Sun Aug 23 2026

Logo

વલસાડમાં અનોખી ઘટનાઃ ચોરી કરવા ઘૂસેલા ચોર જ્વેલરી શોમાં ફસાતાં બચવા પોલીસને ફોન કર્યો !

2026-08-21 09:37:00
Author: Mumbai Samachar Team
Article Image

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં એક અજીબોગરીબ અને રમુજી કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક જ્વેલર્સની દુકાનનું શટર તોડીને ચોરી કરવા ઘૂસેલા બે તસ્કર દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા. બહાર લોકોનું ટોળું ભેગું થઈ જતાં પકડાઈ જવાના અને લોકોના ગુસ્સાના ભયથી ગભરાઈ ગયેલા તસ્કરોએ સ્વબચાવ માટે ખુદ emergency નંબર 112 પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી

ચોરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપ્યા

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, 19 ઓગસ્ટ મંગળવારની સાંજે 7.30 વાગ્યે સંજાણ બજારમાં આવેલા 'બી.જે. જ્વેલર્સ' શોરૂમના માલિક દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જે બાદ મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે બે અજાણ્યા તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ ઇલેક્ટ્રિક કટર વડે શટરના નકુચા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો.

કટરનો અવાજ આવતાં સ્થાનિકે માલિકને જાણ કરી

ચોરો જે સમયે શટર કાપી રહ્યાં હતા ત્યારે કટરનો અવાજ આવતાં જ સામે રહેતા નિખિલભાઈ જાગી ગયા હતા. તેમણે તાત્કાલિક દુકાનમાલિકના મિત્ર આકાશભાઈને જાણ કરી હતી, જેમણે જ્વેલર્સના માલિક મનીષ શર્માને ઘટના અંગે માહિતગાર કર્યા હતા. માહિતી મળતાં જ મનીષ શર્મા તેમના ભાઈ નિરજ સાથે તુરંત દુકાને દોડી આવ્યા હતા. આ દરમિયાન આસપાસના રહીશો પણ એકઠા થઈ ગયા હતા.

સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને બહારથી શટરને બંધ કરી દીધું

શટર અડધું ખુલેલું જોઈને તપાસ કરતાં અંદર બે ચોર હોવાની ખાતરી થઈ હતી. આથી સ્થાનિકોએ ભારે સમયસૂચકતા વાપરીને ચતુરાઈપૂર્વક બહારથી શટર બંધ કરી દીધું હતું અને બંને તસ્કરોને દુકાનમાં જ કેદ કરી દીધા હતા. દુકાનમાં પુરાયેલા ચોરોને બહાર મોટું ટોળું ભેગું થયું હોવાનો ખ્યાલ આવતાં જ તેઓ ગભરાઈ ગયા હતા અને બચવા માટે પોતે જ 112 પર ફોન કરીને પોલીસની મદદ માગી હતી.

પોલીસે શટર ખોલી બંને ચોરોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો

ઘટનાની જાણ થતાં જ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી ઉમરગામ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે શટર ખોલીને બંને ચોરોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ઇલેક્ટ્રિક કટર, ચોરીના સાધનો, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 18,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બંને તસ્કરોને રંગેહાથ ઝડપ્યા

કૉલ મળતાં જ ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે દુકાનમાં પુરાયેલા બંને તસ્કરને કસ્ટડીમાં લીધા હતા. વાપી DySP બી. એન. દવેના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ દિનેશ સોનકર (રહે. બોઈસર, મૂળ યુપી) અને વિપિન પાઠક (રહે. નાલાસોપારા, મૂળ યુપી) તરીકે થઈ છે.