Thu Sep 03 2026

Logo

ટ્રાવેલ કરતી વખતે લો, હવે ફોટો-વીડિયો સાચવવાની ઝંઝટ ખતમ !

2026-03-08 09:06:00
Author: Mumbai Samachar Team
ટ્રાવેલ કરતી વખતે લો, હવે ફોટો-વીડિયો સાચવવાની ઝંઝટ ખતમ !

 


ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ હરવા-ફરવા કે રખડવાનું પ્લાનિંગ પાઈપલાઈનમાં હશે. પરીક્ષા બાદ મોજ-મજા અને ફરવાની યાદી તૈયાર કરવાનો ઉત્સાહ પણ અનોખો હોય છે. અગાઉ  મોબાઈલ ફોન કે દુનિયા ડિજિટલ ન હતી એ સમયે નક્શા પરથી યાદી તૈયાર થતી. આ નક્શા એટલે ગ્લોબલ એટલાસ- વર્લ્ડ એટલાસના નકશા. સમય બદલાયો એમ ટ્રાવેલ્સના ક્ષેત્રમાં તૈયારીથી લઈને ફાઈનલ ડેસ્ટિનેશન સુધી બધું જ બદલાયું. અગાઉ પણ ક્યારેક મસ્ત રોડ ટ્રીપ કે રેલ મુસાફરી કરી હશે તો એની યાદ પણ તાજા થઈ જશે. ગૂગલ મેપ્સને ભોમિયો બનાવીને રખડપટ્ટી કરતો એક આખો વર્ગ છે. ઘરેથી નીકળતી વખતે, ટ્રાવેલ કરતી વખતે, હોલ્ટ લેતી વખતે, નાસ્તા-પાણી કરતી વખતે, એડવેન્ચર કરતી વખતે આ તમામ સમયે એક એક ક્ષણને કેદ કરવામાં આજની યુવા પેઢી માને છે. મુશ્કેલી ત્યાં થાય જ્યારે આવા ફોટો-વીડિયો ફોનની જગ્યા પર કબજો કરી લે, સામ્રાજ્ય જમાવી દે અને ફોન બોલી ઊઠે કે ભાઈ, હવે મને શ્વાસ લેવા માટેની પણ જગ્યા આપો.

 આવું દરેક લોકોને ક્યારેક તો થયું જ હશે. આવા સમયે ફરી એકવાર ફોન પર ગુસ્સો આવે અને નવો મસ્ત વધારે સ્પેસવાળો ફોન ખરીદવા માટેનો ખોટો થનગનાટ ઊપડે. એ નવા ફોનની પણ પાછી એક મર્યાદા હોય છે. ગૂગલની વિવિધ સર્વિસના સહારે ફોટો અને વીડિયોનો લોડ ઘટી શકે છે. ઈન્ટરનેટ ન આવતું હોય કે ફોન અંદર લઈ જઈ શકાય એમ ન હોય તો પણ એ ક્ષણ મેમરિઝ બની શકે છે. ટૂરની તૈયારી કરતી વખતે થોડો સમય કાઢીને કેટલીય ડિજિટલ તૈયારીઓ પણ કામ આસાન કરી શકે છે. આ માટે વ્યવસ્થિત ઈન્ટરનેટ હોય એ પ્રાથમિક શરત છે. એની સાથે આ ત્રણેક ડિજિટલ ટિપ્સથી ટૂર યાદગાર બનશે.

નેટ ક્નેક્ટિવિટી અને શેડ્યૂલ

 ઘરે કે ઓફિસ, જ્યાં પણ સારી નેટ ક્નેક્ટવિટી આવતી હોય ત્યાં બેસીને મેપમાં રૂટ સેટ કરી દો. રોડ ટ્રીપ હોય તો ડેસ્ટિનેશન પર લોકેટ કરી એના ફોટો સાથે એ સ્ક્રીન શોટ લઈ લો. ટૂર શરૂ થાય ત્યારે ફોટો ક્લિક કરીને મેપ સાથે પોતાના જ વોટ્સએપમાં સેન્ડ કરી દો. પછી એને ચાલુ ટૂરમાં પણ પોસ્ટ મૂકી શકાશે. દરમિયાન કોઈ સારી હોટેલ, ધાબુ કે હોલ્ટ આવે તો ઈન્ટરનેટ નહીં હોય તો પણ મેપમાં એ લોકેશન સેવ કરી શકાશે. અહીં પણ મસ્ત સેલ્ફી લીધી હોય તો અપલોડ કરવાની ઉતાવળ કરવાના બદલે વોટ્સએપમાં પોતાને જ મેસેજ કરી દો. પછી ચાલુ ટૂરમાં ઈટ્સ ગોઈંગ ઓન સેવા કેપ્શન સાથે પોસ્ટ કરી શકાશે. હવે એકવાર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ આ ફોટો વીડિયો ડિલિટ પણ કરી શકાય. અન્યથા ડ્રાઈવ સ્પેસમાં સ્ટોર કરી દો, ડેટ એન્ડ ટાઈમ ઓટોમેટિક લઈ લેશે. અગાઉનો મેપ્સનો સ્ક્રીનશોટ પણ નાંખી દો.આવું કરવાથી ડેટા સેવ થશે અને મેમરિઝ પણ સચવાશે

 જસ્ટ વન ક્લિક

સામાન્ય રીતે કોઈ ફોટો પાડવાનો થાય ત્યારે એક જ ફ્રેમ, લોકેશન કે ફેસના એકથી વધારે ફોટો ક્લિક કરવાની આદત દરેકને હોય છે. આવું કરવાના બદલે માત્ર એક કે બે ક્લિક જ કરો. આમ કરવાથી ફોટોમાં વિવિધતા પણ આવશે અને સરળતાથી ડુપ્લિકેટ ફાઈલ બનતી અટકાવી શકાશે. હવે આવી ફાઈલ્સ જ્યારે ડ્રાઈવ કે આલ્બમાં અપલોડ કરશો ત્યારે બેસ્ટ કઈ એ મુંઝવણ ઓછી થશે.     

મેમરિઝ ફૂલ થશે ત્યારે ડુપ્લિકેટ ફાઈલની એરર પણ નહીં આવે. ફોટો ક્લિક કરવામાં ભલે થોડીવાર લાગે પણ બેસ્ટ ક્લિક કરો. ઉતાવળ હોય ત્યારે જે તે મોમેન્ટનું શૂટિંગ કરી લો. રીલ્સ બનાવવા પણ કામ આવશે અને ડાયરેક્ટ સ્ટેટસ પણ મૂકી શકાશે. વીડિયો સેવ કરવા માટે હવે ‘ટેલિગ્રામ’ જેવી એપ્સ સૌથી સરળ અને વન ક્લિક સમાન છે.

 મેમરીઝ મેનેજમેન્ટ

 ટૂરમાં જતા પહેલા ફોનમાંથી નક્કામી ફાઈલ્સ, ફોટો કે પીડીએફ દૂર કરી દો. મહત્ત્વની હોય તો ટેબ કે લેપટોપમાં સેવ કરી રાખો. ટૂર શરૂ થાય એ સમયે ફોનમાં ઓછામાં ઓછી 8 જીબી સ્પેસ હોવી અનિવાર્ય છે.

આઉટ ઓફ ધ બોક્સ

નવેમ્બર 2022માં ચેટજીપીટી શરૂ થયું એ સમયે એનું નામ ચેટબોટ હતું, જેમાં ઈનપુટ તરીકે માત્ર કોમ્પ્યુટર અલ્ગોરીધમ સર્ચ થયું હતું.