(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના કલવા નજીક પુરપાટ દોડતી કાર રસ્તાને કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાતાં કાર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં બેસેલા આઈટી કંપનીના યુવતી સહિત ચાર કર્મચારી ગંભીર રીતે ઘવાયાં હતાં.થાણે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા કાર ડ્રાઈવરની ઓળખ દીપક પટેકર (26) તરીકે થઈ હતી. જખમીઓમાં યુવતી સ્નેહલ ભૂસેકર (23) સહિત સુજય પાટીલ (20), રાજ ચિલે (21) અને સુગમ જયસ્વાલ (24)નો સમાવેશ થાય છે. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
કલવા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં રહેતા ચારેય જખમી થાણેમાં વાગળે એસ્ટેટ ખાતેના આઈટી પાર્કમાં કામ કરે છે. ઑફિસથી તેમને ઘરે છોડવાની જવાબદારી વાગળે એસ્ટેટ સ્થિત અંબિકા નગરમાં રહેતા પટેકરને સોંપાઈ હતી.અકસ્માતની ઘટના મંગળવારના મળસકે 3.55 વાગ્યે કલવા નજીકના ખારેગાંવ ટોલ નાકા પાસે નાયરા પેટ્રોલ પંપની સામે બની હતી. પુરપાટ દોડતી કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર આગળ ઊભેલી ટ્રક સાથે ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવર કારમાં જ ફસાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં કલવા પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મુશ્કેલેથી બેભાન પટેકરને કારમાંથી બહાર કાઢ્યો હતો. કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયેલા પટેકરને તબીબે મૃત જાહેર કર્યો હતો.અકસ્માતને કારણે નાશિક તરફ જતા વાહનવ્યવહારને અસર થઈ હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે કલવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.