે રાધા દેવીપ્રસાદના ઘરેથી ધરમશાળામાં પાછી ફરી ત્યારે કાઉન્ટર પર રાઘવ જગદીશ સાથે તાળીઓની આપ-લે કરતો વાત કરતો બેઠો હતો. રાધાને જોઇને બંને ચૂપ થઇ ગયા. રાધા નિર્દોષતાનો ઢોંગ કરતી કાંઇ પણ બોલ્યા વિના ઉપર જતી રહી.
‘જગદીશ, આ રાધા છે કોણ...મને કહેને યાર....’ રાઘવ બોલ્યો.

‘કાલે રાતે મેં નામ તો આપ્યું. બસ, હવે હું વધુ કોઇની અંગત વાત ન કહી શકું....મારા શેઠ મને કાઢી મુકે...અને તમારે એનું કામ શું છે...’ જગદીશે કહ્યું.

‘યાર સાચું કહું પુરોહિતની ચાની ટપરી પર એને જ્યારથી જોઇ છે દિલ આવી ગયું છે એની પર....’

‘દિલ તો મારુંય આવી ગયું છે...’ જગદીશ બોલવા ગયો, પણ અટકી ગયો.

‘એનું પૂરું નામ રાધા અહુજા છે. દેવીપ્રસાદ પાસેથી ગોપાલાનાં ચિત્રો દોરવાની તાલીમ લેવા આવી છે....’

‘ક્યાંથી આવી છે.....’રાઘવે પૂછ્યું..

‘ગુડગાંવથી.....’

‘રોજ દેવીપ્રસાદના ઘરે જાય છે....?’ રાધવે પૂછ્યું.

‘હા, રોજ સાંજ પછી જાય છે...હમણાં પણ ત્યાંથી જ આવી.....જોયું નહીં હાથમાં પેઇન્ટીંગ્સ હતાં....’જગદીશ ભોળાભાવે કહેતો રહ્યો ને રાઘવ નિર્દોષતા પ્રેમી જેવું મોઢું કરીને સાંભળતો રહ્યો.

‘છેક ગુડગાંવથી અહીં ચિત્રો દોરવા આવી છે તો મારે એનાં ચિત્રો જોવા પડશે.’ રાઘવ કયા ઇરાદે બોલ્યો એ જગદીશ સમજી ન શક્યો. એણે હથેળીમાં ચોળીને રાખેલી તમાકુની ચૂટકી ભરીને આપતાં કહ્યું: ‘એની પર નજર રાખજે...કોને મળે છે...ક્યાં જાય છે....’
‘નજર તો મારી પણ એની પર છે...’ જગદીશને કહેવાની ઇચ્છા થઇ, પણ શબ્દોને તમાકુની સાથે નીચલા હોઠની નીચે દબાવી દીધા.

‘કેમ...નજર કેમ રાખવી છે....’ જગદીશે પૂછ્યું.

‘મારે જાણવું છે કે એનો કોઇ રકીબ તો નથીને.....’ એણે હસતાં કહ્યું.

‘રકીબ એટલે...’જગદીશે પૂછ્યું.

‘રકીબ એટલે પ્રેમમાં મારો હરીફ, દુશ્મન....’ એ બોલ્યો. જગદીશે વિચાર્યું કે આમ તો તું જ મારો રકીબ જ છો.....

રાઘવના ગયા પછી જગદીશ રાધાના રૂમમાં ગયો. હળવેથી ટકોરા માર્યા. રાધાએ દરવાજો ખોલ્યો.

રાઘવ દૂધવાળો તમારા વિશે બહુ પૂછપરછ કરે છે. જરા સંભાળજો. રાધાને જગદીશ પર ભરોસો બેઠો. એણે જગદીશને સ્મિત આપ્યું.

‘અને હા, રકીબનો મતલબ શું થાય...’ જગદીશે પૂછ્યું...

‘કેમ તારે કેમ જાણવું છે.’ રાધાએ પૂછ્યું.

‘રાઘવ બોલ્યો હતો.....’ જગદીશ આટલું કહીને નીકળી ગયો.

(ક્રમશ:)