Mon Aug 17 2026

Logo

સાંકડી ગલીઓ અને ટ્રાફિક જામ હવે નહીં બને અડચણ: દેશમાં દોડશે 'ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ', સરકારે તૈયાર કર્યો ડ્રાફ્ટ

2026-08-03 22:19:00
Author: Devayat Khatana
Article Image

AI Generated Images


નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી વસ્તી, ટ્રાફિક જેમનું ભારણ અને સાંકડી ટૂંકી ગલીઓમાં મેડિકલ સર્વિસ પહોંચાડવી ખૂબ જ અઘરું બની રહે છે. આ સમસ્યાના નિકાલ માટે હવે કેન્દ્ર સરકારે દેશમાં નવી પહેલ શરૂ કરી છે, સરકાર હવે દેશમાં રોડ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. 

કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ટુ-વ્હીલર રોડ એમ્બ્યુલન્સ માટે નિયમનકારી માળખું તૈયાર કરવાના હેતુથી સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ જાહેરનામું બહાર પાડ્યું છે. આ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ ખાસ કરીને ગ્રામીણ, અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં ખૂબ જ ઝડપી ઇમરજન્સી રિસ્પોન્સ અને તબીબી સારવાર પહોંચાડવામાં જીવનરક્ષક સાબિત થઈ શકે છે. જ્યાં પરંપરાગત એમ્બ્યુલન્સ પહોંચવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે, ત્યાં આ વાહનો સરળતાથી મેડિકલ સેવા આપી શકશે.

હાલમાં, ટુ-વ્હીલર રોડ એમ્બ્યુલન્સને અલગ વાહન શ્રેણી તરીકે નિયંત્રિત કરવામાં આવતી નથી, જેના કારણે તેમના નિર્માણ, નોંધણી, સુરક્ષા અને ફિટનેસ માટે કોઈ રાષ્ટ્રીય ધોરણો નથી. આ ખામીઓને દૂર કરવા માટે, 1 ઓક્ટોબર 2027 કે ત્યારપછી નિર્મિત તમામ L2 શ્રેણીની ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ માટે નવું AIS-209 (ભાગ 1):2026 ધોરણ લાગુ કરવાનો પ્રસ્તાવ છે. 

આ નવા નિયમો હેઠળ, તેમને પરિવહન વાહન ગણવામાં આવશે અને દર બે વર્ષે તેમનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવું ફરજિયાત રહેશે. વિશેષ ફિટનેસ તપાસમાં સ્ટ્રેચરનું લોકિંગ, ઇમરજન્સી લાઇટ્સ, ટાયર અને અગ્નિશામક યંત્રની ઉપલબ્ધતા જેવી બાબતોની કડક ચકાસણી કરવામાં આવશે.

આ નવી વ્યવસ્થાથી ટુ-વ્હીલર એમ્બ્યુલન્સની ડિઝાઇન અને સંચાલનમાં વધુ સલામતી અને જવાબદેહી આવશે તેવી અપેક્ષા છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આ ડ્રાફ્ટ નિયમો પર આગામી 30 દિવસ સુધી સૂચનો અને ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે, ત્યારબાદ તેની સમીક્ષા કરીને નિયમોને આખરી ઓપ આપવામાં આવશે. આ એમ્બ્યુલન્સ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરાયેલા વિસ્તારોમાં જ સંચાલન માટે નોંધણી કરાવી શકશે.

નિષ્ણાતોનું માનવું છે કે કોઈ પણ દર્દીને ઈમરજન્સીમાં ત્વરિત મેડિકલ મદદ મળે તો તેનો જીવ બચાવવામાં મદદ મળે છે. એટલે ગોલ્ડન અવર્સમાં દર્દીને મળનારી તાત્કાલિક મદદથી અનેકના જીવ બચી શકે છે. હાર્ટ એટેકથી લઈને અકસ્માતના કિસ્સામાં ટુ વ્હીલર એમ્બ્યુલન્સની મદદથી ચોક્કસ અનેકના જીવ બચાવી શકાય, જે સરકારનો ડ્રાફ્ટ આગામી દિવસોમાં વધુ ઉપયોગી બની શકે છે.