કારની ઝંઝટથી મુક્ત થવાનો ટ્રેન્ડ હવે અમેરિકામાં ચાલુ થયો છે. લોકો પણ હવે કાર વગર મુસાફરીને મહત્ત્વ આપવા લાગ્યા છે તો બીજી બાજુ પ્રશાસન કેટલાક વિસ્તારોમાં કાર પર પ્રતિબંધ મૂકી અકસ્માતો ઘટાડી રહ્યું છે
સિક્કાની ત્રીજી બાજુ - જયવંત પંડ્યા
ઈરાન યુદ્ધના કારણે અત્યારે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેની પાસે 60 દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પેટ્રોલ-ડીઝલ કંપનીઓએ અનિવાર્યતા વગર પેટ્રોલ-ડીઝલ ન ખરીદવા અનુરોધ કર્યો છે, પરંતુ ભારતમાં લોકોને હવે વાહનની ટેવ પડી ગઈ છે. નજીકમાં જ દૂધ લેવા જવું હોય તો પણ કાર કે બાઇક લઈને જનારાની સંખ્યા વધી ગઈ છે. આમ તો, જિમમાં જઈને હજારો રૂપિયા દઈને ટ્રેડ મિલ પર ચાલશે. પરંતુ બહાર જવું હોય તો ચાલવાનું ટાળે. સામે એ વાત પણ સાચી કે આપણે ત્યાં ચાલીને જનારાને રસ્તા પર ચાલતા ડર લાગે છે. આનું કારણ છે અનિયંત્રિત ગતિએ અને કાળજી વગર વાહન ચલાવતા લોકો.
એક તો ફૂટપાથ પર દુકાનવાળાઓએ દબાણ કર્યું હોય અને એની સાથે ફેરિયાઓની જમાવટ વત્તા તેના પર સ્કૂટર પાર્ક કર્યા હોય. રોડ પર કાર પાર્ક હોય એટલે ફરજિયાત રોડ પર અને તે પણ પાર્ક કરાયેલી કારની બાજુમાંથી નીકળવું પડે. અને પાછા બધા રસ્તા કંઈ ફોર લેન ન હોય. એટલે પાછળથી કાર એકદમ બાજુમાંથી નીકળે અને હોર્ન મારે એટલે હૃદયના ધબકારા વધી જાય. અને આ સ્થિતિ માત્ર ઑફિસ અવર્સ દરમિયાન જ નથી હોતી. વહેલી સવારે તો સ્કૂલ બસ ને શાકભાજી ઇત્યાદિની હેરફેર કરતા ટેમ્પો પણ આવો ત્રાસ ફેલાવે છે.
2008ની મંદી સમયે ભારતમાં ઘણાએ કાર પૂલ કરવાની શરૂઆત કરી હતી પરંતુ પછી તે બંધ થઈ ગયું. માત્ર સંકટ સમયે જ નહીં, સામાન્ય દિવસોમાં પણ કાર શેરિંગ કરવાથી વ્યક્તિના પૈસા અને દેશનું વિદેશી હૂંડિયામણ બચશે. જાણીને નવાઈ લાગશે કે જાતજાતના સર્વે કરીને મૂલ્યાંકન કરતા અમેરિકામાં હવે કાર ફ્રી શહેરોનાં સર્વે અને રેટિંગ ચાલુ થયું છે!
આ સર્વેમાં કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે.....
ઈ વોક સ્કોર- ટ્રાન્ઝિસ્ટ સ્કોર-બાઇક સ્કોર- એન્યૂઅલ પ્રેસિપિટેશન સ્કોર....
શું છે આ માપદંડ? વોક સ્કોર ઊંચો હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે તે શહેરમાં પગપાળા ચાલીને સરળતાથી જઈ શકો છો. વધુ ટ્રાન્ઝિસ્ટ સ્કોરનો અર્થ છે તમને જાહેર પરિવહનની સુવિધા સારી મળે છે. વધુ બાઇક સ્કોરનો અર્થ છે તમે બાઇક પર તમારા દિનપ્રતિદિનનાં કામો સરળતાથી પતાવી શકો છો. આ જ રીતે વધુ એન્યૂઅલ પ્રેસિપિટેશન સ્કોરનો અર્થ એ કે તમારા માટે શહેરમાં પગપાળા ચાલીને, જાહેર પરિવહન દ્વારા અથવા તો બાઇક એમ કોઈ પણ રીતે (ટૂંકમાં કાર વગર) જવું અઘરું છે.
આ મૂલ્યાંકનમાં અમેરિકાનાં ટોચનાં દસ શહેરોમાં પ્રથમ ક્રમે સાન ફ્રાન્સિસ્કો, દ્વિતીય ક્રમે વોશિંગ્ટન ડીસી, ત્રીજા ક્રમે મિનિયાપોલીસ, ચોથા ક્રમે શિકાગો, પાંચમા ક્રમે બોસ્ટન, છઠ્ઠા ક્રમે નેશવિલે, સાતમા ક્રમે ડેનવેર, આઠમા ક્રમે લોસ એન્જેલસ, નવમા ક્રમે ન્યૂ યોર્ક અને દસમા ક્રમે ફિલાડેલ્ફિયા છે.
નિકોલ કોર્કોરન અને અન્યોએ કરેલાં એક સર્વેક્ષણ મુજબ, અમેરિકાનાં શહેરોમાં 18 ટકા કાર માલિકોએ ‘ચોક્કસ’ એમ કહી રસ દાખવ્યો તો 40 ટકાએ કહ્યું કે અમે આ વિશે જરૂર વિચાર કરીશું તો બીજી તરફ, અમેરિકાનાં શહેરોમાં દસ ટકા લોકો ઑલરેડી કાર વગર જીવી રહ્યા છે. કાર વગર જીવવાનું પસંદ કરનારાંઓ માટે પાંચ પરિબળ કારણભૂત છે:
1) આપણે ક્યાં કાર સાથે જન્મ્યા હતા? કાર તો હવે આવી, અગાઉ કાર વગર ચાલતું જ હતું, હવે પણ ચાલી શકે.
2) ઓછામાં ઓછી પાંચ ટકા ટ્રિપ કાર વગર આજેય અમે કરીએ જ છીએ એટલે કાર હોવી જ જરૂરી નથી.
3) કાર પર આધારિત રહેવું ગમતું નથી. ગેસ/ડીઝલ પુરાવવાની ઝંઝટ, પાર્કિંગની ઝંઝટ, ડ્રાઇવરની ઝંઝટ અથવા જાતે ડ્રાઇવ કરવામાં થાક અને તણાવ અનુભવાય- સાથે ફોન પણ ઉપાડવાના.
4) જાહેર પરિવહન સુવિધાનો નિયમિત લાભ લઈએ છીએ એટલે વાંધો ન આવે.
5) પોતાની કારની સરખામણીએ જાહેર પરિવહનમાં હાથ ઉલાળતા વગર ટેન્શને જઈ શકાય.
આ સર્વેમાં ધનવાન અને યુવાનોનો પણ સમાવેશ કરાયો હતો. આથી આ સર્વેક્ષણ કરનારાઓએ એવું તારણ કાઢ્યું કે શહેરનું આયોજન કરનારાઓ (ટાઉન પ્લાનર)એ કાર વગર જીવી શકાય તેવું આયોજન કરવું જોઈએ.
અન્ય એક સર્વેક્ષણ મુજબ, અંગત પાર્ક કરવામાં આવેલી 95 % કાર શહેરના વિસ્તારોમાં કિંમતી જગ્યા રોકે છે. અમેરિકાના મેનહટ્ટનનો પા ભાગ રસ્તા પાર્કિંગ રોકે છે. 2009માં ટાઇમ્સ સ્ક્વેરમાં બ્રોડવે પર કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં તો વિવાદ - વિરોધ થયો, પરંતુ પછી તેનાં સારાં પરિણામ પણ જોવાં મળ્યાં. રાહગીરોની હાલાકી ઘટી ને અકસ્માત પણ ઓછા થવા લાગ્યા.
ભારતની સરકારોએ પણ આ દિશામાં વિચારવા જેવું ખરું.