ન્યૂ ચંડીગઢઃ બિહારના 15 વર્ષીય ટીનેજર વૈભવ સૂર્યવંશી (97 રન, 29 બૉલ, બાર સિક્સર, પાંચ ફોર)એ અહીં આઇપીએલના કૅરિબિયન લેજન્ડ ક્રિસ ગેઇલનો એક વિક્રમ તોડી નાખ્યો હતો, પરંતુ બીજો રેકૉર્ડ જરાક માટે ચૂકી ગયો હતો.
વૈભવ (Vaibhav)એ આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાના ક્રિસ ગેઇલ (Gayle)ના રેકૉર્ડને બુધવારે હૈદરાબાદ સામેની એલિમિનેટરમાં પાર કરી દીધો હતો, પરંતુ આઇપીએલમાં ગેઇલની 30 બૉલની ફાસ્ટેસ્ટ સદીનો વિક્રમ તે તોડી નહોતો શક્યો. વૈભવે 28 બૉલમાં 97 રન કર્યા હતા, સિક્સર પર સિક્સર ફટકારવાના મૂડમાં હતો અને 29મા બૉલ પર વધુ એક છગ્ગો ફટકારીને તે ગેઇલનો રેકૉર્ડ તોડી શક્યો હોત.

જોકે વૈભવ પોતાના 29મા બૉલ પર તેણે એક શૉટ મારવાની ભૂલ કરી જે તેને ભારે પડી હતી. હૈદરાબાદના પેસ બોલર પ્રફુલ્લા હિન્ગેના શૉર્ટ બૉલમાં વૈભવ અપર કટ મારવા ગયો અને ડીપ થર્ડમૅનના સ્થાને રવિચન્દ્રન સ્મરણને કૅચ આપી બેઠો હતો. ગેઇલે દોઢ દાયકા પહેલાં પુણે સામેની મૅચમાં 30 બૉલમાં સદી ફટકારી હતી.

વૈભવ નિરાશ હાલતમાં પાછો આવ્યો હતો. જોકે તેણે હજારો પ્રેક્ષકો અને કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. પ્રેક્ષકોએ પાછા આવી રહેલા વૈભવને સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું હતું.
વૈભવ સાથી ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે 125 રનની ભાગીદારી કર્યા બાદ આઉટ થયો હતો. એ પાર્ટનરશિપ માત્ર આઠ ઓવરમાં બની હતી. થોડી જ વાર બાદ યશસ્વી પોતાના 29 રનના સ્કોર પર આઉટ થયો હતો.