Mon May 18 2026

Logo

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું પશુપાલકોની આવકમાં 20 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક

2026-05-17 19:58:12
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગાંધીનગરના દશેલા ખાતે રૂપિયા 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડેરી સેક્ટરમાં 'સર્ક્યુલર ઇકોનોમી'નો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

રૂ. 200  કરોડની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  મધુર ડેરીનો નવો પ્લાન્ટ પશુપાલકોની આર્થિક ઉન્નતિનો આધાર બનશે. તેમજ  75  ટકા નફો સીધો જ પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. ડેરી સેક્ટરને મહિલા સશક્તીકરણનું વિશેષ માધ્યમ ગણાવતા જણાવ્યું કે આજે ગુજરાતમાં 36  લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક ત્રણ કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. જેના પરિણામે દરરોજ અંદાજે રૂ. 200  કરોડની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. 

10 વર્ષમાં દેશનું કુલ દૂધ ઉત્પાદન ત્રણ ગણું વધારવાનો લક્ષ્યાંક 

તેમણે જણાવ્યું કે, શ્વેત ક્રાંતિ 2.0 અંતર્ગત આગામી 10 વર્ષમાં દેશનું કુલ દૂધ ઉત્પાદન ત્રણ ગણું વધારવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. અમૂલે ટેકનોલોજીના માધ્યમથી પશુપાલકોનો નફો વધારવાનું કામ કર્યું છે. તેમણે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા લોન્ચ કરાયેલ એઆઈ ડિજિટલ સહાયક ‘સરલાબેન'નો ઉલ્લેખ કર્યો હતો, જે આજે ગ્રામીણ વિસ્તારની બહેનોને પશુપાલન અને ખેતીમાં મદદરૂપ થઈ રહી છે.

મધુર ડેરીની પ્રગતિની પ્રશંસા કરી 

આ તકે કેન્દ્રીય સહકારિતા મંત્રીએ મધુર ડેરીની પ્રગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવનભાઈ પટેલ અને ડૉ.વર્ગીસ કુરિયનની પરંપરાને આગળ ધપાવી છે. મધુર ડેરીએ વર્ષ 1971 માં માત્ર 4  મંડળીઓ અને 6000  લીટર દૂધ એકત્રિકરણથી શરૂ કરેલી યાત્રા આજે રૂ. 268 કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચી છે.

આ અવસરે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધુર ડેરીના મિલ્ક પ્રોસેસીંગ અને પેકેજિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી સહકારની ભાવનાથી સદીઓથી સમૃદ્ધ ધરતી છે.