(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વડોદરામાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં લગ્ન પ્રસંગમાંથી બેફામ ગતિએ થાર કાર લઈને જતી 19 વર્ષીય યુવતીએ એક્ટિવાચાલક યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રોડ પર પડેલા 21 વર્ષીય યુવક અભિષેક વાસુદેવભાઈ મોરેના મૃતદેહનો જોઈ લોકોની કંપારી છૂટી ગઈ હતી. જુવાનજોધ એકના એક દીકરાના અચાનક મોતના સમાચાર મળતાં જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડીરાતે પરિવારજનો સહિતાએ પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો પણ કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક્ટિવા દૂર સુધી ઢસડાતું અને લોકો દોડીને ઘટનાસ્થળે જતાં દેખાઈ રહ્યાં છે. રાતના 1 વાગ્યે બનેલી ઘટનાને પગલે લોકોનાં ટોળું રોડ પર ઊમટી પડ્યાં હતાં. તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. નોંધનિય છે કે, થાર કારમાં ત્રણ યુવતી સવાર હતી.
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ
મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ છે. 13 ફેબ્રુઆરીની મોડીરાત્રે ફૂડ ડિલિવરીનું કામ કરતો યુવક પોતાનું એક્ટિવા લઈને પાર્સલ આપવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકા સદનાની નામની યુવતી અન્ય બે યુવતી સાથે પોતાની થાર ગાડી લઈને લગ્નપ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. યુવતીએ ગાડી પરનો કાબૂ ગુમાવતાં અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભારે હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત થતાં જ વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થારચાલક યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં આરોપી યુવતી ઋષિકાની ધરપકડ કરી છે અને અકસ્માત સમયે યુવતી નશામાં હતી કે કેમ? એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.