Thu Apr 30 2026

Logo

એક સાથે છતાં અલગ અલગ...

2026-03-22 11:28:00
Author: Mumbai Samachar Team
Article Image

જૂઈ પાર્થ

સરોજબહેન આજે સવારથી શાંત હતાં. ગુસ્સો, નારાજગી, ચિંતા, અકળામણ, અજંપો બધું જ એક સાથે એમનાં 

મન પર હાવી થઈ રહ્યું હતું જાણે! એમનાં ગળેથી આજે કોળિયો નીચે નહોતો ઊતરતો. દેખીતું તો સરોજબહેન દીકરા વિશાલ અને વહુ સ્નેહાને સામાન પેક કરવામાં મદદ કરી રહ્યા હતાં પણ વિચારો યુદ્ધે ચડ્યા હતાં. દીકરા વહુનો સામાન બધો જ સામાન કપડાં, દાગીના, કબાટ, પુસ્તકો, વાસણ, અનાજ કરિયાણું, ફર્નિચર બધું જ.

વિશાલ અને સ્નેહાએ પગે લાગી મમ્મી- પપ્પાનાં આશીર્વાદ લીધાં અને વિશાલે ગાડીની ચાવી લીધી. સરોજબહેને એક છેલ્લીવાર પૂછ્યું કે જવું જ છે? બંને એ એકસાથે હા પાડી. કંપાઉન્ડમાંથી ગાડી કાઢી ને સરોજબહેન એમના પતિ જયંતભાઈનો હાથ પકડી ક્યાંય સુધી જતી ગાડીને તાકતા રહ્યાં. એક જ શહેરમાં રહીને દીકરા વહુને અલગ થતાં જોઈ સરોજબહેન અંદરથી ભાંગી પડ્યાં હતાં.

વિશાલ 32 વર્ષનો યુવાન એના પપ્પાની સીએ ફર્મમાં જોડાયો હતો. પત્ની સ્નેહા ગાયનેકોલોજિસ્ટ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતી હતી. એમનાં અરેન્જ્ડ મેરેજને પાંચ વર્ષ થયા હતાં. બાળક નહોતું, કારણ કે લગ્ન પછી તરત જ સ્નેહાને એક મિસ કેરેજ થયું હતું અને એ પછી એ ડર કહો એ ઈમોશનલી ઓછી તૈયારી મોટાભાગે દરેક ઘરમાં દેખાય એ રીતે આમનાં ઘરમાં પણ જનરેશન ગેપ મોટો દેખાતો હતો. સરોજબહેન અને જયંતભાઈ રૂઢિચુસ્ત, થોડા જુનવાણી, અતિશય શિસ્તબદ્ધ. વિશાલ એકલો હતો ત્યાં સુધી બધું ચાલ્યું પણ લગ્ન પછી સ્નેહાને આ બધું ના ગમતું. ક્યાં જાય છે, કોને મળે છે, કેટલા વાગે પાછા આવશે, ઘેર જ જમવાનું, મિત્રોને ઓછું મળવાનું, સપરિવાર જ બહાર જવાનું, દરેક ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગમાં હાજરી આપવાની, ધાર્યું ના થાય તો મહેણાંની ટોણા સાંભળવા વગેરે. કામની સાથે વિશાલ અને સ્નેહા એકબીજાને પણ ઓછો સમય આપી શકતા હતાં એવામાં ફેમિલી પ્રેશર વધવાથી એ બંનેનાં સંબંધમાં પણ તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. છેવટે વાત મેરેજ કાઉન્સેલિંગ સુધી પહોંચી. એ બંનેને એકબીજા સાથે કોઈ તકલીફ નહોતી. અંતે નિરાકરણ એ આવ્યું કે માતા પિતા સાથેનાં સંબંધો વધુ વણસે એના કરતાં એક જ શહેરમાં અલગ રહેવા જવું, જેથી રોજનાં મનદુ:ખ થવા કરતાં અલગ રહી માતા-પિતા સાથેનાં સંબંધ મીઠાં રહે. હિંમત કરી વિશાલ અને સ્નેહાએ સરોજબહેન-જયંતભાઈ સમક્ષ અલગ થવાનો પ્રસ્તાવ મૂક્યો અને મને-કમને એ લોકોએ સ્વીકાર્યો. છેવટે આજે વિશાલ અને સ્નેહા એમનાં નવા ઘરમાં રહેવા ગયાં.

બીજા કિસ્સામાં સુચેતા અને તપન લગ્ન પછી સ્વછંદતાથી રહેતાં હતાં. પોતાનું ધાર્યું કરવાનું, મિત્રો સાથે હરવાફરવાનું, પાર્ટીઓ કરવાની અને ઘરનાં સાથે લાગણીનો કોઈ સંબંધ નહીં. તપનનાં માતા- પિતાની સાથે ઉદ્ધત વર્તન કરી વાર-તહેવારે અપમાનિત કરતાં હતાં. દીકરા- વહુ સાથે માતા-પિતા સ્વમાનથી નહોતા રહી શકતા. ઢળતી ઉંમરે આ દંપતી દીકરા- વહુ માટે ઘર સાચવે, ઘર ચલાવે અને અપમાન પણ સહન કરે. છ - બાર મહિના આમ ચાલ્યું અને પછી તપનનાં માતા- પિતાએ સામેથી જ દીકરા- વહુને અલગ કર્યાં, જેથી એમનું ઘડપણ સુધરે.

આપણા સમાજમાં આવા કેટલાય પરિવારો છે જ્યાં બાપ દીકરાને નથી ફાવતું, સાસુ વહુને સાથે રહેવામાં તકલીફ છે કે પછી પતિ પત્નીને પણ એકબીજા સાથે ઓછું કે બિલકુલ નથી ફાવતું. આવી પરિસ્થિતિમાં કોનો વાંક કાઢવો કે પક્ષ લેવો એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે, જેની કદાચ જરૂર પણ નથી. પહેલાનાં સમયમાં બાંધી મુઠ્ઠીનું મોલ હતું.

જોકે હવે એવું નથી રહ્યું. પહેલાનાં લોકો એકબીજાનું માન રાખતા, સગાં અને સમાજથી ડરતા હતાં. અલગ થતા પહેલાં ચાર લોકો શું કહેશે, લોકો વાંક કાઢશે, સમાજમાં સ્વીકૃતિ મળશે કે નહીં, એકલા પડી જવાશે જેવા ડર રહેતાં.

જૂના જમાનામાં એક છત નીચે બે- ત્રણ પેઢીઓ એકસાથે રહેતી હતી. સંયુક્ત કુટુંબમાં સુખ-દુ:ખ બધું જ વહેંચાયેલું રહેતું. એકબીજાનાં સાથની, પરિવારની હૂંફ રહેતી, પણ એ સમયમાં સહુની સહનશક્તિ પણ ઘણી વધારે હતી. દિલમાં કૌટુંબિક ભાવના હતી. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ વિભક્ત કુટુંબો વધતા ગયા. ઘરની કોઈ એક વ્યક્તિ જે બધાંને સમજે, જતું કરે એ ઓછી થતી ગઈ. સમાજ માટે જીવતાં લોકોને પોતાના માટે જીવવાની પ્રેરણા થતી ગઈ. માટે હવે ઘણાખરા અંશે લોકો શું કહેશે કરતાં પોતે શું ઈચ્છે છે એને વધુ મહત્ત્વ આપે છે. સાથે રહેવું કે સમય રહેતા અલગ થવું એ અંગત નિર્ણય કહેવાય એમાં સમાજને કેટલું મહત્ત્વ આપવું? ભેગા રહેવું કે અલગ થઈ  જવું એ જે તે પરિસ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિ જ નક્કી કરી શકે. આ વિશે બોલો, 

તમે શું કહો છો!