ઉમેશ ત્રિવેદી
મહાભારતના યુદ્ધમાં કૌરવોનો નાશ થયાં પછી પાંડવો ખૂબ વ્યથિત થયા હતા, તેઓ પોતાના પાપનું પ્રાયશ્ર્ચિત કરવા માગતા હતા. મોક્ષ અને દૈવી ક્ષમાની શોધમાં તેઓ ભગવાન શિવને શોધતા હિમાલય પર્વતમાળામાંથી પસાર થયા. ભગવાન શિવ તેમને દર્શન આપવા તૈયાર નહતા. તેઓ કાશીથી ભાગીને કેદાર નજીક એક શહેરમાં બળદરૂપે દેખાયા. પાંડવોને તેની જાણ થઇ. ભગવાન શિવ જ્યાં છુપાયા તા એ આજે ગુપ્ત કાશી તરીકે ઓળખાય છે.
ભગવાન શિવને શોધતા શોધતાં પાંડવો ગૌરીકુંડ પહોંચ્યા, જ્યાં તેમને એક અસામાન્ય બળદ દેખાયો. આ બળદ બીજાં પશુઓની વચ્ચે હતો. જોકે, પાંડવોને આકાશવાણીથી ખબર પડી ગઇ હતી કે પશુના ટોળામાં શંકરજી છે, એટલે ભીમ પોતાના બે પગ ફેલાવીને બે પર્વતો પર ઊભા રહ્યાં. બધાં પ્રાણીઓ ભીમના પગ નીચેથી પસાર થઇ ગયા, પણ બળદના રૂપમાં રહેલા મહાદેવ આ દૃશ્ય જોઇ અંતરધ્યાન થવા લાગ્યા. ત્યારે ભીમે તેમને ઓળખી લીધા. ભીમે તેની પૂંછડી ખેંચતાં બળદે પૃથ્વીની અંદર પોતાનો ચહેરો છુપાવી દીધો. ખેંચતાણ શરૂ થઇ અંતે બળદનું મુખ ડોલેશ્વર મહાદેવ મંદિર (પશુપતિનાથ) નેપાળમાં પડ્યું અને શરીરના બાકી અંગો પંચકેદારમાં પડ્યા.
ભગવાન શિવ બળદની પૂંઠ (પીઠમાં) પ્રગટ થયા અને ભગવાન શિવ કેદારેશ્વરમાં શીલા રૂપે બિરાજમાન થયા. કેદારધામમાં શિવલિંગને સ્થાને આ શીલાની પૂજા થાય છે. પંચ કેદાર એ કેદારનાથની યાત્રાનો એક ભાગ ગણાય છે. ખૂંધ માટે કેદારનાથ, હાથ માટે તુંગનાથ, ચહેરા માટે રુદ્રનાથ, પેટ માટે મધ્યમેશ્વર અને વાળ માટે કલ્પેશ્વર ગણાય છે. ઉત્તરાખંડમાં આવેલું કેદારેશ્વર કેદારનાથ એ છોટા ચાર ધામ યાત્રાનો એક ભાગ છે. આ સિવાય બદરીનાથ, ગંગોત્રી ને યમનોત્રીની યાત્રા કરો તો એ ચારધામ યાત્રા ગણાય છે.
સ્કંદ પુરાણ અનુસાર બદ્રીનાથ અને કેદારનાથ બંનેના દર્શન કરવા ખૂબ જરૂરી છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેના દર્શન કરવાથી યાત્રાળુઓને તેમના પાપમાંથી મુક્તિ મળે છે.
કેદારનાથને બાર જ્યોતિર્લિંગમાંનું એક માનવામાં આવે છે. જે 3,581 મીટરની ઊંચાઇએ આવેલું સૌથી ઊંચું જ્યોતિર્લિંગ છે. કેદારનાથ મંદિર પહોંચવા માટે ગૌરીકુંડમાં સ્નાન કરીને આગળ વધવામાં આવે છે. ગૌરીકુંડથી કેદારનાથ મંદિરનો રસ્તો 17 કિ.મી. ચઢાઇનો છે. આશરે 11,000 ફૂટની ઉંચાઇએ આવેલું આ મંદિર ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ ડુંગરાઓની વચ્ચે આવેલું છે. અહીં પાંચ નદીઓ મંદાકિની, મધુદંગા, શ્રીંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે. સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.
કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જન્મેજયે કરાવ્યું હતું. પછી હાલના મંદિરની રચના આઠમી સદીમાં શ્રી આદિ શંકરાચાર્યે કરી હતી. કેદારનાથ નગરનું નિયંત્રણ પ્રાચીન સમયમાં કટયુર ને પંવર ગઢવાલ રાજવંશના હાથમાં હતું. આ પ્રદેશ હિમાલયમાં આવેલો હોય બહારના સમયગાળામાં સન 2000માં કેદારનાથનો ઉત્તરાખંડ રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2013માં અહીં ભયંકર પૂર આવ્યું હતું અને ભારે તબાહી થઇ હતી. પણ મંદિરને ઉની આંચ આવી નહોતી. મંદિરની પાછળના ભાગમાં એક મોટી શીલા આવી ગઇ હતી, જેને ભીમશીલા કહેવામાં આવે છે, એ શીલાને કારણે પૂરનું ધસમસતું પાણી મંદિરની આજુબાજુમાંથી નીકળી ગયું હતું.
વિષમ આબોહવાને કારણે આ મંદિર માત્ર છ મહિના જ ખુલ્લુ રહે છે. માર્ચ-એપ્રિલમાં આવનારી અખાત્રીજ અક્ષય તૃતિયાના દિવસથી અહીં દર્શનની શરૂઆત થાય છે અને નવેમ્બરમાં કાર્તિક પૂર્ણિમાને દિવસે મંદિર બંધ કરવામાં આવે છે, ત્યારે મંદિરની મૂર્તિને ઉખીમઠ લઇ જવામાં આવે છે તે વસંતઋતુની શરૂઆત સુધી છ મહિના ત્યાં પૂજા કરવામાં આવે છે.
મંદિર એક લંબચોરસ પ્લેટફોર્મ પર મોટા કદના ખડકથી બનેલું છે. મંદિર પ્રાચીન પથ્થરની કળા અને સ્થાપત્ય માટે જાણીતું છે. મંદિરમાં ગર્ભગૃહ અને મંડપ છે. મુખ્ય મંદિરના દ્વારની સામે જ પથ્થરમાંથી બનાવેલી નંદિની મોટી મૂર્તિ છે. મંડપમાં પાંડવો, ભગવાન કૃષ્ણ, દ્રૌપદી અને વીરભદ્રની મૂર્તિઓ છે. મુખ્ય પૂજારી કર્ણાટકના વીરશૈવ સમુદાયના છે. મંદિરના પશ્ર્ચિમ ભાગે આદિ શંકરાચાર્યની સમાધિ છે.
કેદારનાથ મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબું અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલ 12 ફૂટ ઊંચી છે ને તે ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવવામાં આવી છે.
કેદારનાથ મંદિરમાં જૂન મહિનામાં બદરી-કેદાર ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર ઉત્તરાંચલના કલાકારો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત તેમની સંગીત પ્રતિભા દર્શાવવા ભેગા થાય છે. આ ઉત્સવ આઠ દિવસ ચાલે છે. અહીં શ્રાવણી અન્નકૂટ મેળો પણ યોજાય છે. રક્ષાબંધનના એક દિવસ પહેલાં ઉજવાય છે તે દિવસે સમગ્ર જ્યોતિર્લિંગને રાંધેલા ભાતથી ઢાંકવામાં આવે છે. ત્યાર બાદ હાજર ભક્તોને તે પ્રસાદરૂપે વહેંચી દેવામાં આવે છે, આ પ્રસાદ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન શિવ તરફથી મળેલા આશીર્વાદ માનવામાં આવે છે.
આ સિવાય, છ મહિના પછી મંદિરના દ્વાર ખોલવામાં આવે તે પણ એક મોટો ઉત્સવ હોય છે.