Sun Sep 06 2026

Logo

વડોદરાના કરજણમાં નજીવી બાબતે કિશોરની ક્રૂર હત્યાઃ એક્ટિવા અથડાવવા બદલ આરોપીએ ગળું કાપ્યું

2026-04-16 18:56:00
Author: Devayat Khatana
વડોદરાના કરજણમાં નજીવી બાબતે કિશોરની ક્રૂર હત્યાઃ એક્ટિવા અથડાવવા બદલ આરોપીએ ગળું કાપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા:
જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામે માત્ર એક્ટિવા અથડાવવા જેવી સામાન્ય બાબતે ૧૫ વર્ષીય કિશોરની નિર્મમ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર બુધવારના સાંજે હર્ષદ રમણભાઈ રાઠોડીયા નામનો કિશોર એક્ટિવા લઈને નીકળ્યો ત્યારે હેમેન્દ્રસિંહ ડોડીયા નામના શખ્સની એક્ટિવા સાથે તેનો અકસ્માત થયો હતો. 

આ બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા હેમેન્દ્રસિંહે હર્ષદનું ગળું દબાવી તેને બેભાન કરી દીધો હતો ત્યાર બાદ પકડાઈ જવાની બીકે આરોપીએ બેભાન હર્ષદને તેની જ એક્ટિવા પર દોરડા વડે પોતાની સાથે બાંધીને નિર્જન રસ્તે લઈ ગયો હતો અને ત્યાં કોઈતા વડે તેનું ગળું કાપી હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દીધી હતી.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે હર્ષદ મોડે સુધી ઘરે ન ફરતા પરિવારે શોધખોળ આદરી અને કરજણ પબ્લિક સ્કૂલ પાસે લોહીથી ખરડાયેલી એક્ટિવા મળી આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હેમેન્દ્રસિંહ ડોડીયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી. 

કરજણ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૩(૧), ૨૩૮ તેમ જ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે જાતિ આધારિત અત્યાચારની કલમોનો પણ ઉમેરો કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.